સ્થાપત્ય : ભૂત-વર્તમાન-ભવિષ્યનો સંગમ
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
પછી તે વ્યક્તિ માટે હોય કે સંસ્થા માટે, મકાન હોવું એ દરેકની જરૂરિયાત છે, મકાન હોવું એ દરેકનું સ્વપ્ન છે. તે સમય સુધી એકત્રિત થયેલી મૂડી ને – અને ક્યાંક તો પહોંચ કરતાં પણ આગળ વધીને સપનાનું મકાન બનાવાતું હોય છે. આ મકાનમાં – આ ઘરમાં તેના વર્તમાનની આકાંક્ષાઓ ઝીલાય, ભવિષ્યના સપના મૂર્તિમંત થાય અને ભૂતકાળની છબી વણાઈ જાય તેમ દરેક ઈચ્છા રાખી શકે. તેથી જ ઘર માટે એમ કહેવાય છે કે દાદા બનાવે અને દીકરાના દીકરા વાપરે – ભૂત, વર્તમાન અને ભવિષ્ય, ત્રણેય કાળ સાથે સંકળાય. જીવનમાં ખરીદતી સ્થાવર મિલકત સિવાયના અન્ય રોકાણ માટે આ પ્રમાણેની માન્યતા નથી.
સંસ્થાના મકાન માટે પણ આવી જ ઈચ્છા હોઈ શકે. સંસ્થા જ્યારે પોતાનું મકાન બનાવે ત્યારે તેમાં ભૂત – વર્તમાન – ભવિષ્યની જોગવાઈ હોય તે પ્રમાણે તેની રચના સ્વાભાવિક રીતે ઇચ્છનીય ગણાય. સંસ્થાની વર્તમાન ગતિવિધિ માટેનો સમાવેશ તે મકાનમાં થવો જોઈએ અને સાથે સાથે સંસ્થાની ભવિષ્યની સંભવિત ઘટનાઓ પણ તેમાં આલેખાઈ જાય તેનું ધ્યાન રખાતું હોય છે. સાથે સાથે તેમાં સંસ્થાના ભૂતકાળની છબી પણ પ્રતિબિંબિત થાય તે ઇચ્છનીય છે. આમાં કંઈ અજુગતું નથી. સ્થાપત્યની પ્રત્યેક રચના ત્રણેય કાળનું પ્રતિનિધિત્વ કરતી હોય છે.
વાગોળવા જેવી ભૂતકાળની બાબતોમાં સમાવેશ થાય, વર્તમાનની જરૂરિયાત સંતોષાય અને ભવિષ્યના સપના પ્રતિબિંબિત થાય તેવી રચના એ સ્થાપત્યનો એક પડકાર પણ છે અને એક ઇચ્છનીય જરૂરિયાત પણ છે. આને કારણે સ્થાપત્યના નિર્ધારણની પ્રક્રિયામાં થોડી જટિલ બની જાય છે અને તેમાં પણ સામાન્ય માનવી પાસે જ્યારે મર્યાદિત સાધનો હોય ત્યારે આ બાબત ક્યારેક અસંભવ પણ લાગે. સફળ સ્થપતિ એ કહેવાય કે જે યોગ્ય માત્રામાં આ ત્રણેય બાબતોને પ્રતિનિધિત્વ આપે – ત્રણેય વચ્ચે સંતુલન જાળવે. સંસ્થા હોય કે વ્યક્તિ, એમ જણાય છે કે મકાનની રચનામાં વ્યક્તિની અપેક્ષા હંમેશાં તેની ક્ષમતા કરતા વધુ હોય છે. આ કારણથી સ્થપતિનું ઉત્તરદાયિત્વ વધુ પડકારજનક બની રહે છે.
વર્તમાન તો વર્તમાન છે. તે વર્તમાન માટે તો વર્તમાનમાં મકાનની રચના નિર્ધારિત કરાય છે. મકાનમાં હાલમાં શેની શેની જરૂર છે તેને આધારે તે મકાનની રચનાની શરૂઆત થાય છે. કેટલી જગ્યાઓ, કેટલા માપની, કેવા પ્રકારની, કયા સ્થાને – આ બધું નક્કી કરવા સાથે ખર્ચ અને દ્રશ્ય અનુભૂતિ પણ નિર્ધારિત થાય છે. વર્તમાનની આ બાબતો નિર્ધારિત થયા પછી ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો વિશે વિવિધ સંભાવનાઓના સમાવેશ માટેના પ્રયત્નો થાય. સામાન્ય રીતે ભવિષ્યની બાબત માટે વર્તમાનનો ભોગ નથી લેવાતો. ભૂતકાળના નિર્ધારણ માટે કાં તો પ્રતીકો વપરાતાં હોય છે કાં તો ભૂતકાળની સ્થાપત્ય શૈલીનું અમુક અંશે અનુકરણ થતું હોય છે.
ગ્રાહક ઘણીવાર અતિઉત્સાહી હોઈ શકે તો ક્યારેક તે નિરાશાવાદી પણ હોઈ શકે. ક્યારેક તેની અપેક્ષા ક્ષમતા કરતા વધુ હોય તો ક્યારેક તે અ-સંભાવનામાં વધુ માનતો હોય. બંને સંજોગોમાં તેને યોગ્ય માર્ગદર્શન આપવું પડે અને યથાર્થ ચિત્ર તેની આગળ રજૂ કરી તેને સમજાવો પડે. તેને કહેવું પડે કે “આ પણ જરૂરી છે અને તે પણ એટલું જ જરૂરી છે. તેના સપના અનેક ક્ષમતા અનુસાર “આ અને “તે વચ્ચે સંતુલન જાળવવું પડે.
સ્થાપત્ય થકી ભૂતકાળ જાણી શકાતો હોય છે. સ્થાપત્યને જે તે સંસ્કૃતિનું પ્રતિબિંબ ગણવામાં આવે છે. ભૂતકાળ સાથે તેમાં ભવિષ્યની સંભાવનાઓ વણાયેલી હોય છે. આ બંને સાથે અને બંનેની વચ્ચે વર્તમાન ગુથાઈ જાય. દરેક મકાન ૧૦૦ વર્ષ જેટલું આયુષ્ય ધરાવતું હોવાથી, સ્વાભાવિક છે કે તે ત્રણ કાળ સાથે – ત્રણ પેઢી સાથે સમીકરણ સ્થાપે. સ્થાપત્યની આ ખૂબી પણ છે અને પડકાર પણ. ભૂતકાળના ગૌરવ તથા ભવિષ્યના સપનાં સાથેના મકાનો થકી વર્તમાન નિર્ધારિત થાય છે.
સ્થાપત્ય વર્તમાન માટે તો છે જ પણ સાથે સાથે તે ભવિષ્યના સપના પૂરા કરવાનું માધ્યમ પણ છે. તે ભવિષ્ય પછી કાલનું હોય કે વીસ વર્ષ પછીનું હોય. ઊંડાણમાં જોતા સમજાશે કે સ્થાપત્યની રચનામાં પડકાર ભવિષ્ય માટેનો છે – સપના માટેનો છે. ભૂતકાળની જાણકારી હોવાથી મકાનમાં ભૂતકાળ તો પ્રતિબિંબ થઈ શકે. હયાત પરિસ્થિતિ પ્રમાણે વર્તમાનની જરૂરિયાત તો સ્પષ્ટ હોય છે. પ્રશ્ર્નોમાં જટિલતા ભવિષ્યની બાબતો માટે હોય. કાલે ક્યાં – શું – કેવી રીતે – કેટલી માત્રામાં જરૂરી બનશે તે વિશે તર્કબદ્ધ સંભાવનાઓ ચકાસી આગળ વધવાનું હોય છે. આવી સંભાવનાઓ એક કરતાં વધુ હોવાથી રચના નિર્ધારણમાં એક પ્રકારનું મુક્તપણું રાખવું જરૂરી બને. વિવિધ પ્રકારની સંભાવનાઓને ન્યાય આપવામાં કોઈપણ એક સંભાવના એટલી સ્પષ્ટપણે ઊભરી ન પણ આવે. ભવિષ્યમાં વિશેની સમજમાં વ્યક્તિ સાચો ન પણ ઠરે, ભવિષ્ય માટેના પ્રશ્ર્નો વધુ છે અને તેની માટેનો વરતારો વ્યવસ્થિત સમજવો જરૂરી છે. અહીં જડતાપૂર્વક નિર્ણય ન લેવાય. આની માટે સ્થપતિની વિશ્ર્લેષણ શક્તિ, સંવેદનશીલતા, રચનાત્મકતા તથા વ્યવહારુ અભિગમ મહત્ત્વના ગણાય.
સપના ભવિષ્ય માટે હોય તેથી સ્થાપત્યમાં ભવિષ્ય માટેના નિર્ધારણમાં સૌથી વધુ “સંયુક્ત ક્ષમતા જરૂરી છે. સ્થાપત્ય જ્યારે ભવિષ્યને સંબોધે ત્યારે તેમાં ક્યાંક ક્ષતિ ન રહી જાય તે ખાસ જોવું પડે. ભવિષ્યને લગતી બાબતોને યોગ્ય ન્યાય આપવાથી મકાન સ્થાપત્યકીય મૂલ્યો પ્રમાણે વધુ યથાર્થ બને. વર્તમાન જરૂરિયાતો કદાચ સરળતાથી સંતોષાય જતી હોય છે પણ ભવિષ્ય જેવી સંવેદનશીલ બાબતો માટેના નિર્ધારણમાં સ્થપતિની વાસ્તવિક ક્ષમતા ચકાસાતી રહે છે.
સ્થાપત્ય ભૂતકાળમાં પગ પ્રસારે છે, વર્તમાનમાં શ્ર્વાસ લે છે અને ભવિષ્ય તરફ હાથ લંબાવે છે. સ્થાપત્ય ભૂતકાળને ઝીલે છે, વર્તમાનમાં પાંગરે છે અને ભવિષ્ય તરફ નજર માંડે છે. સ્થાપત્ય દાદાને સાચવે છે, યુવાનને ધબકાવે છે અને બાળકને વિકસાવે છે.