મહાયુતિમાં બબાલ? અજિત પવારને કાળા વાવટા બતાવીને કરાયો વિરોધ
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા જનસન્માન યાત્રા ચાલી રહી છે અને એ અંતર્ગત અજિત પવાર રવિવારે પુણેના જુન્નરમાં આવેલા નારાયણગાંવમાં પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન તેમનું સ્વાગત કાળા વાવટા ફરકાવીને કરવામાં આવ્યું હતું.
અહીં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ કાળા ઝંડા હાથમાં લઇને અજિત પવારની રાહ જોઇ રહ્યા હતા અને તેમનો કાફલો આવતા જ કાળા ઝંડા ફરકાવીને ભાજપના કાર્યકર્તાઓએ તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: અજિત પવારની પાર્ટીના નેતાના દાવાથી ખળભળાટ, કહ્યું બેંક મુશ્કેલીમાં હોવાથી જોડાયો…
ભાજપ દ્વારા કરવામાં આવેલા આ વિરોધ પ્રદર્શનના કારણે મહાયુતિમાં હજી પણ ડખા હોવાનું સામે આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓએ કરેલા આ વિરોધને પગલે મહાયુતિમાં વિવાદ ઊભો થાય તેવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે.
ભાજપના કાર્યકર્તાઓએ કરેલા કૃત્યને પગલે અજિત પવાર જૂથના કાર્યકર્તાઓ પણ નારાજ થયા હતા અને તેમણે પણ આક્રમક વલણ દાખવ્યું હતું. અજિત પવાર જૂથના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ સુનિલ તટકરેએ આ ઘટના પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
તટકરેએ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે સાથે આ બાબતે ચર્ચા કરીશું. દેવેન્દ્ર ફડણવીસ પણ આ બાબતે સ્પષ્ટતા કરે એવી માગણી અજિત પવાર જૂથના વિધાન પરિષદના સભ્ય અમોલ મિટકરીએ કરી હતી.
આ પણ વાંચો: AAP નેતાએ કર્યો ઉદ્ધવ, અજિત પવારની આવક પર સવાલ
જોકે, આ વિરોધ શા માટે કરવામાં આવ્યો એ વિશે વિરોધ પ્રદર્શનમાં સામેલ થનારા ભાજપના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે અહીં એક સરકારી કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ અહીં ક્યાંય પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કે પછી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ફોટો જોવા મળ્યો નહોતો.
અજિત પવાર પુણેના પાલક પ્રધાન છે તો તેમણે જિલ્લાનું પાલન યોગ્ય રીતે કરવું જોઇએ. તેના સ્થાને તે પોતાનું વ્યક્તિગત રાજકારણ કરી રહ્યા છે. આ ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓએ સ્થાનિક વિધાનસભ્ય અતુલ બેનકે વિરુદ્ધ પણ નારેબાજી કરી હતી.