ખેડૂતો માટે દર મહીને યોજાશે ‘કિસાન કી બાત’, જાણો કેન્દ્ર સરકારની નવી પહેલ વિષે
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી દેશના ખેડૂતોમાં વ્યાપેલો રોષ ખુલીને બહાર આવી રહ્યો છે, છેલ્લા સમયમાં ઘણા ખેડૂત આંદોલનો થઇ ચુક્યા છે. એવામાં દેશના ખેડૂતોની સમસ્યાઓને ઉકેલવા કેન્દ્ર સરકાર(central government) એક અનોખી પહેલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ મહિનાના દરેક છેલ્લા ગુરુવારે દેશના દરેક જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ખાતે ‘કિસાન કી બાત’ (Kishan ki baat)નું આયોજન કરવામાં આવશે. સૂત્રોએ આ યોજના અંગે માહિતી આપી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરથી શરૂ થશે. વડાપ્રધાન આવતા મહિને ‘કિસાન કી બાત’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી શકે છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં આમંત્રિત ખેડૂતો સાથે વાતચીત કરતા અને નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમ (NPSS)ના લોન્ચિંગ પ્રસંગે ગુરુવારે કહ્યું હતું કે અમારું કામ છે ખેડૂતો અને વૈજ્ઞાનિકોને જોડવાનું, ઘણી વખત ખેડૂતોને જાણ હોતી નથી, તેથી તેઓ ખોટા જંતુનાશકોનો ઉપયોગ કરે છે.
કૃષિ પ્રધાને એમ પણ કહ્યું હતું કે ખેડૂતોને વિજ્ઞાનનો લાભ મળે તે માટે અમે મહિનામાં એકવાર કિસાન કી બાત નામનો કાર્યક્રમ શરૂ કરીશું. તેમાં વૈજ્ઞાનિકો, કૃષિ વિભાગના હાજર રહેશે, ખેડૂતોને જે વિષે જરૂરી હોય તેની માહિતી આપવામાં આવશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રને ખેડૂતો સાથે સંપૂર્ણપણે જોડવાની જરૂર છે. ખેડુતોને તુરંત વૈજ્ઞાનિક લાભ મળે તે માટે કામગીરી કરવામાં આવશે.
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) હેઠળ સમગ્ર દેશમાં 731 કરતાં વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) કાર્યરત છે. આ કેન્દ્રો દેશના લગભગ દરેક જિલ્લામાં છે. સૂત્રોએ જણાવ્યું કે દરેક જિલ્લાના KVK ખાતે મહિનાના દરેક છેલ્લા ગુરુવારે ‘કિશાનકી બાત’નું આયોજન કરવામાં આવશે.