અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
સુભાષિતની જેમ મુક્તકની ખાસિયત રહી છે કે જીવન અને જગતનાં અનુભવસિદ્ધ સત્યો સરળ શબ્દોમાં વ્યક્ત થાય છે. ભાષામાં લાઘવ (ટૂંકમાં ઘણું કહેવાની ક્ષમતા) આજના સમયની આવશ્યકતા છે. મુક્તકમાં ભાવ, વિચાર કે કલ્પના શક્ય હોય તો એક જ વાક્યમાં લાઘવપૂર્વક સચોટતાથી અને વેધકતાથી રજૂ થાય છે. ગયા સપ્તાહથી શરૂ કરેલી મુક્તક યાત્રા આજે આગળ વધારીએ. હયાતી દરમિયાન જેમણે કાયમ મોજ મસ્તીથી લખ્યું અને ગહન વાતને પણ સરળતાથી સપાટી પર મૂકનારા સર્જક ખલીલ ધનતેજવીના મુક્તકથી શરૂઆત કરીએ. વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઊખડી જાય તો કે ‘જે મને. જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કે’ જે મને. અહં અને નમ્રતા એટલે મનુષ્ય સ્વભાવના બે અંતિમ છેડા. ધનતેજવી સાહેબ સ્પષ્ટપણે જણાવે છે કે અહં રાખી જીવનારા આંધીમાં મોટું વૃક્ષ પણ મૂળસોતું ઊખડી જાય એમ ફેંકાઈ જાય છે. પણ આંધીમાં નાનકડું ઘાસનું તરણું ઊખડી નથી જતું. એ જ રીતે હળવા બની જીવવાથી ગમે એવા મુશ્કેલ સમયમાં પણ પાર ઊતરી જવાય છે. જીવતરને બોજ ગણીને નહીં પણ એક મહાલવાની મોસમ તરીકે માણવાથી જીવતરનો થાક નથી લાગતો.
શેખાદમ આબુવાલા એટલે મુક્તકોનો રાજા. ‘અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં’ એમનું ખૂબ લોકપ્રિય મુક્તક છે. જીવનમાં આફત આવે, આફતના પહાડ પણ અંતરાય બની ઊભા રહે એવું બને. પણ અંતરની તાકાત એ પહાડોમાંથી પણ સ્નેહનું ઝરણું વહાવી શકવાનું સામર્થ્ય ધરાવે છે. મજબૂત અને મક્કમ મનનો માનવી મુશ્કેલીને મહેફિલમાં, આફતને અવસરમાં અને આગને પણ બાગમાં ફેરવી દેવાનું કૌશલ ધરાવે છે. શેખાદમ આબુવાલાનું ‘તાજમહાલ’ મુક્તક પણ લાજવાબ છે. દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે, મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે. પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી, મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે. મોટાભાગના લોકો તાજમહેલને પ્રેમના અદભુત પ્રતીક તરીકે પિછાણે છે. હકીકતમાં એ પૈસાના પાવરનું અને સત્તાના મદનું પ્રતીક છે. દમકતો ને ચમકતો તાજમહેલ એવા વર્ણનથી શરૂઆત કરી કવિ ધનવાન મજનૂનો ખેલ, ચાહત કેદ અને પથ્થરોની જેલ જેવા રૂપકોથી એનો અસલી ચહેરો આપણી સમક્ષ રજૂ કરે છે. ચાર જ પંક્તિમાં શેખાદમ ચીરફાડ કરી નાખે છે અને આપણને સવાલ થાય છે કે આપણે કેમ તાજમહેલને પ્રેમના પ્રતીક સ્વરૂપે સ્વીકારી લીધો?
WORLD IDIOMS – PROVERBS
બાર ગાઉએ બોલી બદલાય એટલે પ્રાદેશિક અંતરની સાથે ભાષામાં બદલાવ જોવા મળે. એટલે મુંબઈના ઢોકળા સુરતમાં ઈદડા બની જાય. બહુ દૂર છે એ સૌરાષ્ટ્રમાં બહુ છેટે છે સ્વરૂપ ધારણ કરી લે છે. અંગ્રેજી ભાષા પણ તેમાંથી બાકાત નથી. આજે આપણે કેટલાક દેશની કહેવતો જાણીએ જે દેશ બહાર ભાગ્યે જ સાંભળવા મળે છે. કાંગારુઓનો પ્રદેશ તો આપણા કરતાં અલગ જ ગોળાર્ધમાં આવ્યો હોવાથી ભૌગોલિક અંતર સાથે ભાષાકીય અંતર પણ હોય એ સ્વાભાવિક છે. Go off like a frog in a sock ઓસ્ટ્રેલિયાની કહેવત છે. દેડકાને અને મોજાને શું સંબંધ એવો સવાલ તમને થવો સ્વાભાવિક છે. ખૂબ જ રોષ – ગુસ્સો આવ્યો હોય કે અત્યંત રોમાંચના અનુભવના કારણે ઝાલ્યા ના ઝલાય ત્યારે આ કહેવત વપરાય છે. If boss finds that you’re lying to him, he’ll go off like a frog in a sock in front of the whole office. તમે જુઠ્ઠું બોલ્યા છો એની જો બોસને ખબર પડશે તો ઓફિસમાં બધાની હાજરીમાં તમને ખખડાવી નાખશે. ખ્યાતનામ અને બદનામ જેવા વિશેષણ ધરાવતા ચીનનો એક રૂઢિપ્રયોગ છે Inflating a cow. કોઈ વધુ પડતી ડંફાસ મારે – બડાઈ હાંકે કે પછી રાઈનો પર્વત કરે એ માટે આ રૂઢિપ્રયોગ વપરાય છે. Did he say that he swam English Channel as a teenager? He is inflating a cow, for sure. કિશોરાવસ્થામાં ઈંગ્લિશ ચેનલ તરી જવાની એની વાત નરી ડંફાસ છે. ફૂટબોલ, આર્કિટેક્ચર અને કાર્નિવલ માટે પ્રખ્યાત દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝીલના રૂઢિપ્રયોગ વિશે જાણીએ. To peel a pineapple બ્રાઝિલમાં બોલાય ત્યારે તેને અનાનસ વિશે સીધો નહીં પણ આડકતરો સંબંધ છે. અનાનસની છાલ ઉતારતી વખતે અને એને સમારતી વખતે કેવી ચીવટ રાખવી પડે છે એ જ ભાવાર્થ આ પ્રયોગમાં છે. મુશ્કેલ કે જટિલ પરિસ્થિતિથી વિચલિત થયા વિના એમાંથી માર્ગ કાઢી આગળ વધવું એવો એનો ભાવાર્થ છે. Don’t worry if things go out of hand, we will peel a pineapple. મુશ્કેલી આવે તો ગભરાઈ નહીં જતા. આપણે એમાંથી રસ્તો કાઢી આગળ વધીશું.
चोरीचा मामला हळूहळू बोंबला
મરાઠીમાં એક કહેવત છે કે चोरीचा मामला हळूहळू बोंबला. સૌ પ્રથમ એક સ્પષ્ટતા કે બોમ્બલા શબ્દને બૉમ કે બૉમ્બ સાથે કોઈ કરતા કોઈ સંબંધ નથી. એનો શબ્દાર્થ છે બરાડા પાડવા. એટલે આ કહેવત આપણને સમજાવે છે કે ખરાબ કે ખોટું કામ કરવાને કારણે જો આપણું નુકસાન થયું હોય તો ચૂપ બેસી રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ગુજરાતીમાં આવો જ ભાવ દર્શાવતી કહેવત છે કે ‘ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ.એનો ભાવાર્થ છે કે પોતાના દીકરાએ ચોરી કે એવું બીજું કોઈ અવળું કામ કર્યું હોય તો એ પોતાની પીડા કે દુઃખ જાહેરમાં વ્યક્ત નથી કરી શકતી, ખુલ્લેઆમ નથી રડી શકતી. છાને ખૂણે જ તેણે આંસુ સારી લેવા પડે છે. બીજી એક કહેવત છે रिकामा न्हावी, कुडाला तुम्ब्ड़या लावी. કહેવત સમજવા માટે પ્રત્યેક શબ્દનો અર્થ જાણવો જોઈએ. રિકામા એટલે નવરો અથવા કામ વિનાનો. ન્હાવી એટલે વાળંદ. ભાવાર્થ એવો છે કે ગામનો વાળંદ સહેજ નવરો પડે એટલે કારણ વિનાના કામ કર્યા કરે. આવો જ અર્થ ધરાવતી એક કહેવત ગુજરાતીમાં છે જ ને: નવરો બેઠો નખ્ખોદ વાળે. જોકે, ગુજરાતી કહેવતનો ભાવાર્થ અતિશય આકરો છે જેમાં નખ્ખોદ વાળેનો અર્થ જડમૂળથી સર્વનાશ થવો કે પૂરી પાયમાલી થવી એવો થાય છે.
गुजराती प्रयोग हिंदी में
દરેક ભાષાની કહેવતો અને રૂઢિપ્રયોગોમાં મનુષ્ય શરીરના અવયવ કે પછી ખાદ્ય પદાર્થ અથવા બીજી કોઈ વસ્તુની મદદ લઈ વાત અસરકારક રીતે જણાવવાની કોશિશ થતી હોય છે. કોઈ ઢંગધડા વગરની વાત કરે એ માટે હિન્દીમાં बे सिर – पैर की बात કહેવાય છે. હિન્દીમાં ‘બે’ પૂર્વગ છે જેનો અર્થ વગરનો, વિનાનો એવો થાય છે. बेआबरू, बेइमान और बेगुनाह એના જાણીતા ઉદાહરણ છે. ગુજરાતીમાં ધડ – માથા વગરની વાત કહેવાય છે ને. बिना सिर पैर की बात करके उसने मुझे परेशान कर दिया. ઢંગધડા વગરની વાત કરી એ મારું માથું ખાઈ ગયો. કોઈ વ્યક્તિને કે વસ્તુને તુચ્છ – હલકી સમજવી એને માટે गाजर – मूली समझना પ્રયોગ વપરાય છે. रोहन को सभी गाजर- मूली समझते थे, लेकिन उसने युपीएससी पास की तबसे लोग उसकी तारीफ करने लगे हैं. રોહનને બધા કોઈ કામનો નથી અને કંઈ ઉકાળી નહીં શકે એવો માનતા હતા. જોકે, તેણે યુપીએસસી પરીક્ષા પાસ કરી ત્યારથી બધા એની પ્રશંસા કરી રહ્યા છે. ગુજરાતીમાં પણ ગાજર મૂળા ગણવા પ્રયોગ જાણીતો છે. સંસારમાં કેટલાક લોકો એવા હોય છે જેમને ગમે એટલું મળે તોય સંતોષ કે ધરવ ન થાય. સાથે એવા લોકો પણ હોય છે જેમને થોડાથી સંતોષ થઈ જાય છે. હિન્દીમાં આ વાત दाल – रोटी से खुश પ્રકારે જાણીતી છે. दाल – रोटी मिलना मतलब जीवन निर्वाह होना. બે ટંક ભોજન મળી રહેવું એ ભાવાર્થ પણ છે.