વડોદરા નજીક ખટંબા તળાવમાં ખાબકી કાર: 4 યુવાનો લાપતા-NDRFની શોધખોળ ચાલુ
વડોદરા: વડોદરામાં વાઘોડિયા નજીક આવેલા ખટંબા તળાવમાં કાર ખાબકવાની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. આખેઆખી કાર પાણીમાં ખાબકી જતાં ભારે અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ પ્રક્રિયા હાથ ધરી છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર આ કારમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓ હોવાનું અનુમાન છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડિયા નજીક આવેલા ખટંબા તળાવ પાસેથી પસાર થઈ રહેલી એક કાર આજે વહેલી સવારે પાણીમાં ખાબકી હતી. આ કારમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ચાર વિદેશી વિદ્યાર્થીઓ હોવાની આશંકા છે. કાર ખાબક્યા બાદ કારમાં બેઠેલા યુવાનો લાપતા બન્યા છે. કાર પૂરઝડપે જઈ રહી હોય તે ફેન્સિગ તોડીને તળાવમાં ખાબકી હતી. સ્થાનીક લોકોએ આ મામલે ફાયર વિભાગની ટીમને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાયા બાદ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સાથે જ ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તળાવમાંથી કારને બહાર કાઢવામાં ક્રેઈન મંગાવવામાં આવી હતી અને ક્રેઈન દ્વારા કારને બહાર કાઢવામાં આવી છે. જોકે, કારમાં સવાર યુવકો હજુ લાપતા છે, જેઓની ફાયર અને NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.