યુપીમાં હત્યા કરી ફરાર બે ભાઈઓ સાત વર્ષ બાદ થાણેમાં પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: ઉત્તર પ્રદેશમાં હત્યાના કેસમાં સંડોવાયેલા બે ભાઈઓને સાત વર્ષ બાદ થાણેમાંથી એન્ટી એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ પકડી પાડ્યા હતા.
પકડાયેલા બન્ને આરોપીની ઓળખ મોનુ ઉર્ફે વિભાસ ઉર્ફે પ્રશાંત કપિલ શુક્લા (30) અને રજત ઉર્ફે પ્રભાસ કપિલ શુક્લા (26) તરીકે થઈ હતી. બન્ને આરોપીને વધુ કાર્યવાહી માટે ઉત્તર પ્રદેશ પોલીસના તાબામાં સોંપાયા હોવાનું થાણે ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર શિવરાજ પાટીલે જણાવ્યું હતું.
યુપીના પ્રયાગરાજ જિલ્લાના મેજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા બે આરોપી થાણેના વસંત વિહાર પરિસરમાં સંતાયા હોવાની માહિતી યુપી એસટીએફને મળી હતી. યુપી એસટીએફે આ અંગે થાણે પોલીસને જાણ કરી આરોપીઓને તાબામાં લેવા મદદ માગી હતી.
થાણેની એન્ટી એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ મોબાઈલ લૉકેશનને આધારે શુક્રવારે બન્ને આરોપીને વસંત વિહાર પરિસરમાંથી તાબામાં લીધા હતા. બન્ને ભાઈએ 2017માં યુપીમાં શંકર શુક્લા નામના શખસની હત્યા કરી હોવાનું યુપી પોલીસનું કહેવું છે. હત્યા બાદ બન્ને આરોપી ફરાર હતા અને એસટીએફ તેમની શોધ ચલાવી રહી હતી.