21 ઓગષ્ટના ‘ભારત બંધ’ના એલાનને ગુજરાતના આદિવાસીઓનું સમર્થન
વડોદરા: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને મળતા અનામતમાં વર્ગીકરણના સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંયુક્ત સંઘર્ષ મોરચા દ્વારા આગામી 21 ઓગષ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતના આદિવાસીઓએ જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે વડોદરાના અલકાપુરીમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે આદિવાસી નેતાઓની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા ખાતે યોજાયેલી બેઠકમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત સમગ્ર ગુજરાતના આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજના આગેવાન હશે તો ‘ભારત બંધ’માં જોડાશે, નકલી આદિવાસી હશે તો નહીં જોડાય. અમે તમામ પક્ષના લોકોને આહવાન કરીએ છીએ કે આ બંધના એલાનમાં બધા જ જોડાય.
બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી સમન્વય મંચ, ભારતના પ્રમુખ અમરસિંહ ઝેડ. ચૌધરી, ભિલોડાના ડૉ. રાજન ભગોરા, આદિવાસી એકતા પરિષદના અધ્યક્ષ ડૉ. શાંતિકર વસાવા અને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના ડૉ. પ્રદીપ ગરાસિયા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં હાજર રહેલા તમામ આદિવાસી નેતાઓએ કહ્યું હતું કે, આગામી 21 ઓગસ્ટના રોજ ભારત બંધના એલાનમાં સમગ્ર ગુજરાતના આદિવાસીઓ જોડાશે અને આદિવાસીઓ માટે પોતાનો અવાજ રજૂ કરશે.
આ પણ વાંચો: 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ; વધતો ફંડ અને ઘટતા લાભાર્થીઓથી ‘દાળમાં કાળું” -કોંગ્રેસ
અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમી લેયર અને ક્વોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંયુક્ત સંઘર્ષ મોરચાએ તેનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત તેમણે 21 ઓગસ્ટે આયોજિત ભારત બંધ આંદોલનને સમર્થન આપ્યું છે. બંધના દિવસે સવારે 8 વાગ્યાથી મોટી રેલી કાઢવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.