ભાલાફેંકના બબ્બે મેડલ વિજેતા નીરજ ચોપડાએ કેમ ભગવાનને યાદ કરવા પડ્યા?
નવી દિલ્હી: 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાલાફેંકની હરીફાઈમાં ગોલ્ડ મેડલ અને 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય લશ્કરનો સુબેદાર મેજર નીરજ ચોપડા હજી સુધી ભાલો 90.00 મીટર કે એનાથી વધુ દૂર નથી ફેંકી શક્યો. પાકિસ્તાનના તેના હરીફ-મિત્ર અર્શદ નદીમે પૅરિસમાં ભાલો સૌથી વધુ 92.97 મીટર દૂર ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધો તેમ જ એ જ ઇવેન્ટમાં ફરી એકવાર 90-પ્લસના અંતરે ભાલો ફેંક્યો હતો એ વાત અલગ છે, પરંતુ નીરજ ઘણા વર્ષોથી 90.00 મીટર દૂરના સ્થાન માટે સંઘર્ષ કરી રહ્યો છે.
89.94 મીટર નીરજનો પર્સનલ બેસ્ટ આંકડો છે અને પૅરિસમાં તે ભાલો ફક્ત 89.45 મીટર દૂર ફેંકી શક્યો હતો અને બીજા સ્થાને રહ્યો હતો.
આગામી 13મી સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યોજાનારી સીઝનની છેલ્લી ડાયમંડ લીગમાં ભાગ લેવાની તેણે તૈયારી બતાવી છે, પરંતુ 90.00 મીટરના બૅરિયર વિશે તેણે ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે ‘આ બાબતમાં (90.00 મીટર સુધી પહોંચવાની બાબતમાં) મારે હવે બધુ ભગવાન પર છોડી દેવું પડશે. હું એટલું જ કહીશ કે હું આગામી સ્પર્ધાઓ માટે તૈયારી ખૂબ સારી કરીશ. જોઈએ હવે ભાલો કેટલો દૂર ફેંકી શકું છું! હવે તો હું 90.00 મીટર વિશે બહુ વિચારતો પણ નથી. પૅરિસમાં મને આશા હતી, પણ સફળ થયો નહીં. હવે હું આગામી બે-ત્રણ ઇવેન્ટમાં પણ 100 ટકા ક્ષમતાથી ભાલો ફેંકીશ. જોઈએ હવે શું થાય છે.’