વિનેશને 53 કિલોના બદલે 50 કિલોમાં વર્ગમાં ભાગ લેવો પડ્યો, મજબૂરી કે ષડયંત્ર?
નવી દિલ્હી: વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા રેસલિંગની 50 કિગ્રા વર્ગમાં ભાગ લીધો હતો, ફાઈનલ મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવમાં આવી હતી. પરંતુ સામાન્ય રીતે વિનેશનું વજન 55-56 કિલો હોય છે, વિનેશ તેની કારકિર્દીમાં મોટાભાગે 53 કિગ્રા વર્ગમાં ભાગ લીધો હતો. તેના માટે તેનું 53 કિલો વજન નિયંત્રણમાં રાખવું સરળ છે, તેમ છતાં તેણે પેરિસ ઓલિમ્પિકની 50 કિલો વજનની શ્રેણીમાં ભાગ લેવાની ફરજ પડી હતી, જેની પાછળ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડયા(WFI)નો નિર્ણય જવાદાર હોવાના અહેવાલ મળ્યા છે.
તારીખ 12 માર્ચ, 2024ના રોજ પટિયાલાના નેશનલ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં રેસલિંગ માટે ટ્રાયલ યોજાયા હતા. એ ટ્રાયલમાં, વિનેશે 53 કિગ્રા તેમજ 50 કિગ્રા વર્ગના ટ્રાયલમાં ભાગ લીધો હતો. તે સમયે વિનેશે 50 કિગ્રા વજન વર્ગમાં ટ્રાયલ જીતી હતી, જ્યારે 53 કિગ્રા વર્ગમાં ટોપ-4માં રહી હતી.
ટોપ-4માં હોવાનો મતલબ એ નથી કે વિનેશ 53 કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય ન કરી શકે. નિયમ મુજબ ટોપ-4માં સ્થાન મેળવનારા રેસલર્સ વચ્ચે સ્પર્ધાઓ યોજાય છે, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રેસલરને ઓલિમ્પિકમાં મોકલવામાં આવશે. આનો અર્થ એ થયો કે વિનેશ 53 કિગ્રા વર્ગમાં પણ ભાગ લઈ શકી હોત, પરંતુ નિયમોની અસ્પષ્ટતાને કારણે, વિનેશ કદાચ મૂંઝવણની સ્થિતિમાં હતી.
આ પણ વાંચો : દિલ્હીમાં વિનેશ ફોગાટનું ચેમ્પિયનની જેમ સ્વાગત, બજરંગ અને સાક્ષીને ગળે મળીને રડી પડી
2023 રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અંતિમ પંખાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેડલ જીતવાનો મતલબ એ નથી કે અંતિમ પંખાળને પેરિસ ઓલિમ્પિકમાં સીધો પ્રવેશ મળે. ભારતીય રેસલિંગ ફેડરેશનના નિયમો અનુસાર, ટ્રાયલમાં ટોપ-4માં આવનાર રેસલર્સ વચ્ચે મેચ થાય છે. આવી સ્થિતિમાં, પંખાલને ટ્રાયલ મેચમાં વિનેશનો સામનો કરવો પડ્યો હોત, પરંતુ પછી WFIની મીટિંગ થઈ.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ની એક બેઠક યોજાઈ, ઓલિમ્પિકના થોડા સમય પહેલા સંજય સિંહને નવા પ્રમુખ બનાવવામાં આવ્યા. દરમિયાન, WFI એ જાહેરાત કરી હતી કે પેરિસ ઓલિમ્પિક માટે રેસલિંગ ટ્રાયલ લેવામાં આવશે નહીં. જેના કારણે અંતિમ પંખાલને પેરિસ ઓલિમ્પિકની 53 કિગ્રા વર્ગની સ્પર્ધામાં ક્વોટાને કારણે સીધી એન્ટ્રી મળી હતી.
આવી સ્થિતિમાં વિનેશ પાસે બે વિકલ્પ હતાં કાં તો 50 કિગ્રા અથવા 57 કિગ્રા કેટેગરી પસંદ કરે. વિનેશે 50 કિલો વર્ગ પસંદ કર્યો. વિનેશ ફોગાટ ટ્રાયલ્સની ન થવાને કારણે મૂંઝવણમાં હતી.