કચ્છમાં વધુ એક કસ્ટોડીયલ ડેથ, લોકોમાં રોષ-વિસ્તારમાં તંગદીલી
કચ્છઃ ગુજરાતના કચ્છમાં વધુ એક કસ્ટોડીયલ ડેથનો મામલો નોંધાયો છે, ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશનની અંદર એક યુવકે કથિત રીતે આપઘાતની કરી લીધો હતો. મુળ મુન્દ્રાના ટપ્પર ગામના 35 વર્ષીય યુવાનને પોલીસ મથકે લાવ્યા હતા. પોલીસ સ્ટેશને રજૂઆત અને તપાસની કાર્યવાહી પહેલા યુવક બાંકડા ઉપર બેઠો હતો. આ દરમિયાન યુવકે પોલીસ મથકના બાથરૂમમાં જઈ પોતાના ટીશર્ટથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના પગલે બન્ને પક્ષના ટોળાં એકત્ર થયાં હતાં. સમાજ-પરિવારના લોકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયુ હતુ. તંગદિલીની સ્થિતિ સામાન્ય બનાવવા પોલીસે સંઘર્ષ કરવો પડયો હતો.
બાથરૂમમાં પોતાની ટીશર્ટ સાથે લટકી આપધાત:
મુળ મુન્દ્રાના ટપ્પર ગામના યુવક વેલાજી કાસમ કોળીને શનિવારે સવારે માનકુવાના અશોક હરજી કોળીને પોલીસ મથકે લાવ્યા હતા. જોકે પોલીસ તપાસ કરે તે પહેલા જ 9 વાગ્યાના અરસામાં યુવક બાથરૂમ જવાનું કહ્યું હતું. આ બાદ તે બાથરૂમમાં પોતાની ટીશર્ટ સાથે લટકી ગયો હતો. લાંબો સમય તે બહાર ન આવતા પોલીસ કર્મચારીઓને કંઈક અજુગતુ લાગ્યું હતું. પોલીસે સમાજના લોકોને બોલાવી તપાસ કરતા યુવકે ગળફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યુ હતું. જે બાદ પરિવારે આક્રદ સાથે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા એક સમયે મામલો ગરમ બનતા પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો. જો કે પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
પરિવારજનોની લાશ ન સ્વીકારવાની ચિમકી:
પોલીસ મથકની અંદર જ યુવકના આપઘાતને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે માનકુવા પોલીસનો સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવવા સાથે તપાસમાં જોડાયું હતું. પરિવારે લાશ ન સ્વીકારવાની ચિમકી સાથે વિરોધ કરતા એક સમયે ઘર્ષણ સર્જાયુ હતું અને પોલીસે કેટલાકની અટકાયત પણ કરી હતી અને મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો હતો જ્યા પણ પરિવારે લાશ ન સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.