તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

પોષક તત્ત્વોનો ખજાનો ધરાવે છે પાતળી કૂણી ફણસી

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

ફણસીનો આહારમાં સમાવેશ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. સામાન્ય રીતે ઘરમાં ફણસીનું શાક બને તેની સાથે કેટલાંક કુટુંબીજનનું નાકનું ટેરવું ચઢી જાય. બહારની ચાઈનીઝ વાનગીમાં ઝીણી સમારેલી ફણસી હોય તો તેને સ્વાદથી ખાવામાં આવે.

ટૂંકમાં કુટુંબના સભ્યોને મનપસંદ ના હોય તેવું શાક ખવડાવવું હોય, તો તેને જરા અલગ પ્રકારે બનાવીને પીરસવાની જરૂર છે. દેખાવમાં લીલીછમ પાતળી-પાતળી ફણસીને બાફીને, સાંતળીને કે શાક બનાવીને ખાઈ શકાય છે.

ફણસીમાં સમાયેલાં પોષક ગુણો જોઈએ તો : ૧૦૦ ગ્રામ ફણસીમાં વિટામિન સી ૧૨ મિલીગ્રામ, વિટામિન ઈ ૦.૪૧ મિલીગ્રામ, આયર્ન ૧.૦૩ મિલીગ્રામ, કેલ્શિયમ ૩૭ મિલીગ્રામ, મૈગ્નેશિયમ ૨૫ મિલીગ્રામ, ફોસ્ફરસ ૩૮ મિલીગ્રામ, પોટેશિયમ ૨૧૧ મિલીગ્રામ ૭.૧૩ ગ્રામ, ૧.૬૮ પ્રોટીન, ૨.૭ ગ્રામ શર્કરા, વિટામિન બી-કોમ્પલેક્સ (બી-૧, બી-૨, બી-૩, બી-૫) સહિત બીટા કૈરોટીન, સિલિકોન, મેંગેનિઝ સમાયેલાં છે, જે શરીરની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.

ભારતમાં ફણસીનું ઉત્પાદન મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુમાં નિલગીરી હિલ્સ, કેરાલામાં પાલિની હિલ્સ, કર્ટાટકમાં ચીકમંગલુર, પશ્ર્ચિમ બંગાળમાં દાર્જીલિંગ હિલ્સમાં સૌથી વધુ થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં સુધારો લાવે :
ફણસીમાં પૂરતાં પ્રમાણમાં ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ જોવા મળે છે. એને કારણે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ મળે છે. કોશિકાને થતાં નુકાસાનથી બચવામાં મદદ મળે છે.

હાડકાંની મજબૂતાઈ માટે લાભકારક :
ફણસીમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંની તંદુરસ્તી માટે અત્યંત ઉપયોગી ગણાય છે. આહારમાં નિયમિત રીતે પ્રમાણભાન રાખીને ઉપયોગ કરવાથી હાડકાં બરડ બનતાં અટકે છે. વિટામિન એ, વિટામિન કે, તથા સિલિકોન હાડકાં માટે અત્યંત ગુણકારી ગણાય છે. જો ઉપરોક્ત પોષક તત્ત્વોની ઊણપ શરીરમાં વર્તાય તો વ્યક્તિને નબળાઈનો અનુભવ થાય છે.

શરીરને ઊર્જાવાન બનાવવામાં મદદરૂપ
પાલકની સરખામણીમાં ફણસીમાં આયર્નની માત્રા બમણી હોય છે. આયર્ન લાલ રક્તકોશિકાના ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવતું એક ઘટક ગણાય છે. ફેંફસાં દ્વારા ઑક્સિજનની માત્રા સંપૂર્ણ શરીરની કોશિકાઓ સુધી પહોંચાડવામાં મદદ કરે છે, જેથી એનિમિયા, શરીરમાં નબળાઈ, કે પાચનક્રિયા સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

ફણસીના આરોગ્યવર્ધક ગુણ
હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી એવી ફણસીમાં કેલ્શિયમ તેમજ ફ્લેવોનોઈડનું પ્રમાણ ભરપૂર હોય છે. ફ્લેવોનોઈડસ પોલીફેનોલિક ઍન્ટિ-ઓક્સિડન્ટ છે, જે મુખ્યત્વે ફળ તેમજ શાકભાજીમાં જોવા મળે છે તેથી ફણસીનું સેવન નિયમિત કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.

આંખો માટે ગુણકારી
કૈરોટીનોઈડનું પ્રમાણ ભરપૂર હોવાને કારણે ફણસીનું સેવન આંખોની અંદરના ભાગમાં થતાં તણાવને ઘટાડે છે. તંદુરસ્તી જાળવવામાં ગુણકારી ગણાય છે. આંખોનું સ્વાસ્થ્ય જાળવવા ઈચ્છતી વ્યક્તિએ ફણસીનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં લ્યૂટેન તથા જેક્સૈન્થિનથી પણ વધુ સમૃદ્ધ ગણાય છે. આંખનું તેજ જાળવવામાં મદદ કરે છે.

કૅન્સરથી બચાવવામાં મદદરૂપ :
ફણસીનો આહારમાં ઉપયોગ સ્તન કૅન્સરના જોખમને ઘટાડવામાં લાભદાયક ગણાતો આવ્યો છે. ફાઈબરની માત્રા ભરપૂર હોવાને કારણે ફણસીના સેવન થકી કોલોરેક્ટલ કૅન્સરના ખતરાથી બચાવવામાં મદદ કરે છે.

ડાયાબિટીઝ રોકવામાં મદદરૂપ :
ફણસીમાં અનેક એવા સત્ત્વ છે જે ડાયાબિટીસને રોકવામાં ઉપયોગી છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ડાયેટરી ફાઈબર્સ તેમજ કાર્બોહાઈડ્રેટસ સમાયેલાં છે તેથી જ ફણસી ડાયાબિટીસના દર્દીઓ માટે એક આદર્શ શાક છે.

ત્વચા તથા વાળને માટે લાભકારક :
પોષક તત્ત્વોનો ખજાનો ધરાવતી ફણસીનો આહારમાં ઉપયોગ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ત્વચાની ચમક તેમજ વાળને ખરતાં રોકવામાં ફણસીનો આહારમાં સમાવેશ અત્યંત લાભદાયક મનાય છે. તેનું મુખ્ય કારણ તેમાં વિટામિન એ, વિટામિન સી તેમજ વિટામિન કેની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે તો ફોલિક એસિડ તેમજ કેલ્શિયમના ગુણો હોવાને કારણે ત્વચા, વાળ તેમજ નખની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. લ્યૂટિન તેમજ જેક્સૈંથિન જેવા અન્ય શક્તિવર્ધક કમ્પાઉન્ડ સમાયેલાં છે. જે કૅન્સર તેમજ હૃદયસંબંધિત બીમારીની શક્યતાને ઘટાડવામાં ઉપયોગી ગણાય છે.

ફણસીનું પંજાબી શાક
૨૫૦ ગ્રામ ફણસી, ૧ કપ પલાળેલી ચણાની દાળ, ૨
ચમચી આદુંની કતરણ, ૨ નંગ લીલા મરચાં ઝીણા સમારેલાં, ફણસી મોટી સમારેલી, ૨ નંગ કાંદાની સ્લાઈસ, ૧ ચમચી જીરું, ચપટી હિંગ, કીચનકિંગ મસાલો સ્વાદાનુસાર, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી લાલ મરચું, સ્વાદાનુસાર મીઠું, ૨ નંગ ટમેટા ઝીણાં સમારેલાં, સજાવટ માટે કોથમીર.

બનાવવાની રીત : સૌ પ્રથમ ફણસીના થોડા મોટા ટુકડાં કરી લેવાં. ચણાની દાળને ૨ કલાક માટે પાણીમાં પલાળી દેવી. એક કડાઈમાં ૧ ચમચી તેલ તેમજ ૧ ચમચી ઘી મુકવૂ. જીરું નાખીને ૨-૩ મિનિટ માટે સાંતળવું. કાંદાને વઘારી દેવાં. સાથે લીલું મરચું, લસણ, આદુંની કતરણ ભેળવીને ૨ મિનિટ માટે સાંતળવું. ચણાની દાળ ઉમેરીને બરાબર ભેળવી લેવું. લીલું મરચું, આદુની કતરણ, ટમેટા તેમજ ફણસી ભેળવીને મિક્સ કરી લેવું. થોડું પાણી ઉમેરીને શાકને વરાળથી બાફી લેવું. કૂણી કૂણી ફણસી ઉમેરીને બરાબર પાણી મેળવીને શાકને ધીમી આંચ ઉપર બનાવવું. ગરમાગરમ પરાઠા સાથે સ્વાદિષ્ટ કોથમીર તેમજ ટમેટાંની સ્લાઈસથી સજાવેલું શાક પીરસવું.

એનિમિયાને દૂર કરવામાં લાભકારી
ફણસીમાં આયર્નની માત્રા પૂરતાં પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. આયર્ન શરીરમાં લાલ રક્ત કણ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. લાલ રક્તકણો શરીરના વિવિધ અંગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જો વ્યક્તિના શરીરમાં આયર્નની માત્રા ઘટે તો એનિમિયાનો ખતરો વધી જતો હોય છે. તેથી એનિમિયાની વ્યાધિથી બચવું હોય તો ફણસીનો આહારમાં સમાવેશ આવશ્યક બની જાય છે.
લીલા શાકભાજી ખાવાથી યાદશક્તિ મજબૂત બને છે. ફણસીનો ઉપયોગ મુખ્યત્વે ચાઈનીઝ વાનગીની સાથે પંજાબી વાનગીમાં કરવામાં આવે છે. ફણસીનો ઉપયોગ સૂપમાં કરી શકાય છે. ફણસીનો ઉપયોગ કચોરીમાં ભરીને કરી શકાય છે. પુલાવ તેમજ વેજિટેબલ ખીચડીમાં ફણસીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button