લંગડા કાયદા ને નામર્દ સત્તાધીશો વચ્ચે દીકરીએ જ મર્દાની બનવું પડે !
કોલકાતાની એક યુવા લેડી ડૉક્ટરની નિર્દય હત્યા અને પછી પાશવી બળાત્કારની ઘટનાથી દેશ આખામાં રોષ ફાટી નીકળ્યો છે, પણ પછી શું…?
કવર સ્ટોરી -વિજય વ્યાસ
કોલકાતાની આર.જી. કાર મેડિકલ કોલેજ – હોસ્પિટલમાં ૩૧ વર્ષની એક તાલીમાર્થી ડોક્ટર પર
બળાત્કાર પછી હત્યા થઈ (એક્ અહેવાલ મુજબ પહેલાં હત્યા ને પછી રેપ !) એ ઘટનાથી દેશભરમાં ભયંકર આક્રોશ પેદા થઈ ગયો છે. દેશભરમાં ડોક્ટરો સહિતનો મેડિકલ સ્ટાફ આવી ઘટના વિરુદ્ધ દેખાવો કરી જ રહ્યા છે એમાં સામાન્ય લોકો પણ પોતાનો ક્રોધ ઠાલવી રહ્યા છે.
આ કેસમાં પોલીસે સંજય રોય નામના આરોપીને ઝડપી લીધો છે. સંજય પોલીસ વેલફેર બોર્ડ સાથે સંકળાયેલો હતો. સિવિલ વોલંટિયર તરીકે કામ કરતો હોવાથી સંજયને હોસ્પિટલની સિક્યોરિટી રોકતી નહોતી. પોતે હોસ્પિટલના ખૂણેખૂણાથી વાકેફ હતો તેથી સંજય હોસ્પિટલમાં સરળતાથી અને બેરોકટોક આવનજાવન કરી શકતો.
ટ્રેની ડોક્ટરની હત્યા ૯ જુલાઈએ વહેલી સવારે થઈ હતી. પોસ્ટ ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં ભણતી આ ડોક્ટર બે જુનિયર સાથે ડિનર કરીને રાત્રે ૨ વાગે હોસ્પિટલના સેમિનાર હોલમાં આરામ કરવા ગઈ હતી. વહેલી સવારે ૬ વાગે સ્ટાફ સાફસૂફી કરવા ગયો ત્યારે પેલી ડોક્ટર યુવતી અર્ધ નગ્નાવસ્થામાં લોહીલુહાણ હાલતમાં પડેલી મળી આવી.. એ પછી પોલીસે સીસીટીવી તપાસતાં સંજય રોય ૪ વાગે સેમિનાર હોલમાં જતો જોવા મળ્યો હતો.
આ કારણે સંજય શંકાના દાયરામાં આવી જ ગયેલો. પોલીસને સેમિનાર હોલમાં મૃતદેહ પાસેથી બ્લૂટૂથ ઈયરફોન મળેલો. સીસીટીવીમાં સંજયે કાનમાં ઈયરફોન પહેરેલા હતા પણ હોલમાંથી નીકળ્યો ત્યારે ઈયરફોન નહોતા. આ પગેરું મળતાં જ પોલીસે એને ઉઠાવી લીધો. સંજયે બળાત્કાર-હત્યાની કબૂલાત કરી લીધી એવો દાવો પોલીસે કરે છે, પણ ડોક્ટરના પરિવારે ગેંગરેપની આશંકા વ્યક્ત કરતાં કેસમાં નવો ટ્વિસ્ટ આવી ગયો છે…
બંગાળમાં મમતા બેનરજીની સરકાર હોવાથી ભાજપ સહિતના વિપક્ષો પણ મેદાનમાં આવી જતાં તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. સીબીઆઈએ ૩૦ જેટલા લોકોની યાદી બનાવીને એમની પૂછપરછ ચાલી રહી છે. ઓટોપ્સી રિપોર્ટમાં ગેંગરેપ થયાનું બહાર નથી આવ્યું પણ સંજય રોયે અત્યંત ક્રૂરતાથી બળાત્કાર ગુજારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ડૉક્ટરે પોતાના રક્ષણ માટે એ હેવાનનો પ્રતિકાર કર્યો હશે એટલે આરોપી સંજયે ડોક્ટર પર બળાત્કાર અને પછી હત્યા કરતાં પહેલાં અમાનવીય શારીરિક અત્યાચાર ગુજાર્યા હતા. ડોક્ટરના ગુપ્તાંગમાંથી, આંખ અને મોંમાંથી લોહી નીકળતું હતું અને એમના મૃતદેહ પર ઠેર ઠેર ઈજાના ઘા હતા.
સંજયે ૩ કલાક સુધી ડોક્ટરને અત્યાચાર અને હવસનો ભોગ બનાવી હોવાનું કહે છે એ જોતાં સંજય માનસિક રીતે વિકૃત લાગે છે.
આમ તો દર્દીની સારવાર માટે ઓવરટાઈમ કરતા ડૉક્ટરોની કહેવાતી બેદરકારીથી ઉશ્કેરાયેલા દર્દીના સંબંધીઓ પણ ઘણી વાર ડૉક્ટરો પર હાથ ઉગામી દે છે, પણ આ કેસમાં ડોક્ટર દીકરી પોતાના કોઈ પણ ચૂક કે ભૂલ વગર અત્યાચારનો ચોક્કસ ભોગ બની છે. હા, હજુ બીજી ઘણી વાતો અસ્પષ્ટ છે. સીબીઆઈ તપાસમાં આ દૂર થાય અને સંપૂર્ણ સત્ય બહાર આવે એવી આશા અત્યારે તો આખો દેશ રાખી
રહ્યો છે.
આ ઘટનાએ લોકોને દિલ્હીમાં ૨૦૧૦માં બનેલા નિર્ભયા બળાત્કાર કાંડની યાદ સૌને અપાવી દીધી છે. આ બંને ઘટના લગભગ સરખી છે. દિલ્હીમાં મૂવી જોઈને પોતાના ફ્રેન્ડ સાથે બસમાં બેઠેલી નિર્ભયાને પાંચ હેવાને હવસનો શિકાર બનાવી હતી. બસ દિલ્હીના રસ્તા પર ફરતી રહી ને હવસખોરો નિર્ભયા પર પાશવી અત્યાચારો ગુજારીને બળાત્કાર કરતા રહ્યા એ જંગલરાજનો નમૂનો હતો. જાહેર રસ્તા પર આ પ્રકારની ઘટના કઈ રીતે બની શકે એ સવાલ એ વખતે ઉઠેલો. કોલકાતાની ઘટનામાં પણ એ જ સવાલ ઊઠ્યો છે કે, અત્યંત સલામત કહેવાય એવી હોસ્પિટલની ચાર દીવાલો વચ્ચે પાશવી બળાત્કાર અને હત્યા કઈ રીતે થઈ શકે ?
આનો કોઈ સ્પષ્ટ જવાબ આપણી પાસે નથી પણ એક વાત ચોક્કસ છે કે, આ દેશમાં મહિલાઓની સુરક્ષા આજેય બહુ મોટી સમસ્યા છે. આઝાદીનાં ૭૮ વર્ષ પછી પણ આપણે આપણી બહેન-દીકરીઓને સુરક્ષાનો અહેસાસ નથી અપાવી શકતા. આપણી બહેન-દીકરીઓએ આજેય ફફડતા જીવવું પડે છે,
ક્યારે કોઈ હેવાન આવીને એમને પોતાનો શિકાર બનાવી દેશે તેના ભયમાં સતત રહેવું પડે છે. એમનો ડર અકારણ પણ નથી. હોસ્પિટલમાં સેંકડો લોકો હાજર હોય ને છતાં
દીકરી પર રેપ કરીને એની હત્યા થઈ શકતી હોય તો ગમે ત્યાં એવું થઈ જ શકે.
કોલકાતાની ઘટનાએ આ દેશમાં કાયદાનો ડર નથી એ પણ ફરી છતું કર્યું છે. કાયદાનો ડર એટલા માટે નથી કે રાજકારણીઓ બળાત્કારીઓને છાવરે છે. બળાત્કારના કેસોમાં પોલીસ તોડ-પાણી કરે છે તેથી મોટા ભાગના કેસોમાં આગળ કશું થતું નથી. આ માનસિકતાનો તાજો દાખલો ભાજપના ભૂતપૂર્વ બ્રિજભૂષણ શરણ સિંહનો કેસ છે.
કોલકાતાની ઘટનાનો ઉલ્લેખ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાં પરથી દેશને કરેલા સંબોધન વખતે કર્યો. મોદીએ બળાત્કારીઓ થથરી ઊઠે એવી સજા કરવાની ને ફાંસીએ લટકાવવાની વાતો કરી , પણ એ જ ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુશ્તીબાજ દીકરીઓએ જાતીય શોષણના આક્ષેપ કર્યા ત્યારે પક્ષવાળા મૂંગા રહ્યા. બલકે હજુય ચૂપ છે ને બ્રિજભૂષણ હજુય ભાજપમાં જ છે.
આમ સત્તામાં બેઠેલા લોકો હવસખોરોને છાવરતા હોય એ સંજોગોમાં કાયદાનો ડર ક્યાંથી પેદા થાય ?
આ સ્થિતિ આખા દેશ માટે શરમજનક કહેવાય પણ તેને રોકવાનો કોઈ ઉપાય નથી. જે દેશમાં બળાત્કારની ઘટના માટે છોકરીઓનાં ટૂંકાં વસ્ત્રોને જવાબદાર ગણાવવાની હીન માનસિકતા હોય એ દેશમાં તમે કોઈ પણ પરિવર્તનની અપેક્ષા ના રાખી શકો.
આ માહોલમાં દીકરીઓએ જ સતર્ક રહેવું પડે ને પોતાની સુરક્ષા જાતે કરવી પડે… આવું કહેતાં ખરેખર શરમ આવે છે, પણ આ વાસ્તવિકતા છે. આ દેશના પુરુષોની મર્દાનગી મરી પરવારી છે એટલે તમારે જ મર્દાની બનવું પડે..