ટોપ ન્યૂઝનેશનલ

મોદી સરકારની વધુ એક પીછેહઠ! બે દિવસ પહેલા કરેલી જાહેરાત પરત લેશે

નવી દિલ્હી: વિવિધ સરકારી પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી (lateral recruitment) કરવાની કેન્દ્ર સરકારે (Central Government) જાહેરાત કર્યા બાદ વિપક્ષે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો, ખાસ કરીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા હતા કે કેન્દ્ર સરકાર અનામત રદ કરવા ઈચ્છે છે. હવે આ જાહેરાત અંગે કેન્દ્ર સરકારે પીછેહઠ કરી છે. કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવા UPSCને પત્ર લખ્યો છે.કર્મચારી અને તાલીમ વિભાગના પ્રધાન જિતેન્દ્ર સિંહે ‘યુનિયન પબ્લિક સર્વિસ કમિશન’ (UPSC) ને એક પત્ર લખ્યો છે, જેમાં લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીની જાહેરાતને રદ કરવા વિનંતી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કર્યા બાદ જિતેન્દ્ર સિંહે આ પત્ર લખ્યો છે.

યુપીએસસીએ શનિવારે 17 ઓગસ્ટના રોજ વિવિધ મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડિરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીની જગ્યાઓ પર 45 નિમણૂક કરવા માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરી હતી, આ ભરતીઓ લેટરલ એન્ટ્રી દ્વારા થવાની હતી. જો કે વિપક્ષે આ અંગે હોબાળો મચાવ્યો હતો અને સરકારના આ પગલાને અનામત છીનવી લેવાનું કાવતરું ગણાવ્યું હતું. લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી થવાથી, ખાનગી ક્ષેત્રના લોકોની મહત્વના હોદ્દા પર નિમણુક કરી શકાય છે.

હવે આ ભારતીઓ રદ કરવાના નિર્ણયને લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બાદ કેન્દ્ર સરકારની વધુ એક પીછેહઠ અને વિપક્ષની જીત તરીકે જોવામાં આવી રહી છે.

લેટરલ એન્ટ્રી દ્વારા અગાઉ પણ ભરતી થઇ ચુકી છે:
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે 9 ઓગસ્ટ, 2024ના રોજ રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં લેટરલ એન્ટ્રી દ્વારા 63 પદો પર નિમણૂકો કરવામાં આવી છે. તેમાંથી હાલમાં 57 અધિકારીઓ જુદા જુદા મંત્રાલયો અને વિભાગોમાં જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરીના પદ પર કામ કરી રહ્યા છે. લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કોન્ટ્રાક્ટ આધારિત છે, જે બે થી ત્રણ વર્ષના સમયગાળા માટે હોય છે. નિમણૂક પામેલા વ્યક્તિની કામગીરીના આધારે કરારનો સમયગાળો લંબાવવામાં આવે છે.

જિતેન્દ્ર સિંહે પત્રમાં શું લખ્યું?
જિતેન્દ્ર સિંહે UPSC અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “2014 પહેલા, લેટરલ એન્ટ્રી દ્વારા કરવામાં આવતી ભરતીઓ એડ-હૉક આધારિત હતી. ઘણી વખત આમાં પક્ષપાતના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા હતા. અમારી સરકારનો પ્રયાસ છે કે આ પ્રક્રિયાને સંસ્થાકીય રીતે વધુ યોગ્ય અને પારદર્શક બનાવવામાં આવે. વડા પ્રધાન ભારપૂર્વક માને છે કે લેટરલ એન્ટ્રીની પ્રક્રિયા આપણા બંધારણમાં સમાવિષ્ટ સમાનતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોને અનુરૂપ હોવી જોઈએ, ખાસ કરીને અનામતની જોગવાઈઓ સાથે.”

આ પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું કે, “વડા પ્રધાન માને છે કે સરકારી નોકરીઓમાં અનામત એ આપણા સામાજિક ન્યાય માળખાનો પાયાનો પથ્થર છે, જેનો ઉદ્દેશ્ય એવા લોકોને તક પૂરી પાડવાનો છે જેમને ઐતિહાસિક રીતે અન્યાય થયો છે અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવાનું છે. એ બાબત મહત્વની છે કે સામાજિક ન્યાય પ્રત્યે બંધારણીય આદેશ જાળવવામાં આવે, જેથી કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના લાયક ઉમેદવારોને સરકારી સેવાઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે. હું UPSC ને લેટરલ એન્ટ્રી ભરતીની જાહેરાત રદ કરવા વિનંતી કરું છું.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button