ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે, આ યોજનાઓની ભેટ આપશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ (Amit Shah) આવતીકાલ 18મી ઓગસ્ટ રવિવારે ગુજરાતની મુલાકાતે આવશે. રવિવારે શહેરને લગતા અંદાજે રૂ. 1003 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કામોમાં ઓક્સિજન પાર્ક, સ્વિમિંગપૂલ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ડોર-ટુ-ડોર કચરો ઉપડાતી નવી વાનને પણ અમિત શાહ ફ્લેગઓફ કરાવશે. વિવિધ સ્કૂલ-આંગણવાડીના બિલ્ડિંગનું લોકાર્પણ કરાશે.
પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરશે:
આ દરમિયાન તેઓ પડોશી દેશોના હિંદુ ઈમિગ્રન્ટ્સને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ ભારતીય નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરશે. આ સમારોહ બોડકદેવમાં આવેલા પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે યોજાશે. આ નાગરિકતા પ્રમાણપત્રો એવા વ્યક્તિઓને આપવામાં આવશે કે જેમણે પોતાના દેશમાં સતાવણીને કારણે ભારતમાં આશ્રય માંગ્યો છે.
ઓક્સિજન પાર્કનું પણ ઉદ્ઘાટન:
મુલાકાત દરમિયાન અમિત શાહ અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર વિકસાવવામાં આવેલા મનપાના ઓક્સિજન પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે, આ ઓક્સિજન પાર્કમાં અંદાજે 27,200 ચોરસ મીટર વિસ્તારમાં 1,67,000 થી વધુ વિવિધ પ્રકારના ફૂલો અને મોટા વૃક્ષો છે. આ પછી મકરબામાં અમદાવાદ મનપા દ્વારા બનાવવામાં આવેલા જીમ અને સ્વિમિંગ પૂલનું ઉદ્ઘાટન કરશે.
આ પણ વાંચો: Partition Horrors Remembrance Day: વડા પ્રધાન મોદી અને અમિત શાહે ભાગલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી
લગભગ 11:15 વાગ્યે અમિત શાહ, પ્રહલાદ નગરમાં આયોજિત સમારોહમાં AMCની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરશે. ઉદ્ઘાટન બાદ અમિત શાહ જાહેરસભાને પણ સંબોધશે અને AMC દ્વારા વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 13મી ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં હતા. તેમણે અમદાવાદ સ્થિત વિશાળ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ તિરંગાયાત્રાને સંબોધન પણ કર્યું હતું.