Weather Update : આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી…

નવી દિલ્હી : દેશમાં ચોમાસાની શરૂઆત બાદ અનેક રાજ્યો વરસાદ પડી રહ્યો છે. જેમાં જમ્મુ-કાશ્મીર, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની(Weather Update)આગાહી કરી છે.
નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે
આ સિવાય પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર અને ચંદીગઢમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે અને તે ધીમે ધીમે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યું છે.
આગામી અઠવાડિયે પૂર્વ, મધ્ય ભારતમાં ભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગ મુજબ, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેની નજીકના પશ્ચિમ બંગાળ પર એક નીચા દબાણનું ક્ષેત્ર રચાયું છે જે વધુ મજબૂત થવાની સંભાવના છે. તેની અસરને કારણે આગામી સપ્તાહ દરમિયાન પૂર્વ અને મધ્ય ભારતમાં ભારે વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત આગામી 2-3 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ, કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 20 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયાથી વ્યાપક વરસાદની શક્યતા છે.