કચ્છમાં અપમૃત્યુની વિવિધ દુર્ઘટનાઓમાં સાત લોકોના મોતથી અરેરાટી
ભુજ: દેશના ૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણીના અનેરા ઉત્સાહ વચ્ચે સરહદી કચ્છમાં ફરી વળેલા કાળચક્રમાં સાત જેટલા લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
ભુજ તાલુકાના પુરાસર ગામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં સાલમ અબ્દુલકરીમ સમા (ઉ.વ. ૧૭) નામના કિશોરનું મોત થયું હતું, જ્યારે કંડલાના રેલવે મથક નજીક બનેલા હિટ એન્ડ રનના બનાવમાં બાંગસી ધાર હરગોબિંદદાસ (ઉ.વ. ૫૫) નામના આધેડે પ્રાણ ખોયા હતા, રાપર તાલુકાની નાંદેલવાંઢમાં મનસુખ ખીમા ધૈયડા (ઉ.વ.૨૭) નામક યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું, જયારે ગાંધીધામમાં અજાણ્યા ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો હતો અને ભુજ તાકુકના પ્રાગપર ગામમાં નિંદ્રાધીન યુવકને હ્રદયરોગનો તીવ્ર હુમલો આવતાં મોતને ભેટ્યો હતો તો અંજાર તાલુકાના મેઘપર-કુંભારડી અને ભીમાસર ખાતે અગમ્ય કારણોસર પ્રકાશ ખેમબહાદુર થાપા (ઉ.વ.૩૭) તેમજ રીંકી દામોર (ઉ.વ.૨૧)એ ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લીધો હતો.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હતભાગી સાલમ અને તેનો ભાઈ નાગોરથી પુરાસર તરફ મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા ટ્રકચાલકે તેમના વાહનને અડફેટમાં લેતાં સર્જાયેલા અકસ્માતમાં બંને યુવાનો ઘવાયા હતા જેમાં સાલમનું તત્કાળ મોત નીપજ્યું હતું જ્યારે ઉંમરને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
વધુ એક જીવલેણ માર્ગ અકસ્માત કંડલા રેલવે મથક નજીક બન્યો હતો, જેમાં પગપાળા જઈ રહેલા બાંગસી ધાર નામના આધેડને અજાણ્યા મોટરસાઇકલ ચાલકે હડફેટે લીધા હતા. હતભાગીએ સારવાર અગાઉ અંતિમ શ્વાસ લેતાં પોલીસે અજાણ્યા દ્વિચક્રી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ, નાની હમીરપર તાબેના નાંદેલવાંઢમાં રહેનારા મનસુખે એક ખેત તલાવડી પાસેના લીમડાના ઝાડ પર બાંધેલા રસા વડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ પ્રકારના વધુ બે બનાવો અંજાર તાલુકામાં બનવા પામ્યા હતા જેમાં મેઘપર કુંભારડીના ગ્રીનલેન્ડ વિસ્તારમાં રહેનારા પ્રકાશ નામના યુવાને ગત રાત્રીના સમયે ઘરની હવા બારીમાં બાંધવામાં આવેલા કચ્છી દુપટ્ટા વડે ગળેફાંસો લગાવી લીધો હતો જયારે તાલુકાના ભીમાસર ગામે રહેતી રીંકી નામની યુવતીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મૃત્યુલોકમાંથી વિદાય લઇ લેતાં ગામમાં ચકચાર પ્રસરી હતી.
દરમ્યાન, ઔદ્યોગિક નગરી ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગરમાં સ્થિત એક ચાની કેબિન પાસેથી બેભાન અવસ્થામાં મળી આવેલા પકચાસેક વર્ષના અજાણ્યા પુરુષે ટૂંકી સારવાર દરમ્યાન હોસ્પટલના બિછાને દમ તોડી દેતાં પોલીસે હતભાગીની ઓળખ જાણવા તપાસ આરંભી છે.
અકસ્માત મોતનો વધુ એક બનાવ પ્રાગપરમાં આવેલી જિંદાલ કંપનીની રહેણાક કોલોનીમાં બન્યો હતો. અહીં ડ્રાઈવિંગના કામ સાથે સંકળાયેલો હતભાગી લાલુ નામનો આધેડ કામ પરથી પરત આવી ઘરે નિંદ્રાધીન થઇ ગયો હતો. બીજા દિવસે તે બેભાન અવસ્થામાં મળી આવતાં તેને તાત્કાલિક મુંદરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાગપર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.