ગુરૂપતવંતસિંહ પન્નુ સામે અમદાવાદમાં નોંધાયો ગુનો, નમો સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની આપી હતી ધમકી

shikh for justice નામથી ખાલિસ્તાની સંગઠન ચલાવતા આતંકવાદી ગુરૂપતવંતસિંહ પન્નુએ થોડા દિવસો પહેલા અમદાવાદમાં યોજાનારી આગામી વર્લ્ડ કપની મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની ધમકી આપતી ઓડિયો ક્લિપ જાહેર કરી હતી. જે પછી અમદાવાદમાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. આજે અમદાવાદમાં શાહીબાગ ખાતે સાયબર ક્રાઇમ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં આતંકવાદી ગુરૂપતવંતસિંહ પન્નુ સામે દાખલ થયેલી FIR અંગે માહિતી આપવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કેટલાક વ્યક્તિઓને અજાણ્યા નંબર પરથી સતત ફોન આવી રહ્યા છે. જેની અંદર એક અંગ્રેજીમાં પ્રિ રેકોર્ડેડ વોઇસ ક્લીપ રન કરવામાં આવતી હતી. આ વોઇસ ક્લિપમાં કહેવાયું હતું કે “5 ઓક્ટોબરે આ ક્રિકેટ વર્લ્ડ કપ નહિ, પણ ટેરર વર્લ્ડ કપ હશે, શીખ ફોર જસ્ટિસ અમદાવાદમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવશે. અમે શહીદ નિજ્જરની હત્યાનો બદલો લઇશું. મેસેજ ફ્રોમ ગુરુપતવંતસિંહ પન્નુ.” જે લોકોને આ પ્રકારે ધમકીભર્યા ફોન આવતા હતા તેમણે વિવિધ માધ્યમો દ્વારા પોલીસનો સંપર્ક કર્યો હતો. તે પછી પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આગામી 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની કુલ 5 મેચ રમાવા જઇ રહી છે. આ મેચોમાં ભારત-પાકિસ્તાનની મેચ અને વર્લ્ડ કપની ફાઇનલ મેચ આ બંને મેચને પગલે લોકોનો ભારે ધસારો થવાની શક્યતા છે. આ ઉપરાંત ઓપનર મેચ જે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે છે તે પણ અમદાવાદમાં રમાવાની છે. જેથી અમદાવાદમાં પોલીસ તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ એલર્ટ મોડમાં આવી ગયા છે.