ફિલ્મ હેરી પોટરના આ અભિનેતાનું નિધન…
હોલીવુડની પ્રખ્યાત ફિલ્મ ‘હેરી પોટર‘માં આલ્બસ ડમ્બલડોરનું પાત્ર ભજવનાર એક્ટર સર માઈકલ ગેમ્બનનું નિધન થતાં હોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માઈકલ ગેમ્બને 82 વર્ષની વયે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાની માહિતી પરિવાર દ્વારા આપવામાં આવી હતી.
મીડિયા અને ફેન્સને સર માઈકલ ગેમ્બનના મૃત્યુ અંગે તેમની પત્ની લેડી ગેમ્બોન અને પુત્ર ફર્ગસ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે “સર માઈકલ ગેમ્બનના મૃત્યુના સમાચાર આપતાં અમે ખુબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ. તેઓ એક પ્રેમાળ પતિ અને પિતા હતા.”
માઈકલની પત્નીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, “સર માઈકલ ગેમ્બોનનું મૃત્યુ ન્યુમોનિયાને કારણે થયું હતું. તેમને ન્યુમોનિયાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. અમે ઇચ્છીએ છીએ કે તમે આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઈવસીનું સન્માન કરો અને તમારા સમર્થન અને પ્રેમના સંદેશાઓ માટે તમારો આભાર…
હેરી પોટર ફિલ્મની સીરીઝમાંથી છ ફિલ્મમાં તેમણે હોગવર્ટ્સના હેડમાસ્ટર આલ્બસ ડમ્બલડોરની ભૂમિકા માટે જાણીતા આઇરિશ-અંગ્રેજી અભિનેતા હતા.
જોકે, આ સિવાય પણ તેમણે અનેક હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે દરેક પાત્રને ખૂબ જ સુંદર રીતે નિભાવ્યું હતું. ફિલ્મો ઉપરાંત તેઓ થિયેટરમાં પણ એક્ટિવ હતા. તેમણે પિન્ટર, બેકેટ અને એઇકબોર્ન જેવા નાટકોમાં મહાન કામ કર્યું હતું અને પોતાના અભિનયથી લોકોને અચંબિત કરી દીધા હતા.