એકસ્ટ્રા અફેર

કાશ્મીરમાં ચૂંટણીથી લોકશાહી પરનું કલંક દૂર થશે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રીય ચૂંટણી પંચે અંતે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી. પંચે કરેલી જાહેરાત પ્રમાણે, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ૯૦ બેઠકની ચૂંટણીમાં ૧૮ સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં ૨૪ બેઠક પર, ૨૫ સપ્ટેમ્બરે બીજા તબક્કામાં ૨૬ બેઠક અને ૧ ઓક્ટોબરે ત્રીજા તબક્કામાં ૪૦ બેઠક પર ચૂંટણી યોજાશે.

જમ્મુ અને કાશ્મીર સાથે હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. હરિયાણા મહત્ત્વનું રાજ્ય છે પણ જમ્મુ અને કાશ્મીર જેવી આતંકવાદ કે બીજી કોઈ સમસ્યા નથી તેથી હરિયાણામાં એક જ તબક્કામાં ૧ ઓક્ટોબરે મતદાન થશે. આ બન્ને રાજ્યોમાં ૪ ઓક્ટોબરે મત ગણતરી થશે. ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી લેફ્ટનન્ટ ગવર્નરના શાસન હેઠળ છે. કલમ ૩૭૦ હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેથી ભારત માટે આ ચૂંટણી બહુ મહત્વની છે.

જમ્મુ અને કાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે સુપ્રીમ કોર્ટે મહેતલ આપેલી તેથી કેન્દ્ર સરકાર પાસે ચૂંટણી કરાવવા સિવાય વિકલ્પ નહોતો. પહેલાં એવી ધારણા હતી કે, જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી પણ થશે પણ કેન્દ્ર સરકારે એવું ના કર્યું તેના કારણે કાશ્મીરમાં ફરી ચૂંટણી પાછી ઠેલાશે કે શું એવા સવાલ પણ ઉઠવા માંડેલા.

સુપ્રીમ કોર્ટે ભલે કેન્દ્ર સરકારને પૂર્ણ રાજ્યનો દરજજો આપવા અને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં વિધાનસભાની ચૂંટણી કરાવીને લોકશાહીની સ્થાપના કરવા ફરમાન કરેલું પણ અચાનક વધેલા આતંકવાદી હુમલાને કારણે સરકાર પીછેહઠ કરી લેશે એવી પણ ધારણા હતી પણ સદનસીબે કેન્દ્ર સરકારે પીછેહઠ કરવાના બદલે ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવાનો નિર્ણય લઈ લીધો.

આ નિર્ણય મર્દાનગીભર્યો છે એ સ્વીકારવું પડે. જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી તો સફળતાપૂર્વક થઈ ગઈ પણ વિધાનસભાની ચૂંટણી રોકવા માટે આતંકવાદીઓ પૂરી તાકાત લગાવી રહ્યા છે. એક તરફ કેન્દ્ર સરકાર ચૂંટણીની તૈયારીમાં લાગેલી હતી તો બીજી તરફ આતંકવાદીઓ ગમે તે ભોગે આ ચૂંટણીને રોકવામાં લાગેલા છે. આ કારણે તેમણે કાશ્મીર ખીણમાં જ નહીં પણ જમ્મુમાં પણ આતંકવાદી હુમલા વધારી દીધા છે અને મોટા ભાગના હુમલા આર્મીના જવાનો પર થઈ રહ્યા છે. આ હુમલાઓના કારણે ચૂંટણી મોકૂફ રખાઈ હોત તો ભારત સરકાર ડરી ગઈ એવો મેસેજ ગયો હોત અને આતંકવાદીઓનો જુસ્સો વધી ગયો હોત. કેન્દ્ર સરકારે આતંકવાદીઓનો જુસ્સો વધારવાના બદલે ચૂંટણી કરાવીને તેમને જવાબ આપવાનું પસંદ કર્યું છે એ સારું છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન કરાવીને કાશ્મીર મુદ્દે ચાલતા કુપ્રચારને પણ જોરદાર જવાબ અપાયો છે. મોદી સરકારે બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી દીધી પછી જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજજો પણ છિનવી લીધો. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના દિવસે બંધારણની કલમ નાબૂદ કરાઈ પછી જમ્મુ અને કાશ્મીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરી દીધું હતું.

આ નિર્ણય અંતર્ગત જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાનું પણ વિસર્જન કરી દેવાયું. છેલ્લા પાંચ વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા નથી કે ચૂંટાયેલી સરકાર નથી. દિલ્હીથી મોકલાયેલા લેફ્ટનન્ટ ગવર્નર જમ્મુ અને કાશ્મીરનો વહીવટ કરે છે તેના કારણે એવો પ્રચાર કરાઈ રહ્યો છે કે, ભારતે લશ્કરના જોરે જમ્મુ અને કાશ્મીર પર કબજો કરી રાખ્યો છે. બાકી કાશ્મીરની પ્રજા તો કલમ ૩૭૦ નાબૂદ કરાઈ તેના કારણે રોષમાં છે.

લોકસભાની ચૂંટણીમાં કાશ્મીરની પ્રજાએ નોંધપાત્ર મતદાન કરીને આ વાતને ખોટી પાડી દીધી. કાશ્મીરની પ્રજાએ હકારાત્મક વલણ બતાવીને ભારતમાં અને ભારતની લોકશાહીમાં વિશ્ર્વાસ બતાવ્યો પછી ભારત પીછેહઠ કરીને ચૂંટણી ના કરે તો એ શરમજનક કહેવાત. જમ્મુ અને કાશ્મીરની પ્રજાનો ભારતમાંથી ભરોસો ઊઠી જાત પણ સદનસીબે કેન્દ્ર સરકારે એવું થવા દીધું નથી.

જમ્મુ અને કાશ્મીરની આ વિધાનસભાની ચૂંટણી એ રીતે પણ મહત્ત્વની છે કે તેના કારણે જમ્મુ અને કાશ્મીરને રાજકીય સ્થિરતા મળશે અને રાજ્યમાં ફરી લોકશાહીની સ્થાપના થશે, મતદારોના જનાદેશથી બનેલી સરકારના હાથમાં સત્તાનાં સૂત્રો જશે.

જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૪માં છેલ્લી વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે ૮૭ બેઠકોવાળી વિધાનસભામાં મહેબૂબા મુફ્તીની જમ્મુ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ને સૌથી વધુ ૨૮ બેઠક મળી હતી. ભાજપે બીજા સ્થાને આવીને ૨૫ બેઠક જીતી હતી. ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે ૧૫ બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસને ૧૨ બેઠક મળી હતી. ત્રણ બેઠક પર અપક્ષો અને અન્ય નાના પક્ષોએ ચાર બેઠક પર જીત મેળવી હતી.

કોઈ પણ પક્ષ બહુમતીના આંક સુધી પહોંચી શક્યો નહોતો તેથી સરકારની રચના થઈ શકી નહોતી. સરકાર રચવા માટે વાટાઘાટો શરૂ થયેલી ને અંતે પરિણામોના લગભગ અઢી મહિના બાદ પીડીપીના મુફ્તી મોહમ્મદ સઈદે ભાજપના ટેકાથી સરકાર રચીને રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ૭ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ મોહમ્મદ સઈદના મૃત્યુ પછી રાજ્ય ફરી એક વાર રાજકીય અનિશ્ર્ચિતતા દોરમાં જતું રહ્યું હતું અને રાજ્યમાં રાજ્યપાલ શાસન લાદવું પડ્યું હતું.

લગભગ ત્રણ મહિનાની અનિશ્ર્ચિતતા પછી ભાજપ અને પીડીપી વચ્ચે ફરીથી સમજૂતી થઈ અને મહેબૂબા મુફ્તીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ૪ એપ્રિલ ૨૦૧૬ના રોજ મહેબૂબા રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં પછી પીડીપી-ભાજપની મોરચા સરકાર બે વર્ષથી વધુ સમય સુધી ચાલી હતી. જૂન ૨૦૧૮માં ભાજપે મહેબૂબા સરકારને ટેકો પાછો ખેંચી લેતાં મહેબૂબા મુફ્તીની સરકાર ગબડી પડી પછી રાજ્યમાં રાજ્યપાલ શાસન લદાયું હતું.

રાજ્યપાલ શાસન તળે જ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી થઈ હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ જમ્મુ અને કાશ્મીરને વિશેષ અધિકાર આપતી કલમ ૩૭૦ નાબૂદ કરીને રાજ્યનો વિશેષ દરજજો નાબૂદ કરવામાં આવ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. આમ છેલ્લાં છ વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં લોકોએ ચૂંટેલી સરકાર નથી.

ભારત જેવા સંપૂર્ણપણ લોકશાહીને વરેલા દેશમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારના બદલે છ વર્ષથી કેન્દ્રની સરકારના ઈશારે વહીવટ ચાલે એ શરમજનક કહેવાય. હવે કલમ ૩૭૦ હટાવ્યા બાદ રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી યોજાશે ને નવી સરકાર રચાશે એ સાથે જ એ શરમ પણ દૂર થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો