ડાયાબિટીસ અને સ્થૂળતાનો શિકાર બને છે બાળકો, ડૉક્ટરોએ મહારાષ્ટ્ર સરકારને લખ્યો પત્ર
મહા એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સે મહારાષ્ટ્ર સરકારને શાળાઓમાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં ખાંડવાળી વસ્તુઓનું વિતરણ બંધ કરવા વિનંતી કરી છે. તેમણે આ મામલે રાજ્યના શાળા શિક્ષણ પ્રધાન દીપક કેસરકરને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવી ખાદ્ય ચીજોના કારણે બાળકો ડાયાબિટીસ અને સ્થૂળતાનો શિકાર બની શકે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજનનું મેનુ બદલાશે, જાણો સરકારનો નવો નિયમ
પત્રમાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ અઠવાડિયામાં ચાર વખત ચોખાની ખીર અને હલવો પીરસવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. GR મુજબ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓના ભોજનમાં 25 ગ્રામ ખાંડ ઉમેરવી જોઈએ અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓના ભોજનમાં 45 ગ્રામ ખાંડ ઉમેરવી જોઈએ.
મહા એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ જણાવે છે કે બાળકોને આખા દિવસમાં 25 ગ્રામ ખાંડની જરૂર હોય છે. બાળકો દિવસભર અન્ય ખાધ્ય પદાર્થઓ પણ ખાતા રહે છે, જેનાથી તેમણે દિવસભરમાં લીધેલી ખાંડનું પ્રમાણ વધી જાય છે. ખોરાકમાં 25 ગ્રામ અને 45 ગ્રામ ખાંડ ઉમેરવાથી બાળકોમાં ડાયાબિટીસ અને સ્થૂળતા થઈ શકે છે. અમે સરકારને અપીલ કરી છે કે આવી મીઠાઈઓ આપવાનું બંધ કરે.
આ પણ વાંચો: મુંબઈમાં આ સરકારી શાળાની 107 વિદ્યાર્થિનીઓ ભોજન ખાધા બાદ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની
શિવસેના (UBT)ના નેતા અંબાદાસ દાનવેએ પણ આ GR પર રાજ્ય સરકારની ટીકા કરી હતી. તેમણે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “રાજ્ય સરકાર વિચારે છે કે ભાવિ પેઢી વધારાની ખાંડને પચાવવાની ફેક્ટરી છે.” વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા દાનવેએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઇથેનોલના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી રહી છે જ્યારે તે જ સમયે શાળાના બાળકોને વધારાની ખાંડ આપવામાં આવી રહી છે.