રક્ષાબંધન-પવિત્ર સંબંધ માટેનો પવિત્ર ઉત્સવ
પ્રાસંગિક -હેમંત વાળા
શ્રાવણી પૂનમ એ ભારતીય સંસ્કૃતિમાં મહત્ત્વનો દિવસ છે. બધા જાણે છે તેમ રક્ષાબંધન કે બળેવના નામે પ્રચલિત આ દિવસે ભાઈ-બહેનના પ્રેમની અભિવ્યક્તિ સ્વરૂપે, વિશ્ર્વની સૌથી પવિત્ર, સૌથી નિર્મળ અને કોઈ કાળક્રમે ન ઘટે તેવી લાગણી વ્યક્ત થાય છે. આમ તો ભાઈ-બહેન વચ્ચેનો લાગણી સભર સંબંધ કાયમના છે પણ આ દિવસે તે ચોક્કસ પ્રક્રિયા સ્વરૂપે વ્યક્ત કરાય છે.
ભાઈ નાહી ધોઈને, સજ્જ થઈને, બાજોઠ પર બેસે. બહેન તેને કંકુ-અક્ષતનું તિલક કરે, તેની સામે દીવો પ્રગટાવી ભાઈના જમણા હાથે અપાર ભાવથી રક્ષા બાંધી ભાઈની આરતી ઉતારે. પછી શુકન માટે ભાઈનું મીઠું મોં કરાવી ઓવરણા લે. ભાઈ ઉંમરમાં મોટો હોય તો ચરણ-વંદના પણ કરે. સામે ભાઈ અખૂટ આશીર્વાદના પ્રતીક સમાન બહેનને ખુશી-ભેટ આપી સામે મોં મીઠું કરાવે. આ બધું જ બાળકો – વડીલોની હાજરીમાં, ઉત્સવ જેવા માહોલમાં, સ્વચ્છ-સુઘડ વાતાવરણમાં ઘટિત થાય. આખો માહોલ જ પવિત્ર ભાવનાના પ્રગટીકરણ સમાન હોય.
બહેન આમ તો જન્મથી જ સહોદરા પણ તેને પારકી થાપણ ગણાય છે. આ પારકી થાપણ જ રક્ષાબંધનના દિવસે જાણે સૌથી નજીકની આપ્તજન બની જાય છે. બહેન સાથેના સંબંધમાં જે નિષ્પાપતા અને નિષ્કલંકતા છે તે આ દિવસે જાણે માનવ જાતને પવિત્રતાનો મહત્ત્વનો બોધ આપે છે. ભાઈ-બહેનના સંબંધમાં નિસ્વાર્થતાની જાણે પરાકાષ્ઠા વ્યક્ત થતી હોય છે અને આ પરાકાષ્ઠાની મજબૂતાઈ એક સુતરના તાંતણામાં જાણે સમાઈ જાય છે. ભાઈ-બહેનનો સંબંધ અપેક્ષાઓથી પર પર રહી લુટાવી દેવાનો છે, માંગ્યા વગર લાગણીઓને છલકાઈ દેવાનો છે, અભિવ્યક્ત ન થઈ શકે તેવી ભાવનાને નાનકડી રક્ષાથી સહજમાં વ્યક્ત કરી દેવાનો છે.
અહીં ભાઈ દ્વારા રક્ષાનું અપાતું વચન ભૌતિક બાબતોને લગતું છે જ્યારે સામે બહેન પણ ભાઈની સૂક્ષ્મ ભાવનાઓને રક્ષવાની જાણે ખાતરી આપે છે. પરસ્પરની શુભકામનાઓનો આ ઉત્સવ વિશ્ર્વ માટે ઉદાહરણ સ્વરૂપ છે. એક તરફ બહેન એ પવિત્ર લાગણીઓનું સંકલિત સમૂહ સમાન છે તો ભાઈ કર્તવ્ય પરાયણતાનું પ્રતીક જણાય છે. અહીં બંને પરસ્પરના આશીર્વાદના હકદાર અને દાતા છે એમ સ્થાપિત થાય છે.
પ્રચલિત પરંપરા પ્રમાણે આ તહેવારે ભાઈ પોતાની બહેનને અપાતું અભય રક્ષા-કવચ ફરીથી પુન: કથિત કરે છે. બહેનની દરેક પ્રકારની રક્ષા કરવાની આધિદૈવિક – આધિભૌતિક ફરજ ભાઈની છે. આધુનિક સમયમાં આ રક્ષાના ક્ષેત્રનો વ્યાપ વધતો જ જાય છે. બહેન આમ પણ લાગણીશીલ હોવાથી તે અનિચ્છનીય લાગણીઓમાં ક્યાંક ફસાઈ પણ જાય. તેવા સમયે ભાઈએ સમતા રાખીને રક્ષાની જવાબદારી નિભાવવી પડે. એક રીતે જોતાં બહેનને એ રીતે તૈયાર કરવી જોઈએ કે તેને અન્ય પ્રકારની રક્ષાની પાછળથી જરૂર ન પડે. રક્ષા લેવાની પરિસ્થિતિ ઊભી જ ન થાય એ જ સાચી અને પૂર્ણ રક્ષા છે.
દૂર હોવા છતાં પણ જેની ઓથ, જેની લાગણીઓ સતત વર્તાયા કરે તે બહેનની રક્ષા બાંધવાની પ્રક્રિયામાં હવે ઓનલાઈન સવલતો પણ મળી રહે છે. હવે તમે દૂર રહ્યા રહ્યા રહ્યા ભાઈને રાખડી મોકલી શકાય છે – પરંપરાગત ભાવથી રક્ષાબંધન ઉજવી શકાય છે. આ માટે તૈયાર સુશોભિત પાર્સલમાં કંકુ, ચોખા, દીવડો, રક્ષા, મીઠાઈ બધું જ પહોંચાડી શકાય છે. સનાતની પરંપરાની આ તાકાત છે કે તેની ઉજવણીમાં વિક્ષેપ ન પડે તે માટે બહુરાષ્ટ્રીય કંપનીઓએ આવી સગવડતા ઉભી કરી આપવી પડી છે.
યમ અને યમી : આ ભાઈ-બહેનની કથા પ્રત્યેક સનાતની, અને અન્ય સમુદાયના લોકો પણ જાણે છે. તે સિવાય કૃષ્ણ-દ્રૌપદીની વાત પણ પ્રચલિત છે. વળી જય ઇતિહાસ – મહાભારતમાં જણાવ્યા પ્રમાણે કુંતા માતાએ પણ અભિમન્યુને હાથમાં રક્ષા બાંધી હતી. સિકંદરના પત્ની શેકશોના અને રાજા પૌરવ વચ્ચે પણ ભાઈ-બહેનના સંબંધના પ્રતિક સમાન રક્ષા-વ્યવહાર થયો હતો. આમ રક્ષાબંધન એ ભાઈ-બહેનના સંબંધ ઉપરાંતની પણ રમ્ય ઘટના છે. માત્ર સંબંધોની લાગણીમાં લૂંટાઈ જઈને સામેની વ્યક્તિ માટે સારામાં સારી ભાવના રાખી પ્રતિપક્ષે પણ એવો જ ભાવ રાખવાની આ પરંપરા છે.
સૂતર કે રેશમી તાંતણે બંધાવવાનો આ રિવાજ આમ તો બંધનનો છે પણ એક રીતે જોતા તે બંધન મુક્તિનો ઉત્સવ છે. આ ઉત્સવમાં વ્યક્ત થઈ પરસ્પરની ભાવના પ્રમાણે કર્મ કરતાં કરતાં બંને ક્રમશ: બંધન મુક્ત થતા જાય છે. નિયત થયેલ કોઈ કર્મ નિષ્કામ ભાવે કેવી રીતે કરી શકાય તેની સમજ આ દિવસે જાણે વધુ સ્પષ્ટ થાય છે.
ભાઈ-બહેનના રક્ષાબંધનના આ તહેવારને ઋષિ-તર્પણી કે રાખી-પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. આ દિવસે બલરામ જયંતી આવતી હોવાથી બલરામની પૂજા પણ કરાય છે. શ્રાવણ મહિનો એ શિવ આરાધના માટેનો શ્રેષ્ઠ કાલ-ખંડ ગણાય. આ માસમાં જ કૃષ્ણ-જન્માષ્ટમી આવે અને આ મહિનામાં શક્તિ સમાન પવિત્ર બહેનના પવિત્ર સંબંધની ઉજવણી આવે. એમ જણાય છે કે શૈવ – વૈષ્ણવ – શાક્ત : એ ત્રણેય સંપ્રદાયની ભાવાત્મક આધ્યાત્મિક બાબતો આ મહિનામાં સમાવિષ્ટ થઈ જાય છે.