Ladki Bahen Yojna: 1 કરોડ રાખડીઓ મોકલાવાશે ‘લાડકા ભાઇ’ એકનાથ શિંદેને!
લાડકી બહેન યોજનાનો વિરોધ કરનારાઓને એકનાથ શિંદેએ આપી આ ચેતવણી.. .
મુંબઈ: મહારાષ્ટ્રની આર્થિક રીતે નબળા કુટુંબની મહિલાઓને મદદરૂપ થવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતી તેમ જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ‘ગેમ ચેન્જર’ સાબિત થઇ શકે તેવી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાને શનિવારે સત્તાવાર રીતે અમલમાં લાવવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેે પુણે ખાતે આ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ જો જનતા ફરીથી મહાયુતિની સરકારને ચૂંટી લાવશે તો મહિલાઓને આ યોજના અંતર્ગત મળતી માસિક 1,500 રૂપિયાની રકમ બમણી કરીને 3,000 રૂપિયા કરવામાં આવશે, તેવી જાહેરાત પણ શિંદેએ કરી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સસ્પેન્સ અકબંધ, કમિશને શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે સોમવારે ભાઇ-બહેનના પવિત્ર સંબંધનો પાવન તહેવાર રક્ષાબંધન ઉજવાશે અને તે પહેલા જ પાત્ર મહિલાઓના બૅન્ક ખાતામાં ડીબીટી ડાયરેક્ટ બૅન્ક ટ્રાન્સ્ફર (ડીબીટી) દ્વારા શનિવારે આ યોજના અંર્તગત મળનારા 1,500 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.
વિપક્ષ શું જાણે 1,500 રૂપિયાની કિંમત?
આ યોજનાનો વિરોધ કરનારા વિપક્ષ સામે આક્રમક થતા શિંદેએ જણાવ્યું હતું કે વિપક્ષ ક્યારેય પણ આ 1,500 રૂપિયાનું મહત્ત્વ નહીં સમજી શકે. તેઓ ક્યારેય ગરીબી શું છે એ નહીં સમજી શકે. અમે સોનાની ચમચી મોંમાં લઇને જન્મ લેનારાઓમાંના નથી. મહાવિકાસ આઘાડી અઢી વર્ષ સત્તામાં હતી. શું તેમણે મહિલાઓને એકપણ રૂપિયો આપ્યો? બાકી જે કરવું હોય તે કરજો, કોઇપણ મુદ્દે વિરોધ કરવો હોય તે કરજો, પણ આ યોજના વિશે કોઇ સળી કરતા નહીં. બહેનના હિતના આડે કોઇ નહીં આવતા. અમે ભાઇ તરીકે(બહેનોના હિતની રક્ષા માટે) સક્ષમ છીએ.
લાડકા ‘ભાઇ’ શિંદેને એક કરોડ રાખડીઓ!
લાડકી બહેન ઉપરાંત એકનાથ શિંદે સરકાર દ્વારા અન્નપૂર્ણા જેવી યોજનાઓ મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત તેમને વર્ષના ત્રણ રાંધણ ગેસ મફત આપવામાં આવશે. રાજ્યની અઢી કરોડથી વધુ મહિલાઓને આ યોજનાઓનો લાભ થશે. આ યોજનાઓથી મહિલાઓના થનારા સશક્તિકરણના મહત્ત્વને સમજી સેલ્ફ હેલ્પ ગ્રુપ(સ્વયંસેવી સંસ્થા)ઓની મહિલાઓ દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એક કરોડ રાખડીઓ રક્ષાબંધન નિમિત્તે મોકલવામાં આવશે.