થાણેમાં મહિલા પર હુમલો કરવા બદલ ચાર જણને સાત વર્ષની કેદ
થાણે: સ્વર્ગસ્થ પતિ પાસેથી માલિકે લીધેલા ઉછીનાં નાણાં પાછા માગવા ફેક્ટરીમાં ગયેલી મહિલા પર હુમલો કરવા બદલ થાણેની કોર્ટે ચાર આરોપીને સાત વર્ષની કેદ ફટકારી હતી.
એડિશનલ સેશન્સ જજ જી. જી. ભણસાલીએ 9 ઑગસ્ટે આપેલા આદેશમાં અપૂરતા પુરાવાને કારણે ફેક્ટરીના માલિકને આ કેસમાંથી ડિસ્ચાર્જ કર્યો હતો.
ફેક્ટરીના ચાર કર્મચારીને ભારતીય દંડસંહિતાની કલમ 324 અને 326 હેઠળ દોષી ઠેરવાયા હતા અને તેમને પ્રત્યેકને રૂ. બે હજારનો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો : યુપીમાં હત્યા કરી ફરાર બે ભાઈઓ સાત વર્ષ બાદ થાણેમાં પકડાયા
એડિશનલ પબ્લિક પ્રોસિક્યૂટર રાખી પાંડેએ કોર્ટને જણાવ્યું હતું કે થાણેના નૌપાડા વિસ્તારમાં ગણપતિની મૂર્તિઓ બનાવતી ફેક્ટરીમાં માલિકના કહેવાથી ચાર કર્મચારીએ 22 એપ્રિલ, 2018ના રોજ સાવિત્રી સિંહ (58) નામની મહિલા પર હુમલો કર્યો હતો. મહિલાના સ્વર્ગસ્થ પતિ પાસેથી માલિકે ઉછીના લીધેલા રૂ. 2.5 લાખ પાછા લેવા માટે તે ફેક્ટરીમાં આવી હતી.
મહિલાને લાતો મારીને તેના પર લાઠીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઇજા થઇ હતી. તેના પગમાં ફ્રેક્ચર થયું હતું.
આ કેસની સુનાવણી દરમિયાન કુલ આઠ સાક્ષીદારને તપાસવામાં આવ્યા હતા. આ કેસમાં ચાર આરોપી યોગેશ ઉર્ફે બાબાજી ગોસ્વામી, મનોજ પૂજાની, દશરથ માડવ અને રમેશચંદ્ર શેરબહાદૂર ગિરિને કોર્ટે દોષી ઠેરવ્યા હતા, જ્યારે ફેક્ટરીના માલિક રાધેશ્યામ ગોસ્વામી ઉર્ફે શામુ તિવારીને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)