દુબઈથી મુંદ્રા ખાતર મંગાવનારા હરિયાણાના વેપારી સાથે 60.75 લાખની ઠગાઈ
ભુજ: કચ્છના મુંદ્રાના અદાણી બંદર પર દુબઈથી યુરિયા ખાતર મંગાવનારા હરિયાણાના વેપારી સાથે ૬૦.૭પ લાખની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવતાં ચકચાર પ્રસરી છે. ઠગાઇનો ભોગ બનનારા વેપારીએ દુબઈથી મુંદ્રા બંદર મંગાવેલા ટેકનીકલ ગ્રેડ યુરિયાને કસ્ટમ કલીયરન્સ કરાવવાના નામે ચાર ભેજાબાજ શખ્સોએ અલગ અલગ સમયે ૧૩.૪૦ લાખ પડાવી લીધા હોવા છતાં ૪૭.૩પ લાખના મૂલ્યનો માલ સગેવગે કરી લીધો હતો.
મુંદ્રાના પોલીસ મથકમાં હરિયાણાના ગુરૂગ્રામમાં રહેતા અરૂણ પ્રતાપસિંગ શ્રીરામવીરસિંગ રાજપુતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત રજી ઓગસ્ટ ર૦ર૩ થી ૧૦ જાન્યુઆરી ર૦ર૪ દરમ્યાન આ ઠગાઇનો બનાવ બન્યો હતો.
જીએસટી તથા કસ્ટમ ડયુટી સહીત રૂા.૪૭,૩પ,૦૯૧ની કિંમતના દુબઈથી આયાત કરેલા ૧૨૦ ટન ટેકનીકલ ગ્રેડ યુરિયાના માલ અંગે કસ્ટમ કલીયરન્સ કરવાનું હતું, જેથી મેઘપર કુંભારડીના ભક્તિધામમાં રહેતા પરાગ કીર્તી દેસાઈ મારફતે અજય રાઠોડ નામના સીએચએ સાથે સંપર્ક થયો હતો.
તેણે આરોપી પરાગ તેમજ જામનગરની શિવશક્તિ સોસાયટીમાં રહેતા જયરાજસિંહ રાજેન્દ્રસિંહ રાણા અને ચિરાગ શાહ સાથે મળી ફરિયાદી પાસેથી આઈજીએમમાં સીસ્ટમ તથા બીએલમાં વજનની અલગ અલગ એન્ટ્રી સુધારવાના ૬૦ હજાર, ડીમાન્ડ ડ્રાફટ ડીપોઝીટ તથા ઈન્સ્યોરન્સ પોલીસી પેટે અને સીએફએસ ચાર્જના અલગ અલગ ૧૪ ચાર્જ મળી ૪.૩૦ લાખ અને લાઈન ડીટેક્શન ચાર્જના ૮.પ૦ લાખના અલગ અલગ બિલ મોકલી ફરિયાદીનો વિશ્વાસ કેળવી ૧૩.૪૦ લાખ પડાવી લીધા હોવા છતાં કસ્ટમ કલીયરન્સ ન કરાવી ૬૦,૭પ,૦૯૧નો વિશ્વાસઘાત કરવામાં આવતા મુંદરા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે અંગે આગળની તપાસ પી.આઈ આર.જે.ઠુમ્મરે હાથ ધરી છે.