આમચી મુંબઈ

પાણીની સમસ્યાનો તાકીદે નિકાલ કરો: કમિશનરનો આદેશ; પાણી માટે ૧૯૧૬ નંબર પર ફરિયાદ કરી શકાશે

ગેરકાયદે રીતે બેસાડેલા પંપ અને મોટરને શોધવા ટીમ બનાવાવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈના અનેક વિસ્તારોમાં અપૂરતું અને ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થઈ રહ્યો હોવાની ફરિયાદની ગંભીર દખલ લઈને સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ અધિકારીઓને પાણીના સંદર્ભની ફરિયાદનો તાત્કાલિક નિકાલ લાવવાનો નિદેર્શ આપ્યો છે, સાથે જ મુંબઈગરાને પાણીને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો ૧૯૧૬ નંબરની હેલ્પ લાઈન પર ફોન કરવાની અપીલ પણ તેમણે કરી છે. તેમજ મુંબઈમાં અનેક જગ્યાએ ગેરકાયદે રીતે બેસાડવામાં આવેલા મોટર પંપ અને નળના ગેરકાયદે જોડાણને શોધવા માટે સ્પેશિયલ ટીમ પણ બનાવવાનો આદેશ તેમણે આપ્યો હતો.

જુલાઈ મહિનામાં પડેલા મુશળધાર વરસાદને પગલે જળાશયોમાં પાણીનું સ્તર ૯૩ ટકાએ પહોંચી ગયું છે અને મુંબઈગરાનું આખા વર્ષનું પાણીનું સંકંટ ટળી ગયું છે. જળાશયોમાં અધધ પાણી હોવા છતાં મુંબઈમાં અનેક જગ્યાએ લાંબા સમયથી ઓછું પાણી મળી રહ્યું હોવાની સતત ફરિયાદ આવી રહી છે. તેથી પાલિકા કમિશનરે નાગરિકોની ફરિયાદની નોંધ લઈને તમામ ફરિયાદનો તાત્કાલિક નિકાલ લાવવાનો આદેશ આપ્યો છે.

મુંબઈમાં પાણીનું ગળતર, પાણીની અછત જેવી સતત ફરિયાદો આવી રહી છે. તેથી પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ પાલિકાના પાણીપુરવઠા વિભાગ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. એ દરમિયાન અધિકારીઓને તેમણે પાઈપલાઈનમાં થઈ રહેલા ગળતરને શોધવાનો, ગળતરને શોદી કાઢીને આવશ્યક ઠેકાણે વધારાના મનુષ્યબળનો ઉપયોગ કરવાનો, અલગ અલગ શિફ્ટમાં કર્મચારીઓની નિમણૂક કરવાનો તથા પાણીનું ગળતર મળ્યા બાદ તેને તાત્કાલિક દૂર કરવાનો આદેશ પણ તેમણે આપ્યો છે.

નાગરિકોના પાણીની સંદર્ભની ફરિયાદને મુદ્દે કમિશનર ભૂષણ ગગરાણી અધિકારીઓને અનેક પગલાનો આદેશ આપ્યો છે, જેમાં સંભવિત ગળતર રોકવા અને ગેરકાયદે રીતે વાપરવામાં આવતા મોટર પંપના ઉપયોગને રોકવો તેમ જ દૂષિત પાણીના સ્રોતને શોધવા પર ભાર આપવાનું કહેવામાં આવ્યું છે. ગેરકાયદે મોટર પંપ અને ગેરકાયદે નળના જોડાણ શોધી કાઢવા માટે ટીમ બનાવવા તથા ગેરકાયદે રીતે જોડવામા આવેલા મોટર પંપને જપ્ત કરીને દંડાત્મક કાર્યવાહી કરવાનો આદેશ પણ કમિશનરે આપ્યો છે. તેમ જ નાગરિકોને તેમના ઘરમાં તથા પરિસરમાં રહેલા નળમાંથી ઓછા દબાણ સાથે અપૂરતું પાણી આવતુ હોય તો તેની ફરિયાદ ૧૯૧૬ નંબરની હેલ્પલાઈન પર કરવાની અપીલ પણ કમિશનરે કરી છે.


દક્ષિણ મુંબઈ અને પશ્ર્ચિમ પરામાં પાણીની તકલીફ
મુંબઈના એફ-દક્ષિણ વોર્ડમાં ટી.જે. માર્ગ, ક્રીસેટ બે, જેરબાઈ વાડિયા રોડ, પરેલનો જી.ડી.આંબેકર માર્ગ, ભોઈવાડા સ્મશાનભૂમિ, એફ-ઉત્તર વોર્ડમાં જોગળેકરવાડી, જી-દક્ષિણ વોર્ડમાં સેંચ્યુરી મિલ મ્હાડા કમ્પાઉન્ડ, સીતારામ જાધવ રોડ, એન.એમ. જોશી રોડ, ડિલાઈલ રોડની સાથે બાંદ્રા (પૂર્વ)માં ખારદાંડા, આપ્પા પાડા, ક્રાંતી નગર, મલાડ-દિંડોશી, બોરીવલીના રાજેન્દ્રનગરમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થઈ રહ્યો હોવાની ફરિયાદ લાંબા સમયથી થઈ રહી છે, ત્યારે પાણીપુરવઠા ભિાગને તાત્કાલિક ધોરણે આ વિસ્તારોની પાણીની ફરિયાદનો ઉકેલ લાવવાનો નિર્દેશ પાલિકા કમિશનરે આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button