‘લગાન ફિલ્મમાં ચમકેલી કાઠિયાવાડી નસલની ઘોડી ‘રેખા’ 33 વર્ષની આયુએ અડીખમ

ભુજ: વર્ષ 2001માં રિલીઝ થયેલી આમીર ખાન અભિનીત અને આશુતોષ ગોવારિકર દ્વારા નિર્દેશિત સુપરહિટ હિન્દી ફિલ્મ લગાનમાં જોવા મળેલી કાઠિયાવાડી નસલની ‘રેખા’ નામની ઘોડીએ પોતાના જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કર્યાં છે. પશ્ચિમ કચ્છ પોલીસની માઉન્ટેડ બટાલિયનમાંથી સેવા નિવૃત્ત થયેલી રેખા આજદિન સુધી બીમાર પડી નથી અને ૩૨ વર્ષની આયુએ પણ એકદમ સ્વસ્થ છે.
અત્યારે ઘરના વડીલ સભ્ય જેમ તેનું જતન કરી રહેલા પશ્ચિમ કચ્છ પોલીસની માઉન્ટેડ બટાલિયનના પી.એસ.આઈ લલિત મકવાણાએ જણાવ્યું હતું કે, જ્યારે ઓસ્કારમાં નામાંકન મેળવનારી લગાન ફિલ્મનું શૂટિંગ ભુજ તાલુકાના કુનરિયા ગામમાં ભાતીગળ ગ્રામ્ય શૈલીમાં બનાવાયેલા સેટમાં ચાલી રહ્યું હતું એ સમયે અહીંથી પાંચ જેટલા અશ્વોને સ્ક્રીન ટેસ્ટ બાદ પસંદ કરીને લઈ જવામાં આવ્યા હતા.
અશ્વોને ભાનુ અથૈયા નામના કોસ્ચ્યુમ ડિઝાઇનરે તૈયાર કરેલાં બ્રિટિશ રોયલ આર્મી જેવા ખાસ પોશાકો પહેરાવવામાં આવ્યા હતા. સફેદ રંગની ઠાવકી રેખાને લગાનમાં બ્રિટિશ રાજકુમારી એલિઝાબેથની અંગત ઘોડી તરીકે ચમકવાનો મોકો મળ્યો હતો. માઉન્ટેડ યુનિટના એ.એસ.આઇ કનકસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે, આમિર ખાન ક્યારેક શૂટિંગ બાદ અહીં માઉન્ટેડ યુનિટ હેડ ક્વાર્ટર ખાતે આવીને રેખા સહિતના અન્ય અશ્વોને પોતાના હાથે ગોળ ખવડાવતા હતા, જયારે બ્રિટનની રાજકુમારી એલિઝાબેથ તરીકે અભિનય કરનારા રેચલ શૈલી પણ રેખાને ભાવતો કચ્છી માવો પોતાના હાથે ખવડાવતાં.

ધરતીકંપના થોડા મહિનાઓ બાદ લગાનનો જ્યારે ભુજના સુરમંદિર સિનેમાઘરમાં પ્રીમિયર શો યોજાયો હતો ત્યારે આમિર ખાને અહીં આવીને સ્ટાફના તમામ લોકોને આમંત્રણ આપ્યું હતું અને તમામ લોકોએ સાથે બેસીને આ ફિલ્મ માણી હતી. મેકિંગ ઓફ લગાન નામની ડોક્યુમેન્ટ્રીમાં પણ આપણાં ઘોડાઓનો ખાસ ઉલ્લેખ કરાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
રેખાને વર્ષ 1995માં પશ્ચિમ કચ્છના માઉન્ટેડ યુનિટમાં લાવવામાં આવી હતી અને 2017માં સેવાનિવૃત્તિ આપવામાં આવી હતી. ૨૨ વર્ષ સુધી પેટ્રોલિંગ, પેન્ટ પેંગિંગ બેરક રેસ તથા અન્ય ઓપરેશનમાં ભાગ લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે અશ્વની વયમર્યાદા 20થી 30 વર્ષની હોય છે પરંતુ ઈશ્વરકૃપાથી કોઈ જ પ્રકારની બીમારી વગર જીવતી રેખાએ 33 વર્ષ પૂર્ણ કરતાં કેક કાપી સાદાઈપૂર્વક જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. રેખાની આગળની પેઢીઓ જેમાં મંગળા અને મંગળાની બે ઘોડી સાઇના અને શ્યામલી પણ બટાલિયનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે.
અત્રે નોંધનીય છે કે, ઓસ્કારમાં નામાંકિત થયેલી, આમિર ખાન અને ગ્રેસી સિંઘ દ્વારા અભિનીત અને આશુતોષ ગોવારિકર દ્વારા નિર્દેશિત ફિલ્મ લગાનનું શૂટિંગ કુનરિયા, ભુજના પ્રાગમહેલ અને માંડવી તાલુકાના કાઠડાના રમણીય દરિયા કિનારે આવેલા વિજય વિલાસ પેલેસ ખાતે થયું હતું.
કચ્છના અનેક સ્થાનિક લોકોને ફિલ્મમાં અભિનય માટે મોકો મળ્યો હતો.
ફિલ્મમાં 15થી વધુ વિદેશી કલાકારો હતા. 1999ના ડિસેમ્બર માસમાં ફિલ્મનું સમગ્ર યુનિટ ભુજના જાદવજી નગરમાં આવેલાં અને ભૂકંપમાં જમીનદોસ્ત થયેલાં સહજાનંદ ટાવર્સમાં રોકાયું હતું કારણ કે એ વખતે ભુજ શહેરમાં એકસાથે આટલા બધા લોકોને સમાવી શકે એવી એક પણ હોટલ-લોજ હતી જ નહિ!.