હેપી બર્થ ડેઃ ગાંધીજીના ગામ પોરબંદરનો આજે સ્થાપના દિવસ
અમદાવાદઃ આપણા રાષ્ટ્રપિતા અને વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ આપનારા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરનો આજે સ્થાપના દિવસ છે. દરિયા કિનારે વસેલા આ શહેરને આજે 1035 વર્ષ થયા. પોરબંદરના અશમાવતી ઘાટ પર તોરણ બાંધી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. તેમજ વેપાર શરૂ કરવામાં આવ્યો હતો. પોરબંદરની પૌરાણિકતા સાબિત કરતું ઘુમલીનું તામ્રપત્ર હાલ જામનગરના મ્યુઝિયમમાં છે. જેમાં પોરબંદરની સ્થાપના જેઠવા વંશના રાજાઓએ વિક્રમ સંવત 1045માં શ્રાવણી પુનમ અને શનિવારના દિવસે સવારે સાડા નવ વાગ્યે કરી હોવાનો ઉલ્લેખ છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સહિત કવિ-લેખકોની માતૃભૂમિ
આજે 1035 વર્ષ પૂર્ણ કરનાર પોરબંદર નગરીએ વિશ્વને શાંતિ અને અહિંસાનો સંદેશ આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની માતૃભૂમિ, ગુલાબદાસ બ્રોકર અને રતિભાઈ છાયા જેવા કવિ-લેખકો આ નગરી છે. ગુજરાતી ભાષામાં વનસ્પતિ શાસ્ત્રના ગ્રંથની ભેટ આપનાર જયકૃષ્ણ ઈન્દ્રજી અને નૃત્ય કળામાં માહિર સવિતાદીદી મહેતા પોરબંદરના છે. ભારતની પ્રથમ ક્રિકેટ ટીમના કેપ્ટન એવા નટવરસિંહજી પોરબંદરના છેલ્લા મહારાજા હતા. એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ અને ભારતનું બીજું પ્લેનેટોરીયમ પોરબંદરની શાન છે. આવી તો અનેક વિવિધતાઓ આ શહેરમાં છે.
આર્કીયોલોજી વિભાગને પોરબંદરના રંગબાઈ ગામના દરિયા પાસેથી લોથલ સંસ્કૃતિથી પણ જુના અવશેષો મળી આવ્યા હતા. જે સાબિત કરે છે કે, પોરબંદર ભારતમાં એક માત્ર લોથલથી પણ જુનું જીવંત બંદર છે.
પૌરાણિક શહેર પોરબંદર શહેરના લોકો શાંતિ અને ભાઇચારામાં માને છે. અને એટલે જ તો ભૂતકાળમાં ગુનાહિત ઈતિહાસની છબી ધરાવતું હોવા છતાં આ શહેરમાં ક્યારેય કોમીદંગા થયા નથી.
જોકે હાલમાં જ આ શહેર ભારે વરસાદને કારણે દિવોસ સુધી પાણી ભારઈ રહેવાને કારણે ચર્ચામાં આવ્યું હતું. પોરબંદર ઘણી સુવિધાઓથી વંચિત છે, આ સાથે છેલ્લા ઘણા સમયથી અહીં નવા ઉદ્યોગ-ધંધા કે શિક્ષણ-રોજગારનો વિકાસ ન થયો હોવાથી શહેરની ગતિ ધીમી પડી છે. પોરબંદરને એક સારા મોટા ઉદ્યોગની જરૂર છે. આ સાથે અહીંના મસ્ત્ય ઉદ્યોગને વધારે વિકસાવવાની જરૂર છે.