નેશનલ

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા JJPને આંચકો : ચાર વિધાનસભ્યોએ પાર્ટીથી છેડો ફાડ્યો

ચંદીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP)ને એક મોટો જતકો લાગ્યો છે. પાર્ટીના દસમાંથી ચાર વિધાનસભ્યોએ રાજીનામું આપી દીધું છે. જેમાં ઈશ્વરસિંહ, રામકરણ કાલા, દેવેન્દ્ર બાબલી અને અનુપ ધાનકે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અનુપ ધાનક પહેલા જ પાર્ટી સાથે છેડો ફાડી ચૂક્યા છે જ્યારે અન્ય વિધાનસભ્યોએ આજે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ ધારાસભ્યો હવે ભાજપ અથવા કોંગ્રેસ સાથે જોડાય શકે છે.

આ પણ વાંચો: ઇંતઝાર થયો ખતમ… જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કા, હરિયાણામાં એક તબક્કામાં ચૂંટણી

દુષ્યંત ચૌટાલાના નેતૃત્વ વાળી જેજેપી માટે હવે કપરી સ્થિતિ થઈ ગઈ છે કારણ કે વિધાનસભામાં પાર્ટીની સ્થિતિ ઘણી નબળી થઈ ચૂકી છે. જેજેપીએ પહેલાથી જ અન્ય બે ધારાસભ્યો – રામનિવાસ સૂરજકેહરા અને જોગી રામ સિહાગને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી. આ બંનેએ લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપની તરફેણમાં પ્રચાર કર્યો હતો. આ સિવાય નારનૌદના ધારાસભ્ય રામકુમાર ગૌરામે પણ પાર્ટી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. આમ, જેજેપી પાસે હવે માત્ર ત્રણ વફાદાર ધારાસભ્યો બચ્યા છે, જેમાં દુષ્યંત ચૌટાલા, તેમની માતા નયના ચૌટાલા અને અમરજીત ધાંડાનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: Election 2024 : ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીને લઇને કવાયત તેજ કરી

હિસારના ઉકલાનાના ધારાસભ્ય અનુપ ધાનક અગાઉ ભાજપ-જેજેપી ગઠબંધનમાં હરિયાણા સરકારમાં મંત્રી હતા. આ વખતે તેઓ ભાજપનો કેસરીયો ધારણ કરે તેવી શક્યતા છે. ફતેહાબાદના તોહાનાથી ધારાસભ્ય દેવેન્દ્ર બાબલી, કૈથલ જિલ્લાના ગુહલા ચિક્કાથી ધારાસભ્ય ઈશ્વર સિંહ, કુરુક્ષેત્રના શાહબાદથી ધારાસભ્ય રામકરણ કાલા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રામકરણ કાલા અને ઈશ્વર સિંહના પુત્રો કોંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે, જ્યારે દેવેન્દ્ર બબલીએ લોકસભા ચૂંટણીમાં હરિયાણા કોંગ્રેસના નેતા કુમારી શૈલજા માટે પ્રચાર કર્યો હતો.

આ પણ વાંચો: બે વર્ષમાં સાતમી વાર રામ રહીમ ફર્લો પર જેલ બહાર, હરિયાણાની ચૂંટણી સાથે કોઈ સંબંધ?

હરિયાણામાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ જનનાયક જનતા પાર્ટીમાં નાસભાગ મચી ગઈ હતી. જેજેપીના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ નિશાન સિંહ સહિત ઘણા નેતાઓએ જેજેપીને રામરામ કહી દીધા હતા. હવે વિધાનસભાની ચૂંટણી પહેલા જ તેમને ઝટકો લાગ્યો છે. દરમિયાન જ્યારે 24 કલાકની અંદર જેજેપીના ચાર ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી, ત્યારે રાજ્ય કાર્યાલય સચિવ રણધીર સિંહે કહ્યું કે જે ધારાસભ્યો પાર્ટી છોડીને અન્ય પક્ષોમાંથી જેજેપીમાં આવ્યા છે. આ તમામ ધારાસભ્યોને અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે નોટિસ આપવામાં આવી હતી. આ ધારાસભ્યોનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button