ઇચ્છામૃત્યુ અર્થાત યુથેનેશિયા
જાણવા જેવું -દેવેશ પ્રકાશ
જ્યારથી યુપીએસસી એ સિવિલ સર્વિસીસની પ્રારંભિક પરીક્ષામાં સી-સેટના ફોર્મેટનો સમાવેશ કર્યો છે, ત્યારથી જનરલ સ્ટડીઝનો વ્યાપ ઘણો વધી ગયો છે. હવે માત્ર આઇએએસ પરીક્ષામાં જ નહીં, પરંતુ લગભગ તમામ પ્રકારની પરીક્ષાઓમાં જનરલ સ્ટડીઝના પ્રશ્ર્નો પૂછવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, ૨ જુલાઈ ૨૦૨૪ના રોજ દિલ્હી હાઈ કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવેલી ઈચ્છામૃત્યુ સંબંધિત અરજીની પૃષ્ઠભૂમિમાં ‘ઈચ્છામૃત્યુ શું છે?’ અંગે જાણીએ.
ગત ૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ દિલ્હી હાઈ કોર્ટે એક એવા મેડિકલ બોર્ડની રચના માટે નિર્દેશોની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી, જેમાં વિચારણા કરવામાં આવવાની હતી કે શું નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી એવી વ્યક્તિને આપી શકાય કે જે ‘વેજિટેટિવ સ્ટેટ’માં હોય? હરીશ રાણા તરફથી શ્રી નીરજ ગુપ્તા, શ્રી મનીષ જૈન, શ્રી વિકાસ કુમાર વર્મા, સુશ્રી ચેલ્સી, શ્રી આંચલ, શ્રી રાજેશ કુમાર અને શેંકી જૈન (વકીલાતો) વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય પ્રતિવાદીઓ વતી, ન્યાયમૂર્તિ શ્રી. સુબ્રમણ્યમ પ્રસાદે અરજીને નકારતા કહ્યું કે, ‘અરજીકર્તાને યાંત્રિક રીતે જીવિત રાખવામાં નથી આવી રહ્યો. તે કોઈપણ વધારાની બાહ્ય સહાય વિના પોતાને જીવિત રાખવામાં સક્ષમ છે. આવી સ્થિતિમાં, કોઈપણ વ્યક્તિને કે ડોક્ટરને પણ, તેને કોઈપણ ઘાતક દવાથી મારવાની મંજૂરી નથી. ભલે તેનો હેતુ દર્દીને પીડા અને વેદનામાંથી રાહત આપવાનો હોય.’
વાસ્તવમાં, આ વાત છે એ લાચાર માતા-પિતાની છે, જેઓ તેમના પુત્ર માટે કોર્ટમાં ઈચ્છામૃત્યુ મંજૂર કરવાની માગ કરી રહ્યા છે. આ વાત ૧૧ વર્ષ પહેલા ૫ ઓગસ્ટ, ૨૦૧૩ ના રોજ શરૂ થઈ હતી, જ્યારે દિલ્હીમાં રહેતા અશોક રાણા અને તેમની પત્ની નિર્મલ રાણાને ચંદીગઢ યુનિવર્સિટીમાંથી ફોન આવ્યો કે અહીં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો તેમનો પુત્ર હરીશ રાણા, જે પેઇંગ ગેસ્ટમાં રહેતો હતો, ત્યાંથી નીચે પડી ગયો છે અને તેને ઈજા થઈ છે. અશોક રાણા અને તેની પત્ની ચંદીગઢ દોડી ગયા, જ્યાં તેઓને ખબર પડી કે તેમનો પુત્ર પીજીઆઈ, ચંદીગઢમાં દાખલ છે અને જ્યારથી તે પડી ગયો ત્યારથી તે બેભાન છે. ચંદીગઢમાં મહિનાઓ સુધી તેમની સારવાર ચાલુ રહી, પરંતુ તેમની સ્થિતિમાં જરા પણ સુધારો થયો નહીં. આખરે એક દિવસ પીજીઆઈ ચંદીગઢના ડોક્ટરોએ હાર માની લીધી અને માતા-પિતાને તેમના પુત્રને ઘરે લઈ જવા માટે કહ્યું. પરંતુ જો તેઓ તેમના કોમામાં સરી ગયેલા પુત્રને ઘરે લાવે તો માતાપિતા કઇ રીતે રાહત અનુભવે? તેથી તેઓ તેને દિલ્હી એઇમ્સમાં લાવ્યા અને ફરી કેટલાક મહિનાઓ સુધી ટેસ્ટ અને સારવારનો સિલસિલો ચાલુ રહ્યો. પરંતુ હરીશ રાણાની હાલતમાં જરા પણ ફેરફાર ન આવ્યો. તે એક ક્ષણ માટે પણ ભાનમાં ન આવ્યો. તે સતત કોમામાં જ રહ્યો. તેથી, એઈમ્સના ડોકટરોએ પણ માતા-પિતાને કહ્યું કે પુત્રને ઘરે લઈ જાઓ. તેની સ્થિતિમાં સુધારો થશે નહીં. પણ મા-બાપને કેવી રીતે રાહત મળે? તેમણે તેમની બધી બચત, ઘરની તમામ મૂડી અને દિલ્હીમાં તેમનું ઘર પણ વેચી દીધું અને ગાઝિયાબાદમાં એક નાનકડા ફ્લેટમાં રહેવા ગયા જેથી તેમના પુત્રની સારવાર ચાલુ રહે. તેઓ તેને ઘણી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.
તબીબોના જણાવ્યા મુજબ હરીશ રાણાના મગજની તમામ નસો સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે. તેથી, તેણે તેનું સીટી સ્કેન કરાવવાનું પણ જરૂરી ન સમજ્યું. પરંતુ માતા-પિતાને હજુ પણ ચમત્કારની આશા હતી કે કદાચ કોઈ દિવસ આ ચમત્કાર થશે, પરંતુ ચમત્કાર થયો નહીં. ૧૧ વર્ષથી પુત્ર વેજિટેટિવ સ્ટેટમાં પથારીમાં પડ્યો છે, અથવા તો કહી શકાય કે હવે માત્ર તેનું હાડપિંજર જ ત્યાં પડેલું છે. હરીશ રાણાના માતા-પિતા અશોક રાણા અને નિર્મલ રાણા, જેઓ ૧૧ વર્ષથી તેમના બેભાન પુત્રની પીડા સહન કરી રહ્યા હતા, તેઓએ આખરે નિર્ણય કર્યો કે તેમના પુત્રનું ઇચ્છામૃત્યુ થાય જેથી તેઓ તેના શરીરના અંગો દાન કરી શકે, જો કોઈને ઉપયોગી થઈ શકે અને તેમાં પોતાના પુત્રને જુએ. પરંતુ ડોકટરો અને વકીલોની પ્રચંડ પેનલ હોવા છતાં કોર્ટે તેમની વિનંતી સ્વીકારવાનો ઇનકાર કર્યો.