લખનઉમાં મોટી દુર્ઘટના, જોરદાર ધમાકા સાથે મલ્ટિ લેવલ પાર્કિંગ ફ્લોર ધરાશયી થયો
પિતા-પુત્રીના મોત
લખનઊઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં નિર્માણાધીન મલ્ટિલેવલ પાર્કિંગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, મલ્ટિ લેવલ પાર્કિંગ ફ્લોર ધરાશયી થઇ ગયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. આ મલ્ટી લેવલ કાર પાર્કિંગનો ભાગ અચાનક જ ધરાશયી થતાં નજીકમાં રહેલી મજૂરોની ઝૂંપડીઓ તેની અડફેટે આવી ગઈ હતી અને અનેક લોકો કાટમાળની નીચે દટાઈ ગયા હતા.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર બિગેડ તથા એસડીઆરએફની ટીમોને પણ બોલાવવામાં આવી હતી. તેમણે તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માંડ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દુર્ઘટનામાં એક પુરુષ મુકાદમ અને તેની બે મહિનાની બાળકીનું મૃત્યુ થયું હતું. પોલીસે માહિતી આપી હતી કે સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આ અકસ્માત લખનૌ પીજીઆઈ પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર 12માં થયો હતો. અહીં કાલિંદી પાર્ક પાસેના અંતરીક્ષ એપાર્ટમેન્ટમાં મલ્ટીલેવલ પાર્કિંગનું કામ ચાલી રહ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ રાત્રીના અંધારામાં બુલડોઝરની મદદથી ખોદકામ ચાલી રહ્યું હતું. આ સમય દરમિયાન, બાંધકામ હેઠળના એપાર્ટમેન્ટનો એક ભાગ નજીકના ઝૂંપડા પર પડ્યો હતો, જેમાં પિતા અને પુત્રીનું મોત નીપજ્યું હતું.
આ અંડર કન્સ્ટ્રક્શન મલ્ટી લેવલ પાર્કિંગ ની નજીકમાં અનેક એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. અકસ્માત બાદ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. અકસ્માતના પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.