બદલાપુરમાં બાળકીઓ પર થયેલા અત્યાચાર સામે હરભજન સિંહ થયા આક્રમક, સીએમ શિંદેને ટેગ કરી કહ્યું….
બદલાપુર (મહારાષ્ટ્ર) : દેશભરમાં જુદે જુદે ઠેકાણે મહિલાઓ પર થતી હિંસા અને અત્યાચારની ઘટનાઓ આપણા કાને અથડાયા કરે છે. હાલમાં હવે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર ખાતે એક નામાંકિત શાળામાં બે બાળકીની શાળાના સફાઇ કર્મચારી દ્વારા જાતિય સતામણી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ રોષે ભરાયા છે. આજે બદલાપુર બંધની એલાન કરવામાં આવ્યું છે. વાલીઓએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને સાંસદ હરભજન સિંહે પણ બદલાપુરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે આવી માનસિકતા ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને સવાલ કર્યો છે કે લોકોને આ શું થઇ ગયું છે?
બદલાપુરની નામાંકિત શાળામાં નર્સરી ક્લાસમાં ભણતી બાળકી જયારે ટૉયલેટ ગઇ હતી ત્યારે ગર્લ્સ ટોયલેટમાં પુરૂષ સફાઈ કર્મચારીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ પછી પીડિતા બાળકી શાળાએ જવા માટે તૈયાર ન હોવાથી તેના પરિવારને શંકા ગઇ હતી અને તેમણે તેની તબીબી તપાસ કરાવી હતી. તબીબી તપાસમાં ખબર પડી હતી કે તેને ટોર્ચર કરવામાં આવી હતી. ત્યાર બાદ શાળાની બીજી માસુમ બાળકી સાથે પણ આવી ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.
આ મામલે શાળાએ બાળકીના પેરેન્ટ્સની માફી પણ માંગી છે અને ચાર લોકોને સસ્પેન્ડ કર્યા છે. આરોપી સફાઇ કર્મચારીને હાંકી કાઢવામાં આવ્યો છે અને તેની ભરતી કરનાર કોન્ટ્રાક્ટરને કાયમી ધોરણે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો છે. જે સ્થળે આ ઘટના બની હતી ત્યાંની મુખ્ય શિક્ષિકા, વર્ગ શિક્ષક અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જવાબદાર બે જણને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ મામલે લોકોના વિરોધ બાદ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપી અક્ષય શિંદેને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતા