નવી દિલ્હી: કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસીડેન્ટ મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા (Kolkata rape and murder case) બાદ દેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ડોક્ટરો હળતાળ પર ઉતર્યા છે, આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Home Ministry) કાયદો અને વ્યવસ્થા બની રહે એ માટે અલર્ટ પર છે. ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ હવે તમામ રાજ્ય સરકારે દર 2 કલાકે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની માહિતી ગૃહ મંત્રાલયને આપવી પડશે.
કેટલીક જગ્યાએ થયેલી તોડફોડની ઘટનાને કારણે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ દળોને મોકલવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવામાં આવે. પોતાના આદેશમાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને ઈમેલ, ફેક્સ અથવા વોટ્સએપ દ્વારા દર 2 કલાકે કેન્દ્રને કાયદો અને વ્યવસ્થાનો રિપોર્ટ મોકલવા જણાવ્યું છે.
| Also Read: Kolkata Rape-Murder: રાષ્ટ્રવ્યાપી બંધમાં કચ્છના તબીબો જોડાયા: તમામ હોસ્પિટલો સજ્જડ બંધ
શુક્રવારે મોકલવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, ” આજે સાંજે 4 વાગ્યાથી દર બે કલાકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો અહેવાલ ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમ (નવી દિલ્હી)ને ફેક્સ/ઈમેલ/વોટ્સએપ દ્વારા મોકલો.”
દેશના વિવિધ ભાગોમાં ડોક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેના કારણે સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રભાવિત થઈ રહી છે. હેલ્થકેર વર્કર્સ સામેની હિંસાને રોકવા માટે કેન્દ્રીય કાયદા માટે માંગ કરવામાં આવી રહી છે, હોસ્પિટલોને ફરજિયાત સુરક્ષા અધિકારો સાથે સલામત ઝોન તરીકે જાહેર કરી રહ્યા છે.