બાંગ્લાદેશના હિંદુઓની વહારે ભાજપ કેમ જતો નથી ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાં રાજકારણીઓ બોલવા બેસે ત્યારે પોતે શું ભરડી રહ્યા છે તેનું ભાન રાખતા નથી. પોતાની મતિ પ્રમાણે જે જીભે ચડે એ ભરડી નાખે છે અને તેનું તાજુ ઉદાહરણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાન વિશે કરેલી આગાહી છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બે વરસ પહેલાં ભાગલા વખતે લોકોને પડેલી તકલીફોની યાદ તાજી રાખવા માટે વિભાજન વિભીષકા સ્મૃતિ દિવસ મનાવવાનું તૂત રમતું કરેલું તેથી ભાજપના નેતા દર ૧૪ ઓગસ્ટે વિભાજન વિભીષકા સ્મૃતિ દિવસ મનાવે છે.
આ વરસે પણ દેશભરમાં વિભાજન વિભીષકા સ્મૃતિ દિવસ મનાવાયો ને એ નિમિત્તે યુપીની રાજધાની લખનઉમાં એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમને સંબોધન કરતાં યોગી આદિત્યનાથે જાહેર કરી દીધું કે, પાકિસ્તાનનોં કાં તો ભારતમાં વિલય થઈ જશે કાં હંમેશા માટે અંત થઈ જશે. યોગીના કહેવા પ્રમાણે, મહર્ષિ અરવિંદે ૧૯૪૭માં જ કહી દીધેલું કે, આધ્યાત્મિક જગતમાં પાકિસ્તાનની કોઈ હૈસિયત નથી તેથી તેનું અસ્તિત્વ નહીં ટકે.
યોગીના કહેવા પ્રમાણે, આધ્યાત્મિક જગતમાં જેનું વાસ્તવિક સ્વરૂપ જ નથી તેનો નાશ જ થવાનો છે. આ સંજોગોમાં પાકિસ્તાનની નશ્ર્વરતાને આપણે શંકાની દ્રષ્ટિથી જોવી જોઈએ નહીં. મતલબ કે, પાકિસ્તાનનો અંત આવવાનો જ છે. યોગીએ એ જ્ઞાન પણ પિરસ્યું કે, જે ભૂલોના કારણે વિદેશી આક્રમણકારોને ભારતમાં ઘૂસીને ભારતના પવિત્ર તીર્થ સ્થળોને તોડવાની તથા ભારતની અખંડતા અને સંસ્કૃતિનો નાશ કરવાની તક મળી હતી એ જ પ્રકારની ભૂલો ના થાય એ માટે આપણે પહેલા સૌથી પહેલાં એક રાષ્ટ્રની તર્જ પર કામ કરવું પડશે.
યોગીએ બાંગ્લાદેશના હિંદુઓની સ્થિતિ પર પણ આંસુ સાર્યાં અને કહ્યું કે, આજે દોઢ કરોડ હિંદુ બાંગ્લાદેશમાં તકલીફમાં છે. આ હિંદુઓ બૂમો પાડી પાડીને પોતાનો જીવ બચાવવાની વિનંતી કરી રહ્યાં છે પણ દુનિયા મૌન છે. દેશના સેક્યુલરોનાં મોં બંધ છે કેમ કે તેમને લાગે છે કે હિંદુઓની ચિંતા કરવા જઈશું તો પોતાની મતબેંક ખસી જશે. આ લોકોની માનવીય સંવેદના મરી ચૂકી છે તેથી તેમને હિંદુઓની નહીં પણ પોતાની મતબેંકની વધારે ચિંતા છે. યોગીએ બીજી પણ વાતો કરી છે ને એ બધી વાતો માંડી શકાય તેમ નથી પણ એ વાતોનો સાર એ છે કે, કૉંગ્રેસ સહિતના વિપક્ષોને હિંદુઓ મરતા હોય તો મરે પણ તેમની કોઈ જ ચિંતા નથી.
બાંગ્લાદેશના હિંદુઓની વાત કરીશું પણ એ પહેલાં યોગીએ પાકિસ્તાનના અસ્તિત્વ વિશે જે વાત કરી તેની વાત કરી લઈએ. પાકિસ્તાનનું અસ્તિત્વ મટી જશે એવી વાતો વરસોથી સાંભળીએ છીએ ને છેલ્લાં કેટલાંક વરસોથી હિંદુવાદીઓ પાકિસ્તાન ભારતમાં ભળી જશે એવી નવી ગોળીએ ગળાવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ત્રણેક વર્ષ પહેલાં આવી જ વાત કરેલી. થોડા મહિના પહેલાં રાજનાથસિંહે આ જ વાત કરેલી ને હવે યોગી પણ એ જ સૂર છેડીને બેસી ગયા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા આઝાદીની લડાઈમાં ક્યાંય ચિત્રમાં નહોતા પણ હિંદુવાદી નેતા અખંડ ભારતની વાતો કરતા હતા. દેશ આઝાદ થયો એ વખતે હિંદુવાદીઓએ ભાગલાનો વિરોધ કરેલો ને તેમાં સંઘ પણ હતો. અંગ્રેજોએ કોઈનું સાંભળ્યું નહોતું ને દેશના ભાગલા કરી નાખ્યા પણ સંઘ સહિતનાં હિંદુવાદી સંગઠનોના નેતા ૭૭ વર્ષ પછીય અખંડ ભારતની ચ્યુઈંગ ગમ હજુ ચાવ્યા કરે છે. અખંડ ભારતની ચ્યુઈંગ ગમમાં જરાય કસ રહ્યો નથી કે રસ રહ્યો નથી પણ સંઘના નેતા ચ્યુઈંગ ગમને મોંમાંથી કાઢીને ફેંકી શકતા નથી.
હવે અખંડ ભારતનું સપનું પાકિસ્તાન ભારતમાં ભળે તો જ સાકાર થાય તેથી એ લોકો છેલ્લાં કેટલાંક વરસોથી પાકિસ્તાન તૂટી પડશે એ નવું તૂત લઈ આવ્યા છે પણ આ વાતોમાં આવવા જેવું નથી. આ દેશનાં લોકો અને ખાસ તો હિંદુઓએ એક બીજી વાત બહુ સારી રીતે સમજી લેવાની જરૂર છે કે, પાકિસ્તાન તૂટશે તો પણ ભારતમાં ભળવાનું નથી. પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરવાદનો પ્રભાવ જોતાં એ ભારતમાં ભળી જાય એ વાતમાં માલ જ નથી. પાકિસ્તાન ભારતમાં ભળી જશે એવી વાતો કરનારા હિંદુઓને ભ્રમિત કરી રહ્યા છે અને એક બહુ મોટા ખતરા તરફથી તેમનું ધ્યાન હટાવી રહ્યા છે.
પાકિસ્તાન જ નહીં પણ આખી દુનિયામાં મુસ્લિમ રાષ્ટ્રોમાં કટ્ટરવાદનો પ્રભાવ વધી રહ્યો છે. તેના કારણે ભારત સહિતના દેશો પર પણ ખતરો વધી રહ્યો છે. આ ખતરાને ટાળવા માટે શું કરવું એ વિશે વિચારવાની જરૂર છે ત્યારે આ લોકો અખંડ ભારતની ગોળીઓ ગળાવવામાંથી ઊંચા આવતા નથી. આ કટ્ટરવાદના કારણે જમ્મુ અને કાશ્મીરમાં આપણ નાગરિકો મરી રહ્યા છે ને સૈનિકો શહીદ થઈ રહ્યા છે ત્યારે યોગી જેવા નમૂના આધ્યાત્મિકતાની પત્તર ખાંડી રહ્યા છે.
ભલા માણસ, પાકિસ્તાનનું આધ્યાત્મિક વજૂદ નથી એવું કહેનારા મહર્ષિ અરવિંદનું અસ્તિત્વ મટી ગયું પણ પાકિસ્તાન તો ત્યાં જ છે. બલકે છેલ્લાં ૭૭ વર્ષમાં પરમાણુ બોમ્બ બનાવીને વધારે તાકાતવર થયું છે. દુનિયાનો કોઈ દેશ આધ્યાત્મિકતાના આધારે અસ્તિત્વ નથી ટકાવતો. અમેરિકા પાસે કઈ આધ્યાત્મિકતા છે ? આ બધી બકવાસ વાતો છે ને એ બંધ કરીને પાકિસ્તાન ભારતમાં ભળી જશે એવાં થૂંક ઉડાડવાનું છોડો. તેના બદલે પાકિસ્તાનના આતંકવાદનો સફાય કઈ રીતે કરાય, કાશ્મીરમાં આપણા નાગરિકો અને સૈનિકોને કઈ રીતે બચાવાય એ વિશે વિચારો.
યોગીએ બાંગ્લાદેશના હિંદુઓની ચિંતા કરી છે તો તેની વાત પણ કરી લઈએ. યોગી બાંગ્લાદેશના હિંદુઓ પર અત્યાચારો થાય છે ને આખી દુનિયા ચૂપ છે એવાં રોદાણાં રડવા બેઠા છે. ભલા માણસ, દુનિયાની વાત છોડો ને કોંગ્રેસ સહિતના વિપક્ષોની વાત છોડો પણ તમે શું કરો છે તેની વાત કરો ને? તમે તો હિંદુત્વના ઠેકેદાર બનીને બેઠા છો તો બાંગ્લાદેશના હિંદુઓની વહારે કેમ જતા નથી ? કોંગ્રેસ સહિતના વિપક્ષોને મુસ્લિમ મતબેંકની ચિંતા છે એટલે એ લોકોને હિંદુઓનું ના બળે પણ તમે તો હિંદુઓના મતોથી સત્તા ભોગવો છો ને ?
કેન્દ્રમાં તમારી સરકાર છે, છપ્પનની છાતીવાળા વડા પ્રધાન છે, દેશનું લશ્કર તમારા તાબા હેઠળ છે છતાં બાંગ્લાદેશના હિંદુઓની બૂમો સાંભળીને કશું કેમ કરતા નથી ? કેમ કે જીગર નથી. હિંદુઓને બચાવવા માટે જે મર્દાના મિજાજ જોઈએ એ મર્દાના મિજાજ નથી. એટલે જ પોતે કશું કરવું નથી ને બીજાં પર દોષારોપણ કર્યા કરે છે.