વર્લ્ડ હાર્ટ ડે : યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર
હૃદય રોગ વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. યુવાનો પણ આ રોગ સામે ઝઝુમી રહ્યા છે અને ઘણા લોકો તેના કારણે મૃત્યુ પણ પામી રહ્યા છે. છેલ્લા 20 વર્ષમાં દેશમાં હાર્ટ એટેકના કિસ્સા બમણા થયા છે. હવે તો વધુને વધુ યુવાનો તેનો શિકાર બની રહ્યા છે. દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે. હૃદયરોગ અને તેના નિવારણ વિશે જાગૃતિ લાવવા માટે વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે.
હાયપરટેન્શન, જેને હાઈ બ્લડ પ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. તેમાં જોકે, કોઈ ખાસ લક્ષણો નથી જેના કારણે તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. આનાથી પ્રભાવિત મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે તેમને હાયપરટેન્શન છે અને જો તેઓ જાણતા હોય તો પણ મોટા ભાગના લોકો તેની અવગણના કરે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડેટા અનુસાર, 2019માં ભારતમાં 30-79 વર્ષની વચ્ચેના 19 કરોડ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હતા અને માત્ર 7 કરોડ લોકો જ તેનાથી સાજા થઈ શક્યા હતા. બાકીના 12 કરોડ લોકો હાઈ બ્લડ પ્રેશરથી બચવા માટે કોઈ પગલાં લીધા વિના જીવી રહ્યા છે.
WHO મુજબ, હાઈપરટેન્શન એ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર 140 mmHg અથવા તેથી વધુ હોય છે અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 90 mmHg અથવા તેનાથી વધુ હોય છે.
હાઈપરટેન્શનથી પીડિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 1990માં તેનાથી પીડિત લોકોની સંખ્યા 65 કરોડ હતી, પરંતુ 2019 સુધીમાં આ સંખ્યા વધીને 130 કરોડ થઈ ગઈ છે. ડબ્લ્યુએચઓએ તેના તાજેતરના અહેવાલમાં હાઇપરટેન્શન અંગે જણાવ્યું હતું કે, ‘આ સામાન્ય પરંતુ જીવલેણ સ્થિતિ આજે એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે જે સ્ટ્રોક, હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, કિડની ફેલ્યોર જેવી અનેક બીમારીઓનું કારણ બને છે.’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમાકુનું સેવન અને ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશરને કારણે મૃત્યુનું જોખમ વધારે છે.
જો કે, એવું પણ જોવામાં આવ્યું છે કે હાઈ બ્લડ પ્રેશરનો વ્યાપ ભારત અને વિશ્વમાં 1990 થી વધી રહ્યો હતો, પરંતુ 2010 અને 2019 ની વચ્ચે તેમાં સતત ઘટાડો થયો હતો..
ખોરાકમાં વધુ પડતું મીઠું લેવાથી, તમાકુનું સેવન, સ્થૂળતા, દારૂનું સેવન અને શારીરિક રીતે સક્રિય ન રહેવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધે છે. WHO મુજબ, જો શારીરિક નિષ્ક્રિયતાની આ જ સ્થિતિ ચાલુ રહેશે તો વૈશ્વિક સ્તરે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોની સંખ્યા ઘણી વધશે અને હાઇ બ્લડ પ્રેશરના લગભગ 24 કરોડ નવા કેસ બહાર આવી શકે છે. આનાથી આપણી આરોગ્ય પ્રણાલી પર 115 અબજ ડોલરથી વધુનો બોજ પડશે.
WHOએ તેના એક રિપોર્ટમાં કહ્યું છે કે, ‘વૈશ્વિક સ્તરે આહારમાં મીઠાનું પ્રમાણ ઘટાડીને હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓને રોકવામાં મદદ મળી શકે છે. આમ કરવાથી સમગ્ર વિશ્વમાં હાર્ટ એટેક અને હાર્ટ એટેકથી થતા 25 લાખ મૃત્યુને રોકી શકાશે. ભારતમાં લોકો દરરોજ સરેરાશ 10 ગ્રામ મીઠું વાપરે છે. આ પ્રમાણમાં ઘટાડો કરવાની જરૂર છે.