આપણું ગુજરાતગાંધીનગર

ગુજરાત સરકાર સફાળી જાગી; હવે મંજુરી વગર સરકારી કર્મચારીઓ વિદેશ નહીં જઈ શકે

ગાંધીનગરઃ તાજેતરમાં ગુજરાતની સરકારી શાળાઓના શિક્ષકો વિના મંજૂરીએ વિદેશ પ્રવાસે હોવાનું શિક્ષણ વિભાગનું કૌભાંડ બહાર આવ્યા બાદ સરકારી વિભાગો એલર્ટ થયા છે. જેમાં રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, નર્મદા અને કલ્પસર વિભાગ દ્વારા અધિકારી-કર્મચારીઓને વિદેશ પ્રવાસ કરવાનો હોય તેની તારીખના એક મહિના પહેલા રજાની NOC (No Objection Certificate) લેવા સૂચના જાહેર કરવામાં આવી છે. આ સમયમર્યાદા પછી જો રજાની દરખાસ્ત આવશે તો મંજૂર કરાશે નહીં તેવી ચીમકી પણ અપાઇ છે.

પરિપત્ર છતા NOCનું પાલન ચૂસ્તપણે કરાતું નથી:
રાજ્યામાં સરકારી કર્મચારી-અધિકારીઓ માટે 2016ના પરિપત્રથી વિદેશ પ્રવાસ માટે પૂર્વ મંજૂરી અને એનઓસી લેવા માટેની કાર્ય પધ્ધતિ નિયત કરાઇ છે. પરંતુ તેનું પાલન ચૂસ્તપણે કરાતું નહીં હોવાની જળસંપત્તિ વિભાગે નોંધ લીધી છે. સાથી પોર્ટલમાં અધિકારી-કર્મીઓ વિદેશ પ્રવાસ માટે ઓનલાઇન કાર્યવાહી કરે તો તેમાં જરૂરી દસ્તાવેજ ઓનલાઇન બિડાણ કરાતા નથી. કર્મીઓએ તેમના વિદેશ પ્રવાસની તારીખથી ઓછામાં ઓછા એક મહિના પહેલા દરખાસ્ત વિભાગને મોકલવાની રહે છે, તેમ છતાં તે સમય મર્યાદામાં દરખાસ્ત મોકલાતી નથી. ટૂંકા સમયગાળા પહેલા કે વિલંબથી દરખાસ્ત મળતી હોય છે. તેના કારણે જરૂરી કાર્યવાહી થતી નથી અને એનઓસી પણ આપી શકાતી નથી.

ઓનલાઇન દરખાસ્ત અધૂરી હશે તો પરત કરાશે:
આ બાબતને ધ્યાનમાં લઇને વિભાગ દ્વારા સાથી સોફ્ટવેર અંતર્ગત કાર્યવાહી કરતા તમામ કર્મચારીઓએ ફરજીયાતપણે તેના માધ્યમથી વિદેશ પ્રવાસ અને પાસપોર્ટ એનઓસી માટે અરજી કરવાની રહેશે તેવી સૂચના આપી છે. તે સાથે જ જરૂરી દસ્તાવેજો ઓનલાઇન બિડાણ કરવા અને દરખાસ્ત અધૂરી હશે તો પરત કરાશે તેમ પણ જણાવ્યું છે. રજાની તારીખના એક મહિના પહેલા વિભાગ પાસેથી રજાની મંજૂરી લેવા અને કચેરીને જાણ કરવા તાકિદ કરી છે. સાથે સંબંધિત કચેરીઓને જે તે અધિકારી કે કર્મચારીની વિદેશ પ્રવાસની દરખાસ્ત આવે તેના પાસપોર્ટ એનઓસી સહિતની વિગતોને કાળજીપૂર્વક ચકાસીને વિભાગને મંજૂરી મોકલવા માટે પણ જણાવાયું છે. આગામી સમયમાં વિદેશ પ્રવાસ અને પાસપોર્ટ એનઓસીના મોડ્યુલ્સ કર્મયોગી પ્લેટફોર્મ પર આવરી લેવામાં આવે ત્યારે તેની ઉપર પણ આ રીતે કાર્યવાહી કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button