ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકાએ ટ્રુડોને આપ્યો આંચકો!

જયશંકર અને બ્લિંકનની બેઠકમાં કેનેડા વિવાદ પર કોઈ ચર્ચા નહીં કરી


ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર પાંચ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. એસ જયશંકરે ગુરુવારે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી હતી. બંને દેશોના ટોચના પ્રધાનોની આ બેઠકને વૈશ્વિક પરિદ્રશ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ દરમિયાન બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, પરંતુ અમેરિકાએ કેનેડાને આંચકો આપ્યો હતો અને નિજ્જર હત્યા કેસ પર એસ જયશંકર સાથે વાત કરી જ નહીં. નોંધનીય છે કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ હાલમાં જ કહ્યું હતું કે, તેમણે અમેરિકાને વિદેશ મંત્રીઓની બેઠકમાં નિજ્જર હત્યાકાંડનો મુદ્દો ઉઠાવવાની અપીલ કરી છે, પરંતુ હવે અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જયશંકર અને એન્ટની બ્લિંકન વચ્ચેની બેઠકમાં ભારત- કેનેડા વિવાદ પર કોઈ વાત થઈ ન હતી.

અમેરિકી વિદેશ મંત્રી વચ્ચેની બેઠકમાં G20 સંમેલનમાંથી શું પ્રાપ્ત થયું અને ભારત અને મધ્ય પૂર્વ વચ્ચે બનાવવામાં આવનાર આર્થિક કોરિડોર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. મીડિયા સાથે વાત કરતા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જી20 સંમેલનમાં સહયોગ માટે અમેરિકાનો આભાર માન્યો હતો.


તે જ સમયે, યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે બંને વચ્ચે સારી વાતચીત થઈ, જેમાં G20 કોન્ફરન્સ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સિવાયના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. મીડિયાને બંને નેતાઓને પ્રશ્નો પૂછવા દેવામાં આવ્યા ન હતા. કેનેડા વિવાદ પર બંને પક્ષોએ મૌન જાળવી રાખ્યું હતું. બેઠકમાં ભારત અને મધ્ય પૂર્વ વચ્ચે બનાવવામાં આવનાર આર્થિક કોરિડોર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આ હત્યાકાંડ પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમની પાસે આ અંગે ગુપ્ત માહિતી છે. જોકે, ભારતે કેનેડાના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા. ભારતે કેનેડાને ગુપ્ત માહિતી શેર કરવા અને પુરાવા આપવા કહ્યું છે પરંતુ કેનેડા દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. આ વિવાદને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.


દરમિયાન બિન સત્તાવાર સૂત્રો પાસેથી એવી માહિતી પ્રાપ્ત થઇ છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI)એ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને વણસવા માટે કેનેડામાં ગુનેગારોને ભાડે રાખીને આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનું આયોજન કર્યું હતું. ISI તેના પર છેલ્લા બે વર્ષમાં કેનેડામાં આવેલા નવા ગેંગસ્ટરોને સંપૂર્ણ સમર્થન આપવા માટે દબાણ કરી રહ્યું હતું પરંતુ તે જૂના ખાલિસ્તાની જૂથને ટેકો આપી રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button