આમચી મુંબઈ

મુંબઈગરાને મળશે મબલખ પાણી અંડર ગ્રાઉન્ડ ટનલથી પાણીનું ગળતર, ઓછા દબાણ સાથે પાણીપુરવઠો સહિત દૂષિત પાણીની સમસ્યા દૂર થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં અમુક વિસ્તારોમાં છેલ્લા અનેક દિવસોથી ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થઈ રહી હોવાની ફરિયાદને પગલે સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ પાણીપુરવઠા વિભાગ સાથે બેઠક યોજીના પાણીની પાઈપલાઈનમાં રહેલા ગળતરને દૂર કરવા તથા ઓછા દબાણ સાથે થઈ રહેલા પાણીપુરવઠા જેવી સમસ્યાનો યુદ્ધના ધોરણે નિકાલ લાવવાનો આદેશ અધિકારીઓને આપ્યો હતો. આ દરમિયાન તેમણે નાગરિકોને આશ્ર્વાસન આપ્યું હતું કે બહુ જલદી ત્રણ અંડરગ્રાઉન્ડ વોટર ટનલનું કામ પૂરું થશે એ સાથે જ ઉપનગર સહિત શહેરમાં મુખ્યત્વે ઓછા દબાણથી મળતા પાણીપુરવઠાની સમસ્યા દૂર થશે.

મુંબઈના નાગરિકોને પ્રતિદિન મળતા પાણી પુરવઠાની ક્ષમતા વધારવા, વારંવાર થતા પાણીના ગળતર રોકવા તથા પાઈપલાઈનમાંથી આવતા ગંદા પાણીને રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ વોટર ટનલનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત પૂર્વ ઉપનગરથી દક્ષિણ મુંબઈ વચ્ચે બાંધવામાં આવી રહેલી ત્રણ ટનલનું કામ પૂરું થયા બાદ ઘાટકોપરથી લઈને ગોવંડી, માનખુર્દથી ભાયખલા સુધીના વિસ્તારોમાં પાણી પુરવઠામાં સુધારો થશે એવો દાવો પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કર્યો હતો.

પાલિકા દ્વારા ત્રણ અંડરગ્રાઉન્ડ વોટર ટનલ બાંધવામાં આવી રહી છે, જેમાં જમીનની નીચે ૯.૭૦ કિલોમીટર લાંબી અમર મહેલ (ચેંબુર)થી વડાલા અને આગળ પરેલ સુધીનું ટનલનું ખોદકામ જૂન ૨૦૨૪માં પૂરું કરવામાં આવ્યું હતું અને ટનલનું બાકીનું કામ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં પૂરું થવાનું અપેક્ષિત છે. આ ટનલનું તમામ કામ પૂરું થયા બાદ ઘાટકોપર, પરેલ અને વડાલા, ભાયખલા અને કુર્લા વિસ્તારને ફાયદો થશે.

પાલિકાના ૧૦૦ કિલોમીટર લાંબા વોટર ટનલ પ્રોજેક્ટના ભાગરૂપે ૯.૭ કિલોમીટર લંબાઈની અમર મહેલ (ચેંબુર)થી વડાલા અને આગળ તે પરેલ વચ્ચે વોટર ટનલ બની રહી છે. આ પ્રોજેક્ટ પૂરો થયો બાદ પાણીની પાઈપલાઈનમાંથી મળતા ગંદા અને દૂષિત પાણીની ફરિયાદ તો દૂર થશે પણ સૌથી મોટો ફાયદો પાણીની થતી ચોરી અટકશે. વોટર ટનલને કારણે પાઈપલાઈનમાં જાણીજોઈને કરવામાં આવતા ભંગાણની સમસ્યા કાયમી રૂપે દૂર થશે એવો દાવો પાલિકાનો છે.

આ પ્રોજેક્ટનું કામ ઑક્ટોબર, ૨૦૨૧માં ચાલુ કરવામાં આવ્યું હતું. ઘાટકોપર અને વડાલા વચ્ચેની ટનલનું ખોદકામ સપ્ટેમ્બર ૨૦૨૨માં પૂરું થયા બાદ બીજા તબક્કાનું કામ ચાલુ કર્યા બાદ આ વર્ષે જૂન મહિનામાં તેનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. આ ટનલને કારણે ઘાટકોપર, પરેલ અને વડાલા સુધીના વિસ્તારમાં પાણીપુરવઠામાં સુધારો થશે. વધતી વસતી અને જૂની પાઈપલાઈનને કારણે થતો ઓછો પાણીપુરવઠાની સમસ્યા વોટર ટનલનું કામ પૂરું થયા બાદ દૂર થશે.

એ સિવાય અમર મહેલ (ચેંબુર)થી ટ્રૉમ્બે જળાશય (૫.૫૦ કિલોમીટર)ની વોટર ટનલનું કામ પણ લગભગ પૂરું થયું છે અને પ્રોજેક્ટનું બાકીનું કામ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી પૂરું થવાનું અપેક્ષિત છે. પવઈથી ઘાટકોપર જળાશય વચ્ચે બાંધવામાં આવી રહેલી ૪.૩૭ કિલોમીટર લાંબી ટનલનું કામ પણ પ્રગતિએ છે. આ ટનલનું કામ પૂરું થયા બાદ ઘાટકોપરથી પવઈ સુધીના વિસ્તારમાં પણીની સમસ્યા દૂર થશે.

જમીનની નીચે ઓછામાં ઓછું ૧૦૦ મીટર નીચે ટનલનું કામ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે પાઈપલાઈન જમીનના સ્તરથી માંડ ત્રણથી પાંચ મીટર નીચે હોય છે. જયારે ટનલ જમીનમાં એકદમ નીચે હોવાથી રસ્તાના કામ સહિત અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામો દરમિયાન તેને નુકસાન થવાની શક્યતા નહીંવત છે. આ ટનલનો ખર્ચ લગભગ ૯૪૦ કરોડ રૂપિયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ