ધર્મતેજ
સાધુ-સંતોનો બોધ બુધ્ધિના બારણા ઉઘાડે
આચમન -કબીર સી. લાલાણી
‘ઈશ્ર્વરે સૌથી પહેલાં અક્કલ-બુદ્ધિને પેદા કરી…!’
એક સંતના આ શબ્દો છે. તેઓ કહે છે કે માનવજાતને પ્રભુ તરફથી આ મહાન બક્ષીસ મળી કે તેનો સાચી દિશામાં ઉપયોગ કરવામાં ન આવે તો મનુષ્ય દુ:ખી થઈ જાય છે. તેના જીવનમાંથી ખરો આનંદ લૂંટાઈ જાય છે. બલકે માનવીના જીવનમાંથી અક્કલને બાદ કરો તો મનુષ્ય મટીને માત્ર પ્રાણી રહે છે.
- સાધારણ રીતે પોતાના ક્ષેત્રમાં કોઈ ઈન્સાન સફળતા મેળવે એટલે લોકો તેને બુદ્ધિશાળી અથવા અક્કલમંદ કહે છે, પરંતુ આ સાચું નથી. ઊંચી પદવી, ધન, સત્તા, નામના વગેરે સફળતાના શિખર સર કરીને મનુષ્ય, ગમે તેટલો ઊંચો થાય પરંતુ તે વ્યથા અને તાણમાં જીવતો હોય તો તેને બુદ્ધિશાળી કહેવો એ ભૂલ ભરેલું છે.
- ઈશ્ર્વરે માનવજાતને સુખી અને સંતોષી જીવન જીવવાના માર્ગો શ્રીમદ્ ભાગવત ગીતા, રામાયણ વગેરે ગ્રંથો દ્વારા બતાવી દીધા છે અને પછી પણ તેના પર આચરણ ન કરે તો જીવન અશાંતિમાં ગાળવો પડે તે સ્વાભાવિક છે.
- માનસિક રીતે સુખી, આનંદી અને શાંતિમય જીવન ગાળવા માટે આપણા ધર્મોએ જે શીખામણો આપી છે તેની એક ઝલક સાધુ-સંતો, મહાત્માઓ, શાહોના સાન્નિધ્યમાં રહીને આ લખનારે જે માણી છે તે વાંચકોના જ્ઞાનમાં પણ વૃદ્ધિ કરનાર બની રહેવા પામશે.
- ઈશ્ર્વર સિવાય કોઈથી ડરો નહીં.
- દુ:ખ અને અશાંતિ માત્ર ખોટી રીતે વિચારવાથી જ અનુભવાય છે એટલે જે સ્થિતિમાં ઈશ્ર્વર રાખે તેને હસતા મોંએ કબૂલ રાખો.
- ઉડાવ નહીં, પરંતુ ઉદાર બનો. યાદ રાખો લોભી માનવી હંમેશાં દુ:ખી-નિરાશ રહે છે.
- સુખ માત્ર ધન, સત્તા કે નામનામાં નથી પરંતુ તંદુરસ્તી અને બુદ્ધિપૂર્વકના વિચારો અને તેના અનુકરણમાં છે.
- ‘એક હાથે આપો અને બીજા હાથે લ્યો’નો સિદ્ધાંત સફળતા અને શાંતિ અપાવે છે.
- માણસ માત્રનું કામ ફક્ત પ્રયત્ન કરવાનું છે. ફળ અને પરિણામ પ્રભુની ઈચ્છા પ્રમાણે મળે છે. જ્યારે પરિણામ તમારી ઈચ્છા પ્રમાણે ન હોય અને છતાં ચિંતા કરીએ તો આપણે બુદ્ધિશાળી પોતાને કઈ રીતે કહી શકીએ?
- સાચો, બુદ્ધિશાળી અને ધર્મજ્ઞાનને વરેલો મનુષ્ય એ છે જે ઈશ્ર્વરે આપેલા ધનને પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે વાપરે છે. ઈશ્ર્વરના આદેશ પ્રમાણે દયાદાન કરે છે અને બુદ્ધિનો ઉપયોગ કરીને હસી-ખુશી ભર્યું જીવન ગાળે છે.
- આટલું વિચાર્યાઓ પછી પણ તમો સુખી છો કે દુ:ખી અને કેટલી હદ સુધી ઈશ્ર્વરની અજોડ કૃપા એવી ‘બુદ્ધિ’નો ઉપયોગ કરો છો તે નક્કી કરવું હોય તો અત્રે દર્શાવેલ આ દસ પ્રશ્ર્નોના જવાબ હૃદયના ઊંડાણમાંથી ગોતીને પ્રમાણિકપણે ‘હા’ અથવા ‘ના’માં લખો :
૧- તમે ઈશ્ર્વરના અસ્તિત્વમાં માનતા હશો, પરંતુ તમારી શાંતિ માટે એ પૂરતું નથી. તમે હૃદયથી એમ માનો છો કે હું ઈશ્ર્વરની દયા-દેણગીથી કદી નિરાશ નહીં થાઉં અને ભગવાન જે સ્થિતિમાં રાખે તે રાજીખુશીથી કબૂલ કરીશ?
૨- ધર્મને તમારા વેપારધંધાથી આગળ રાખો છો? એટલે વધારે મહત્ત્વ આપો છો?
૩- તમારા સંબંધી, મિત્રો અને હરીફોની પ્રગતિ જોઈને તમે ઈર્ષા – અદેખાઈને રોકી શકો છો?
૪- વ્યવહારમાં લોકોની ભૂલો ગોતીને ટીકા કરવાની ટેવને જતી કરી શકવા સમર્થ રહો છો?
૫- જરૂરતમંદ કોઈ સમયે કંઈ માગે તો તમે સહર્ષ આપી શકો છો?
૬- માનવસેવાના કાર્ય માટે તમારા સ્વાર્થને જતો કરી શકો છો?
૭- દિવસ દરમિયાન સર્વે કામ તમો હસતા મોઢે – હળવાશથી કરી શકો છો?
૮- તમો જે કમાણી કરો છો તેમાંથી દયાદાન માટે – ભલાઈ – ઈશ્ર્વરના માર્ગમાં – તેની ખુશી માટે જરૂરી રકમ જુદી કાઢો છો? અર્થાત્ માનવતા જ ધર્મનું મૂળ હોવાને અનુસરો છો?
૯- તમારા માતા-પિતા, ભાઈબહેન-સગાંસંબંધીઓને સન્માન આપી શકો છો?
૧૦- તમે કંજુસ-લોભી વૃત્તિ-સ્વભાવના છો? - અને જો ઉપરોક્ત દસ પ્રશ્ર્નોના જવાબ પચાસ ટકાથી ઓછા હોય, તો તમારા જીવનમાં શાંતિ નહીં હોય. બુદ્ધિનો ઉપયોગ કર્યાં વગર જીવો છો એટલે દુ:ખી હશો.
- પચ્ચાસથી પંચોતેર ટકા જવાબ ‘હા’માં હશે તો સુખ-શાંતિની ઝલક કોઈ વખત અનુભવતા હશો અને
- પંચોતેરથી નેવું ટકા જવાબ ‘હા’ આવે તો તમને બુદ્ધિશાળી કહી શકાય. તમો જીવનના ખરા આનંદને માણતા હશો.
- સાધુ-સંતોનો બોધ બુદ્ધિના બુદ્ધિનાં બારણાં ઊઘાડે.ઉ