પ્રીતિ ઝિન્ટા પોતાની જ ટીમના સહ-માલિક સામે અદાલતમાં ગઈ, પણ શા માટે?
ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના 17 વર્ષના ઇતિહાસમાં એક પણ ટાઇટલ ન જીતી શકનાર પંજાબ કિંગ્સ ટીમના ફ્રૅન્ચાઇઝીમાં ટોચના સ્તરે કંઈક ગરબડ ચાલી રહી છે. એક અહેવાલ મુજબ જાણીતી બૉલીવૂડ-અભિનેત્રી અને આ ફ્રૅન્ચાઇઝીની કો-ઓનર પ્રીતિ ઝિન્ટા એક સહ-માલિક સામે કાનૂની પગલાં ભરવા અદાલતમાં ગઈ છે.
પ્રીતિ ઝિન્ટા પંજાબ કિંગ્સના ફ્રૅન્ચાઇઝીમાં 23 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે, જ્યારે સૌથી વધુ 48 ટકા ભાગ મોહિત બર્મન પાસે છે. બર્મન ફ્રૅન્ચાઇઝીના ડિરેકટરોના બોર્ડમાં પણ છે.
મોહિત બર્મન પોતાના કેટલાક શૅર (અંદાજે 11.5 ટકા હિસ્સો) અન્ય ઇન્વેસ્ટર્સને વેચી રહ્યા હોવાની જાણ થતાં પ્રીતિ ઝિન્ટાએ તેમને એવું કરતા રોકવા ચંડીગઢની વડી અદાલતનો દરવાજો ખટખટાવ્યો છે. પ્રીતિએ બર્મન વિરુદ્ધમાં અપીલ નોંધાવી છે.
એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટના અહેવાલમાં જણાવાયું હતું કે પ્રીતિ ઝિન્ટા ઇચ્છે છે કે મોહિત બર્મને અન્ય કોઈ પાર્ટીને પોતાના શૅર ન વેચવા જોઈએ.
પ્રીતિ ઝિન્ટાએ આર્બિટ્રેશન ઍન્ડ કૉન્સિલિયેશન ઍક્ટ-1996ની કલમ-9 હેઠળ મોહિત બર્મનની વિરુદ્ધમાં પીટિશન નોંધાવી છે. એમાં પ્રીતિએ માગણી કરી છે કે તેની અને બર્મન વચ્ચે જે વિવાદ અને મતભેદો છે એ સંબંધમાં સમાધાનરૂપી દિશા સૂચવતા વચગાળાના પગલાં લેવા જોઈએ.
વેબસાઇટના રિપોર્ટમાં જણાવાયું છે કે જો ટીમના કોઈ સહ-માલિક આ ટીમમાંનો કોઈ ઇક્વિટી હિસ્સો વેચવા માગે તો પહેલાં તેમણે વર્તમાન પ્રમોટર્સને જાણ કરવી જોઈએ અને તેમની જરૂરી મંજૂરી લીધા પછી વેચાણ માટેની પ્રક્રિયા આગળ વધી શકે.
આ કેસમાં 20મી ઑગસ્ટે સુનાવણી થશે.
ટીમના અન્ય બે સહ-માલિકમાંથી નેસ વાડિયાનો 23 ટકા હિસ્સો છે, જ્યારે બાકીનો નાનો હિસ્સો કરણ પૉલ પાસે છે.