તરોતાઝા

એસિડિટીની એ-બી-સી-ડી

કવર સ્ટોરી -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

આજના જમાનામાં દરેકને સદાય પજવતી પીડા છે
એસિડિટી… આને તમે ખોટી લાઈફ સ્ટાઈલ – ભૂલભરેલી જીવનશૈલીની બીમારી કહી શકો
એસિડિટીનાં લક્ષણ :

  • જમ્યા પછી ઘચરકા (ખાટા ઓડકાર) આવે. (ક્યારેક કડવા કે તીખા ઓડકાર આવે.)
  • ગળામાં, છાતીમાં કે પેટમાં બળતરા થવી તથા હેડકી આવવી.
  • રાતના સમયે ઉધરસ સાથે ઊંઘ ઓછી આવવી.
  • સવારે જાગીએ ત્યારે મોંમાં ખાટો સ્વાદ હોય.
  • મોઢામાં ચાંદાં પડે કે અવાજ બેસી જાય.
  • હથેળી અને પગના તળિયામાં બળતરા થવી.
  • વધુ પડતો અપાનવાયુ છૂટવો.
  • વધુ એસિડિટીમાં લીલી-પીળી અને કડવી ઊલટી થઈ શકે.
  • બેચેની તથા ગભરામણ થાય.

એસિડિટી થવાનાં કારણ:
એસિડિટીનો રોગ શરીર અને મન બંનેની અસંતુલિતતાના કારણે થાય છે.
માનસિક કારણ:

  • ઈર્ષ્યા, અદેખાઈ, વધુ પડતી હરિફાઈવાળી વૃત્તિ, ભય, ટેન્શન કે વધુ પડતો લોભ રાખવાથી એસિડિટી થઈ શકે છે.
  • કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની ચિંતાથી એસિડિટી થાય.
    શારીરિક કારણ:
  • જે કારણોથી અર્જીણ થાય છે, પ્રાય: તે કારણોથી એસિડિટી થાય છે.
  • આહારનું વ્યવસ્થિત પાચન ન થવાથી.
  • અન્નનળીનો વાલ્વ ઢીલો હોવાથી જઠરઅગ્નિમાં રહેલા એસિડિના ઓડકાર આવવાની સંભાવના વધી જાય છે.
  • વધુ પડતા તીખા, તળેલા કે નશીલા પદાર્થોના સેવનથી પણ થાય.
  • ઉપવાસની આગલી સાંજે તળેલું, તીખું કે ખાટું જમવાથી.
  • જમ્યા બાદ તરત જ સૂઈ જવાથી.
  • અમુક દુ:ખાવો દૂર કરવાની દવાઓના સેવનથી.
  • મેદસ્વિતા – જાડી વ્યક્તિઓના પેટ ઉપર વધુ દબાણ આવવાથી સમયાંતરે પેટનો વાલ્વ ઢીલો થઈ શકે છે.
  • કમરથી વધુ ફીટ કપડાં પહેરવાની આદતને કારણે.

એસિડિટી વખતે આહારમાં શું ધ્યાન રાખવું ?
આ રોગ કેવળ ખાન-પાનની સંભાળ લેવાથી મટે છે. ગમે તેવી દવાઓ હોય, તો પણ તે આહારની સંભાળ લીધા વિના કાંઈ જ ફાયદો કરતી નથી.

  • બને તો અન્નાહાર બંધ કરી ફક્ત દૂધ અને તાજા ફળોના આહાર પર થોડા દિવસ રહેવાથી વગર દવાએ આ રોગ સારો થઈ જશે.
  • લીલાં પાંદડાંવાળા શાકભાજીનો ઉપયોગ વધુ કરવો.
  • વધુ મસાલેદાર અને તીખો આહાર ન લેતાં, સાદો અને સાત્ત્વિક આહાર લેવો.
  • ટમેટાં અને ટમેટાંમાંથી બનતી વસ્તુનો ત્યાગ રાખવો.

ઉપચાર
૧) બપોરે અને સાંજે ભોજન બાદ ૧ ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવું.
૨) વિકટ સંજોગોમાં એસિડિટી થઈ હોય અને જ્યારે કાંઈ પણ ઉપચારની વ્યવસ્થા ન હોય, ત્યારે પોતાની જ લાળ ગળ્યા કરવી. આપણી લાળ અનેક પાચકરસોથી ભરપૂર છે. તે પાચકરસો પેટને પાચન કરવામાં ખૂબ જ સહાયક થતા હોય છે, અને પેટના એસિડને સંતુલિત રાખતા હોય છે.
૩) ૧-૨ ગ્લાસ માટલાનું ઠંડું પાણી પી જવું.
૪ ) ૨૫-૩૦ ગ્રામ કુંવારપાઠાનો રસ પીવો.
૫) ૧ કપ પાણી કે છાશમાં શેકેલું થોડું જીરું તથા સાકર મેળવીને પીવું.
૬ ) ૨ કેળાંમાં ૨ ચમચી ઘી અને ૧ ચમચી સાકર નાખીને જમવું.
૭ ) ત્રણેક ચમચી આમળાંનો રસ, ૧૦ ગ્રામ કાળી દ્રાક્ષ અને ૧ ચમચી મધ ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
૮) અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને જમવું.
૯) જીરું અને સાકરનું ચૂર્ણ પાણી સાથે લેવું.
૧૦) ૧૦૦ મિલી લીટર ગાજરનો રસ રોજ પીવાથી એસિડિટી મટે છે.
૧૧) શતાવરીનું ચૂર્ણ દૂધ સાથે લેવું.
૧૨ ) ૨૦ નંગ કાળી દ્રાક્ષ ધોઈને રાત્રે પાણીમાં પલાળી સવારે મસળી તેનું પાણી પીવું.

-અને છેલ્લે આટલી સાવધાની જરૂર રાખો

  • આહાર-વિહાર અને માનસિક વલણમાં ફેરફારો કરવાથી આરોગ કાયમી નાબૂદ થઈ શકે છે.
    માટે માત્ર કામચલાઉ ઉપચાર ન કરવા.
  • પોતાની ઈચ્છા મુજબ કંઈ ન થાય ત્યારે ગુસ્સે ન થઈ જવું.
  • ધીરજતા અને ક્ષમાનો ગુણ જીવનમાં અપનાવવો.
  • કાર્યભાર અને આંતરિક જીવનનું સંતુલન કરતાં શીખવું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button