અપક્ષોના હાથમાં સત્તાની ચાવી?

વિધાનસભાની ચૂંટણી પહેલાંના સર્વેમાં બંને ગઠબંધન સ્પષ્ટ બહુમતી મેળવી નહીં શકે એવું તારણ: મુખ્ય પ્રધાનપદ માટે એકનાથ શિંદે પહેલી પસંદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવે તે પહેલાં કરવામાં આવેલા એક સર્વેક્ષણના તારણો અત્યંત આંચકાજનક આવ્યા છે અને આ તારણથી ફક્ત સત્તાધારી મહાયુતિની જ નહીં તો વિપક્ષી મહાવિકાસ આઘાડીની પણ ઊંઘ ઉડી જવાની શક્યતા રહેલી છે. જોકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે માટે આ સર્વેક્ષણના તારણો અત્યંત પ્રોત્સાહક છે, કેમ કે મુખ્ય પ્રધાનપદ માટે તેમને સૌથી વધુ પસંદગી મળી છે.
ટાઈમ્સ-મેટ્રિઝ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ મહાયુતિ અને મહાવિકાસ અઘાડી બંનેમાંથી કોઈને સ્પષ્ટ બહુમતી મળશે નહીં. ભાજપને સૌથી વધુ સીટો મળવાનું અનુમાન છે. જોકે, મુખ્ય પ્રધાનપદ માટે એકનાથ શિંદેને પહેલી પસંદ ગણાવવામાં આવી છે.
ટાઈમ્સ-મેટ્રિઝ સર્વે અનુસાર રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી અને મહાયુતિમાં કોઈને બહુમતી નહીં મળે તેવું તારણ સામે આવ્યું છે.
આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કેમ નથી યોજતા?
આ સર્વે મુજબ ભાજપને 95થી 105 સીટો મળી શકે છે. શિવસેના શિંદે જૂથને 19થી 24 બેઠકો મળવાનો અંદાજ છે. આ સાથે એનસીપી અજિત પવાર જૂથ 7 થી 12 બેઠકો જીતી શકે છે. શિવસેના ઠાકરે જૂથના 26 થી 31 ઉમેદવારો ચૂંટાઈ શકે છે. કોંગ્રેસ 42 થી 47 બેઠકો જીતી શકે છે અને એનસીપી શરદ પવાર જૂથ 23 થી 28 બેઠકો જીતી શકે છે.
અન્ય પક્ષો અને અપક્ષોને 11થી 16 બેઠકો પર સફળતા મળે તેવી શક્યતા છે અને સત્તાની ચાવી અપક્ષો પાસે જાય તેવી શક્યતા જણાઈ રહી છે. ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસમાંથી એકનાથ શિંદેના નામને મુખ્યપ્રધાન પદ માટે સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે.