લાડકી બહેન યોજનાની નોંધણી માટેની કટ-ઓફ તારીખ રદ કરો: પૃથ્વીરાજ ચવ્હાણે એકનાથ શિંદેને લખ્યો પત્ર
મુંબઈ: કૉંગ્રેસના સિનિયર નેતા પૃથ્વીરાજ ચવ્હાણે એવી માગણી કરી છે કે મહારાષ્ટ્ર સરકારની ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ની નોંધણી કરાવવા માટેની કટ-ઓફ તારીખ રદ કરવામાં આવે જેથી બધી જ પાત્ર મહિલાઓ આર્થિક સહાય મેળવી શકે.
આ યોજના માટેની કટ-ઓફ તારીખ 31 ઑગસ્ટ છે તેને રદ કરવામાં આવે અને આ યોજનાને સામાજિક સુરક્ષા અધિકાર તરીકે લાગુ કરવામાં આવે, એમ ચવ્હાણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લખેલા પત્રમાં જણાવ્યું છે. ટેક્નિકલ સમસ્યાને કારણે ઓફિશિયલ પોર્ટલનું સર્વર મોટા ભાગના સમયમાં કામ કરતું નથી. અનેક કિસ્સામાં મહિલાઓને નોંધણી પછી ઓટીપી લગભગ છ કલાક સુધી મળતો નથી, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : Ladki Bahen Yojna: 1 કરોડ રાખડીઓ મોકલાવાશે ‘લાડકા ભાઇ’ એકનાથ શિંદેને!
મહિલાઓ એવી ચિંતામાં છે કે તેઓ આ યોજના હેઠળ નિર્ધારિત મુદતમાં નોંધણી કરાવી શકશે નહીં, એમ પણ પૃથ્વીરાજ ચવ્હાણે પોતાના પત્રમાં લખ્યું છે.
તેમણે કહ્યું હતું કે નોંધણીની મુદત પહેલાં 15 જુલાઈ સુધી હતી અને ચોમાસા સત્રમાં તેમની માગણીને ધ્યાનમાં રાખીને તેને લંબાવીને 31 ઑગસ્ટ કરવામાં આવી છે. આવી જ રીતે તેમની પહેલ બાદ પાત્ર મહિલા માટેની વય મર્યાદા 60 વર્ષથી વધારીને 65 વર્ષ સુધી કરી નાખવામાં આવી છે. (પીટીઆઈ)