વેર-વિખેર – પ્રકરણ-૩૯
શેઠ, યહ ઇરફાન હૈ, જબ ઉસકા હાથ ચલતા હૈ, ઉસકા દિમાગ બંધ હો જાતા હૈ તો કોઈ પાગલપન મત કરના!
કિરણ રાયવડેરા
ઇરફાને સામે નજર ફેરવી. ગાયત્રી બારી પાસે ઊભી હતી. શિંદે પથારીમાં પડ્યો હતો અને ડોક્ટર પટેલ દૂર ઊભા હતા.
ઇરફાન ચીલઝડપે ગાયત્રી તરફ ધસ્યો અને ખિસ્સામાંથી ચાકુ કાઢીને ગાયત્રીના ગળા પર ધરીને એને પાછળથી પકડી રાખી.
‘લડકી, તુમ સમજદાર હો… હિન્દી ફિલ્મ દેખતી હો. પિક્ચર મેં એસા હી હોતા હૈ ના?’
ગાયત્રીની આંખ અંધારાં આવી ગયાં. ગળામાં ચાકુની તેજ ધાર ચૂભતી હતી. બીજા હાથથી ઇરફાને એનું ગળું દબાવી રાખ્યું હતું. આ જડ માણસ છે, બિલકુલ મંદબુદ્ધિનો છે. એ વિફરશે તો કંઈ પણ કરી બેસશે.
‘ઇરફાન, તું છોકરીને છોડી દે.’
જગમોહન આગળ વધ્યો પણ બાબુએ એને અટકાવી દીધો.
‘શેઠ, પાગલ મત બનના. યહ ઇરફાન હૈ. જબ ઉસકા હાથ ચલતા હૈ, ઉસકા દિમાગ બંધ હો જાતા હૈ. દોનોમેં સે સિર્ફ એક હી ચીજ ચલ સકતા હૈ. તો કોઈ પાગલપન મત કરના.’
અચાનક બાબુની નજર પાસે આવી ગયેલા ઇન્સ્પેકટર પરમાર પર પડી. પરમારના હાથમાં રિવોલ્વર હતી , જે એણે બાબુ તરફ તાકી હતી.
‘ઇરફાન, આ લોકોએ તો આપણા મોતનો સામાન અહીં ભેગો કરી રાખ્યો છે. ઇન્સ્પેકટર, તમારા હાથમાં ગન છે, તમે મને મારી શકો છો પણ મારી સાથે ગાયત્રી પણ નહીં બચે. સોચ લો. તુમ્હારા ઇરફાન જેસા કામ નહીં હૈ. હાથ ઔર દિમાગ દોનોં ચલતા હૈ.’
જગમોહને ઇન્સ્પેકટરને કંઈ ન કરવા ઈશારો કર્યો.
‘તમે લોકો હવે શું કરવા માગો છો?’
જગમોહન પહેલી વાર બોલ્યો. એને સમજાઈ ગયું હતું કે અત્યારના બાજી બાબુના હાથમાં છે.
‘પહેલાં તો શેઠ, તને ખૂબ મારવો છે. તેં અમારી વાટ લગાડી દીધી હતી ગઈ કાલે રાતના. અમે તારા પર વિશ્વાસ કર્યો પણ તેં અમને પોલીસના હવાલે કરી દીધા.’ ઇરફાનને ગઈ કાલ રાતનો ગુસ્સો હતો.
‘જો ઇરફાન, રાત ગઈ બાત ગઈ. હવે બધું ભૂલી જા. હવે તો બબલુ પણ નથી એટલે રૂપિયા સીધા તમારા હાથમાં આવશે. હજી મને એ જાણવામાં રસ છે કે મને મારી નાખવાની સોપારી કોણે આપેલી?’
ઇરફાન વિચારમાં પડી ગયો. બાબુ એને જોઈને તાડૂક્યો :
ઇરફાન, ચૂપ! મોઢું બંધ રાખજે. આ શેઠ બહુ ચાલાક છે. એણે બબલુને મરાવી નાખ્યો. કાલે સવારના તું પણ આ જ ખુરશીમાં પડ્યો હોઈશ, મરેલો.’
‘ના બાબુ, વાત એવી નથી. બબલુને મેં નથી મરાવ્યો. હું તો તમને બન્નેને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં પરમારે મને કહ્યું કે તમે બંને લોકઅપમાંથી ભાગી છૂટ્યા છો. અહીં આવીને જોયું તો બબલુ મરેલો પડ્યો હતો. શિંદે અને બબલુ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને રિવોલ્વરની ખેંચાખેંચ થતા બબલુને ગોળી વાગી ગઈ.’ જગમોહને બાબુને શાંતિથી પૂરી વાત કરી. આ તબક્કે બાબુને ઉશ્કેરીને લાભ નહીં થાય.
‘ઓહ તો આ છે શિંદે. ઇન્સ્પેક્ટર શિંદે. તેં બબલુને પતાવી નાખ્યો?’ શિંદે તરફ આગળ વધ્યો.
બાબુ ‘મેં એને પતાવ્યો નથી. એ પોતાની મેળે પતી ગયો !’ શિંદેએ પરખાવ્યું.
‘મારા બેટા, આજકાલ કોઈ ઇન્સ્પેકટરને ગુંડાઓનો ડર નથી લાગતો?’ બાબુ બબડ્યો.
‘ડર તો બાબુ, તને પણ નથી લાગતો. મારા હાથમાં ભરેલી ગન છે અને તું કમરામાં આંટા માર્યા રાખે છે.’ ઇન્સ્પેક્ટરને પોતાનું સ્વમાન ઘવાતું હોય એમ લાગ્યું.
‘પરમાર, તમારા આ તમંચાની કોઈ અસર નથી થવાની. તમે મને મારી શકશો, પણ ગાયત્રીને બચાવી નહીં શકો એટલે વિચારી લો તમારે શું કરવાનું છે?’ બાબુએ રિવોલ્વર તરફ હાથ લંબાવ્યો.
ઇન્સ્પેક્ટર પરમાર વિચારમાં પડ્યો , પણ પછી તુરત જ બોલ્યા :
‘સોરી, બાબુ, આ મારી સર્વિસ રિવોલ્વર છે. એને તો હું કોઈ કાળે નહીં આપું. તારાથી થાય એ કરી લે.’
‘બાબુ, આ લોકો એમ નહીં માને,’ ઇરફાન બોલ્યો. આપણે ફરી આ છોકરીને અને શેઠને કિડનેપ કરી લઈએ. આ લોકો આપોઆપ આપણી પાછળ દોડતા આવશે.’
‘બાબુ, જો આ રીતે તો આપણે કોઈ સમજૂતી પર નહીં આવી શકીએ.’ જગમોહને વાતનો દોર પોતાના હાથમાં લીધો.
‘ઇન્સ્પેક્ટર પરમાર, તમે તમારી રિવોલ્વર દૂર રાખી લો. બાબુ, તું ઇરફાનને કહી દે કે ગાયત્રીના ગળા પરથી ચાકુ હટાવી લે, પછી આપણે વાત શરૂ કરીએ.’
ઇન્સ્પેક્ટર રિવોલ્વરને ખિસ્સામાં રાખી દીધી. બાબુએ ઇશારો કરતાં ઇરફાને ગાયત્રી પરની પકડ ઢીલી કરી અને ગળા પરથી છરી હટાવી લીધી.
‘બાબુ, હવે તું મને સાચી વાત કર. તને નથી લાગતું કે બબલુના મોત બાદ તને ફાયદો થશે?’
‘શું ખાસ ફાયદો થાય, અમારો કોન્ટ્રેક્ટ હતો કે તમને માર્યા બાદ અમને રૂપિયા મળશે. હવે અમને કોણ પેમેન્ટ કરે?’ બાબુએ બળાપો વ્યક્ત કર્યો.
‘બાબુ, ઓ. કે. હવે એ કહે કે તને મારી સુપારી આપનારનું નામ ખબર પડી?’ જગમોહને દાણો દબાવી જોયો.
બાબુએ ધારીધારીને જગમોહન સામે જોયું.
‘શેઠ, તમારામાં કંઈક એવું જરૂર છે કે વિશ્વાસ કરવાની ઇચ્છા ન હોવા છતાંય વિશ્વાસ કરી બેસાય છે.’
‘તેં મારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો.’ જગમોહને ફરી પૂછ્યું.
‘હા, મને ખબર પડી છે. ગઈ કાલે બબલુ સાથે સેલફોનમાં વાત કરતો હતો ત્યારે જ ખબર પડી.’
‘સેલફોનમાં? બાબુ, તું તો પોલીસ લોક-અપમાં હતો?’
જગમોહને એક ધારદાર દૃષ્ટિ ઇન્સ્પેક્ટર પરમાર તરફ ફેંકી :
‘ઇન્સ્પેક્ટર, તમારા થાણામાં – તમારી કસ્ટડીમાં ગુનેગારો છૂટથી મોબાઈલનો ઉપયોગ કરે છે અને પછી તમે લોકો બૂમાબૂમ કરો છો કે અપરાધીઓ ભાગી ગયા. ભાગી જ જાય ને!’ ઇન્સ્પેક્ટર પરમાર નીચું જોઈ ગયા.
‘બાબુ, એક રીતે જોવા જઈએ તો જે થયું એ સારું થયું. બબલુ વચ્ચે ન રહ્યો. તને એના રહસ્યની જાણ થઈ ગઈ છે એટલે હવે સોદો આપણા બે વચ્ચે થશે.’ જગમોહને પાસો ફેંક્યો.
‘અને જેણે સુપારી આપી છે એને શું જવાબ આપવો?’ બાબુ વિચારીને બોલ્યો.
‘હવે તારા પર નિર્ભર છે બાબુ, કાં તો તું પેલા સાથે તારો સોદો ચાલુ રાખ અને મને કિડનેપ કરીને મારી નાખ. તને તારું પેમેન્ટ ત્યાંથી મળી જશે. એટલિસ્ટ, આશા કરીએ કે એ માણસ તને પૈસા ચૂકવી દે.’ પછી થોડી વાર અટકીને જગમોહન બોલ્યો :
‘બીજો રસ્તો એ છે કે તું મને એ માણસનું નામ આપી દે અને મારી પાસેથી ડબલ પેમેન્ટ લઈ જા.’
‘બાબુભાઈ, ઇસકી બાતોં મેં મત આના. યહ હમ લોગોકો ફીર ફસા સકતા હૈ…’ ઇરફાન બોલ્યો પણ બાબુએ એ તરફ જોયું પણ નહીં.
‘શેઠ,’ બાબુએ જગમોહનને સંબોધીને વાત ચાલુ રાખી :
‘આ તો કાલ રાતની જ વાત થઈ. હું તમારા પર વિશ્વાસ કેમ કરું?’
‘બાબુ, તું એક ભૂલ કરે છે. ગઈ કાલે સાંજના તેં અમને કિડનેપ કર્યા ત્યારે કોઈ નહોતું જાણતું. આજે બની શકે કે તું અમને અહીંથી લઈ જવામાં સફળ થા, તો પણ પોલીસને અને આખા શહેરને ખબર પડી જશે કે મારા અપહરણ પાછળ તમારા બંનેનો હાથ છે. આ સંજોગોમાં તમે બંને કેટલા દિવસ સુરક્ષિત રહી શકશો?’
‘શેઠ, તુમ્હારી બાતમેં દમ તો હૈ. તો બોલો, શું કરવા માગો છો?’ બાબુનો સ્વર થોડો નરમ પડ્યો.
‘બાબુ, હું હમણાં મારી ઑફિસે ફોન કરું છું. એક વાર રૂપિયા અહીં આવી જાય કે તું મને ઇન્ફોર્મેશન આપીને રૂપિયા લઈ લે.’
‘એક વાર પેમેન્ટ લઈ લઉં પછી આ ઇન્સ્પેક્ટર મને ગિરફ્તાર કરી લે, એમ ને?’ બાબુને હજી વિશ્વાસ બેસતો નહોતો.
‘યારતું હજી સમજતો નથી. અરે, એક વાર રૂપિયા તારા હાથમાં આવી જાય પછી તું અમને બધાને આ કમરામાં પૂરી બહારથી બારણું બંધ કરી દેજે. પછી તમે ફરી છૂટા…’ જગમોહને પ્લાન સમજાવ્યો.
‘અબે તૂ બિઝનેસમેન હૈ કી ક્રિમિનલ… ક્યા ભેજા ચલતા હૈ તુમ્હારા.’ ઇરફાન ખુશ લાગતો હતો.
‘ઇરફાન, બિઝનેસ ઓર ક્રાઈમ દોનોંમે આદમી કો સોચના પડતા હૈ. એક હી ગલતી ઓર બહુત બડા નુકસાન હો સકતા હૈ.’ જગમોહન હસ્યો.
‘મિ. દીવાન, ’ અત્યાર સુધી ચૂપ રહેલો પરમાર વચ્ચે પડ્યો: ‘હું અહીં ઊભો છું અને મારી હાજરીમાં આ પ્રકારની સોદાબાજી થાય એ જરા રૂચતું નથી.’
‘ઠીક છે, તો તમને ઠીક લાગે તેમ કરો. તમારી આંખ સામે આ બંને અને ગાયત્રીને કિડનેપ કરી લેશે ત્યારે તમને ગમશે. પણ અત્યારે તમારી મુક્તિ માટે હું એને ઓફર આપું છું એ તમને રૂચતું નથી?’ જગમોહન નારાજ થઈ ગયો.
ઇન્સ્પેક્ટર પરમાર કંઈ બોલ્યો નહીં.
‘બાબુ, બોલો ક્યા સોચા?’ જગમોહને ખિસ્સામાંથી ફોન કાઢ્યો.
‘શેઠ, આપ ફોન લગાવો ઓર રૂપિયા મંગાઓ… મૈં નામ દે દૂંગા.
જગમોહને દીવાને ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ’ ના ફાઇનાન્સિયલ એડ્વાઈઝર વિજય કામથને ફોન લગાડ્યો.
‘પૂજા, આ જે પણ કંઈ થઈ રહ્યું છે એ યોગ્ય નથી. ક્યાંક કશું ખટક્યા કરે છે.’
ડોક્ટર આચાર્યને નર્સિંગ હોમમાં દાખલ કર્યા બાદ વિક્રમ અને પૂજા ગાડીમાં પાછાં ફરતાં હતાં ત્યારે વિક્રમે વાતચીતની પહેલ કરી.
‘શું કરું, વિક્રમ, તું જ સમજાવ. મને કંઈ સૂઝતું નથી. મને ખબર જ નથી પડતી કે મારી સાથે આ બધું શું બની રહ્યું છે?’ પૂજા થાકી ગઈ હતી.
‘ડોક્ટર આચાર્યને તારી વાત પર એટલો ભરોસો હતો કે એમને ખાતરી હતી કે હાર્ટઍટેકથી એમનું મૃત્યુ નહીં થાય. જો મોત થવાનું હોત તો તું બોલી હોત.’ વિક્રમ મૂંઝાઈ ગયો હતો.
‘ઇટ ઇઝ ડેન્જરસ, વિક્રમ, આપણે નોર્મલ નથી એવી જ્યારે ખબર પડે ત્યારે બહુ જ ડર લાગવા માંડે. મારે ફરી એ જ નોર્મલ, સામાન્ય માણસ બની જવું છે, વિક્રમ. મારાથી આ ઈ. એસ. પી. કે એવી કોઈ શક્તિનો ભાર નહીં જીરવાય.’
‘ડોન્ટ વરી પૂજા, દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ નોર્મલ હોય છે. દરેકને એક યા બીજી એબ્નોર્માલિટી હોય છે, પણ એ આપણને દેખાતી નથી. પણ તારી પાસે જે શક્તિ છે એ ખરેખર પીડાદાયક છે. એની સાથે સતત જીવવું મુશ્કેલ છે. પણ લેટ મી ટેલ યુ પૂજા, આઈ એમ વીથ યુ.’ વિક્રમે પૂજાનો ખભો થપથપાવ્યો. પૂજા મૌન રહી.
‘હા, પણ હવેથી તું મને નહીં કહેવા લાગતી કે વિક્રમ, હમણાં તું બહાર નહીં નીકળ, તારો એક્સિડેન્ટ થઈ જશે કે પછી હમણાં ઘરે નહીં આવતો, વચ્ચે લિફ્ટ અટકી જશે’ વિક્રમે વાતાવરણ હળવું બનાવવાની કોશિશ કરી પણ ફાવ્યો નહીં.
‘વિક્રમ, મને સતત આવા સ્પાર્ક થયા કરે છે એવું નથી. મહિનાઓ સુધી કંઈ ન થાય એવું બને. અચાનક દિમાગમાં એક ચિત્ર ઊપસે અને પછી એક સેક્નડમાં જાણે અંદરથી આદેશ થતો હોય એવો ભાસ થાય. અત્યાર સુધી ખબર નહોતી પડતી. હવે ડોક્ટરે સમજાવ્યા બાદ ધીરે ધીરે બધું સમજાવા માંડ્યું છે.’
‘બાપ રે, મને એવું લાગવા માંડ્યું છે કે મારી પત્ની એક મોટી જાદુગરણી છે. હવે તો મારે તને પૂછી પૂછીને બધું કરવું પડશે.’
‘મજાક નહીં કર, વિક્રમ, અત્યારે મૂડ નથી.’
‘ઓ.કે. ડીયર, આઈ એમ સોરી.’ વિક્રમે કાન પકડ્યો.
‘વિક્રમ, તું રૂપાને મળ્યો છો?’ પૂજાએ અચાનક પ્રશ્ન કર્યો. વિક્રમ સચેત થઈ ગયો. પૂજાને રૂપા બાબત કેવી રીતે ખબર પડી?
‘એક વાર જોઈ છે, કરણ સાથે, બસ એટલું જ. બાકી ઓળખતો નથી.’ વિક્રમે જવાબ વાળ્યો. પછી પૂજાને ચૂપ જોઈને પૂછ્યું,
‘કેમ પૂજા, અત્યારે રૂપા યાદ આવી?’
‘ના… એમ જ. કરણભાઈએ મને એના વિશે કહેલું. કરણભાઈ એના ગળાડૂબ પ્રેમમાં છે.’ પૂજા બોલી.
‘હં…’ કહીને વિક્રમ આગળ કંઈ બોલ્યો નહીં.
થોડી ક્ષણ બાદ પૂજા બોલી :
‘વિક્રમ, આપણે કરણભાઈને રૂપાથી દૂર કરી દેવા જોઈએ.’
વિક્રમ ચમક્યો. ‘વેઈટ… વેઇટ… ઓહ મેડમ જાદુગરીણી, તમે કરણની ફિકર કરો છો કે પછી આ તારી ભેદી શક્તિનો કમાલ છે?’
‘ખબર નથી, વિક્રમ. પણ કરણભાઈને આપણે રોકવા જોઈએ.’
વિક્રમ ચૂપ રહ્યો. સવાર-સાંજ ભવિષ્યવાણી ઉચ્ચારતી પત્ની સાથે જિંદગીભર રહેવું કેટલું મુશ્કેલ થઈ જાય. ભવિષ્યને અગાઉથી જાણી લેવું એ પણ એક શ્રાપ જ છે.
‘વિક્રમ, આ રૂપા કરણભાઈને લાયક નથી.’ પૂજા ધીરેથી બોલી.
‘બાબુ, થોડી વારમાં જ મારો માણસ આવી જશે. હું તને રૂપિયા આપી દઉં. તું મને નામ આપી દે. પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે.’ જગમોહન હાથમાં સેલ રમાડતાં કહેતો હતો.
બાબુ કંઈ બોલ્યા નહીં પણ ઇરફાનથી રહેવાયું નહીં. ‘શેઠ, એ માણસનું નામ ખબર પડે તો એની ગેમ કરવાનો કોન્ટ્રેક્ટ અમને આપશો ને?!’ (ક્રમશ:)