વડા પ્રધાન બાદ હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવી રહ્યા છે અમદાવાદ, RSS ચીફ સાથે પણ મુલાકાતની શક્યતા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરથી લોકસભા સાંસદ અમિત શાહ તેમના આવતીકાલથી શરૂ થનારા જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા આજે સાંજે અમદાવાદ આવી રહ્યા છે. આવતીકાલથી 2 દિવસ સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ તેમના હસ્તે થશે. તેમજ આ દિવસોમાં RSS ચીફ મોહન ભાગવત પણ હાલ અમદાવાદમાં છે, આથી આ બંને વચ્ચે પણ મુલાકાત થાય તેવી શક્યતા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમદાવાદમાં સવારે 10 વાગ્યાથી સરખેજ વોર્ડના ઓકાફ તળાવના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે, તે પછી થલતેજ, ગોતા-ચાંદલોડિયામાં પણ તળાવોના ખાતમૂહુર્તના કાર્યક્રમમાં તેઓ રૂબરૂ હાજરી આપશે. અમદાવાદના આ તમામ કાર્યક્રમોને કારણે એસ.જી. હાઇવે વહેલી સવારથી લઇને સાંજ સુધી વ્યસ્ત રહે તેવી શક્યતા છે.
અમદાવાદ પછી ગૃહ પ્રધાન ગાંધીનગર ખાતે પાલેજ એરપોર્ટ સ્ટેશન સામે આવેલા રાષ્ટ્રીય ફાર્માસ્યુટીકલ શિક્ષણ અને સંશોધન સંસ્થા-નાઇપરના નવા ભવનનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે.