પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ: બાવન લોકોનાં મોત

કવેટા: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં બાવન લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં એક DSP (નવાઝ ગશકોરી) સહિત પોલીસ દળના કેટલાક લોકો પણ સામેલ છે. 50 લોકો ઘાયલ થયા છે, એમ એક અહેવાલમાં જાણવા મળ્યું છે.
આ વિસ્ફોટ આત્મઘાતી બ્લાસ્ટ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. બલુચિસ્તાનના મસ્તુંગમાં અલ ફલાહ રોડ પર શુક્રવારે મદીના મસ્જિદ નજીક ભયાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટના એ વખતે બની હતી, જ્યારે લોકો ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર એક જુલુસમાં ભાગ લેવા માટે એકઠા થઈ રહ્યા હતા. આ વિસ્ફોટમાં અનેક લોકોને ઇજા પહોંચી છે, જ્યારે અસરગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. એક બચાવ ટીમને મસ્તુંગ મોકલવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ લોકોને ક્વેટા લઈ જવામાં આવી રહ્યા છે અને તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે.
અત્યાર સુધી આ વિસ્ફોટની જવાબદારી કોઈએ લીધી નથી. પાકિસ્તાની તાલિબાન (ટીટીપી) એ એક નિવેદનમાં તેની સંડોવણીનો ઇનકાર કર્યો છે. આ અગાઉ ઇસ્લામિક સ્ટેટના પાકિસ્તાન પ્રકરણે મસ્તુંગમાં છેલ્લા મોટા બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી હતી, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતુ.