કોંગ્રેસ ન્યાય યાત્રાના 10માં દિવસે જોડાયા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી; આવતીકાલે પહોંચશે વિરમગામ
લખતર: મોરબીથી શરૂ કરવાંમાં આવેલી કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે દસમો દિવસ છે. કોંગ્રેસની ન્યાય યાત્રા આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરથી અમદાવાદ તરફ આગળ વધી છે. આજે લખતરથી છારદ તરફ આગળ વધી છે. જેમાં કોંગ્રેસની આ ન્યાયાત્રાની અંદર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય તેમજ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય જેવા અનેકો આગેવાનોને કાર્યકર્તા ન્યાયયાત્રામાં જોડાયા હતા.
લખતર ખાતે પહોંચેલી ન્યાય યાત્રા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ ન્યાય યાત્રા બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી લખતરના આથમણા દરવાજેથી મુખ્ય બજાર થઈ ગાંધી ચોક લુહાર ચોક અને ઉગમણા દરવાજે નીકળી અનેકો જગ્યાએ ફરી હતી.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ, મુકુંદ વાસનિક, રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, પાલભાઈ આંબલીયા જેવા નેતાઓ અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં આ ન્યાયયાત્રામાં જોડાયા હતા.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે આક્રોશ સાથે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભાજપની સરકાર છે અને ગુજરાતમાં મોરબી પુલકાંડ હોય કે, રાજકોટ ટીઆરપી ઝોનકાંડ હોય કે બરોડા હરણી કાંડ હોય કે તક્ષશિલા અગ્નિકાંડ હોય અહીંના સરકારી કર્મચારી હોય કે અધિકારીઓ પણ ભારતીય સંવિધાનને પણ ન માનીને અને નિયમ અને કાનૂનને પણ ન માનીને એ લોકો ભાજપના નેતાઓના આદેશ પર જ કામ કરી રહ્યાં છે. હાલમાં આ લોકોએ પુરા પ્રદેશમાં નિયમ, કાનૂન અને નીતિનુ ઉલ્લંઘન કર્યું છે.