પુઢચ્યા વર્ષી લવકર યા: આખરે 23 કલાક બાદ લાલબાગ ચા રાજાનું વિસર્જન
અશ્રુભીની આંખે ભક્તો અને કાર્યકર્તાએ આપી બાપ્પાને વિદાય
મુંબઈ: ગઈકાલે એટલે કે 28મી સપ્ટેમ્બરના સવારે 10 વાગે મંડપમાંથી બહાર નીકળેલા લાલબાગ ચા રાજાનું 23 કલાક બાદ આજે સવારે ગિરગાંવ ચોપાટી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. બાપ્પાને તેમના ભક્તો અને મંડળના કાર્યકર્તાઓએ ગિરગાંવ ચોપાટી ખાતે મહાઆરતી કરીને ભીની આંખે વિદાય આપી હતી. બાપ્પાના વિસર્જન વખતે ચોપાટી પર માનવ મહેરામણ ઉમટયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે લાલબાગ ચા રાજાને વિદાય આપવા હજારોની સંખ્યામાં ભક્તો આવે છે કારણ કે એવી માન્યતા છે કે તેઓ માનતાના ગણપતિ છે. અન્ય સાર્વજનિક ગણેશોત્સવ મંડળના કાર્યકરો પણ આ શોભાયાત્રામાં ભાગ લે છે અને આ જ કારણે લાલબાગ ચા રાજાની શોભાયાત્રામાં પુષ્કળ ભીડ જોવા મળે છે. શોભાયાત્રામાં ભાગ ન લઈ શકતા અનેક ભક્તો બાપ્પાના દર્શન કરવા માટે ગિરગાંવ ચોપાટી પર પહોંચી જાય છે.
દસ દિવસ સુધી બાપ્પાની ભક્તિભાવપૂર્વક સેવા કર્યા બાદ 28મી સપ્ટેમ્બરે લાલબાગ ચા રાજાની શોભાયાત્રા ધામધૂમથી નીકળી હતી.
બાપ્પાને વિદાય આપવા ભક્તોની સાથે સાથે મેઘરાજા પણ પધાર્યા હતા. ગઈકાલે મુંબઈમાં પડેલાં મુશળધાર વરસાદના વચ્ચે પણ ભક્તોએ બાપ્પાના વિસર્જનમાં ભાગ લીધો હતો. જેના કારણે લાલબાગ, પરેલ, ભાયખલા સહિત ગિરગાંવ ચોપાટી તરફ જતા તમામ રસ્તાઓ પર માનવ મહેરામણ જોવા મળ્યો હતો. લાલબાગ ચા રાજાની છેલ્લા 23 કલાકથી નીકળેલી શોભાયાત્રામાં ભાગ લેનારા ભક્તોનો ઉત્સાહ બિલકુલ પણ ઓસર્યો નહોતો.
“જ્યારે ઘરની વ્યક્તિ વિખૂટી પડે છે ત્યારે જેટલું દુઃખ થાય છે એટલું જ દુઃખ આજે અમને થઈ રહ્યું છે. બાપ્પાની નયનરમ્ય મૂર્તિ, સુંદર અને પ્રેમાળ ચહેરો દસ દિવસ સુધી દરરોજ અમારી સાથે હોય છે અને હવે આ ચહેરો ફરી એક વર્ષ બાદ જોવા મળશે. અત્યારે દરેકની આંખો ભીની છે અને દિલ ભારે થઇ ગયું છે, એવી પ્રતિક્રિયા મંડળના પ્રમુખ બાળાસાહેબ કાંબલી દ્વારા આપવામાં આવી હતી.