વીક એન્ડ

ગુજરાતનો દરિયા કિનારો, હજી ઘણાં સ્થાપત્યો માટે અવકાશ છે!

કાન્હોજી આંગ્રે દીવાદાંડી, અગોડા ફોર્ટ-દીવાદાંડી

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીપદેથી ઉખાડી ફેંકાયેલાં શેખ હસીનાએ એક બહુ મોટો જીઓપોલિટિકલ વિવાદ છેડી દીધો છે. એમણે આક્ષેપ કર્યો છે કે જો પ્રધાનમંત્રી તરીકે એમણે ‘સેન્ટ માર્ટિન આઈલેન્ડ’ તરીકે ઓળખાતો ટાપુ અમેરિકાને આપી દીધો હોત તો અમેરિકી તંત્રએ સ્થાનિક રાજનીતિમાં ચંચૂપાત કરીને હસીનાને ઉથલાવી ન નાખ્યા હોત!

આવું કહીને એમણે અમેરિકા પર બહુ ગંભીર આરોપ મૂક્યો છે, પણ અમેરિકાની ‘મોડસ ઓપરેન્ડી’થી વાકેફ હોય એવા લોકો માટે આ કોઈ નવા સમાચાર નથી. અમેરિકાને જો બાંગ્લાદેશ તરફથી આ ટાપુની ભેટ’ મળી જાય, તો ચીની ડ્રેગન પર નિયંત્રણ રાખવા માટે અમેરિકા અહીં પોતાનું લશ્કરી થાણું સ્થાપી શકે. એટલું જ નહિ, ચીનને ડારો આપવા માટે અત્યારે અમેરિકાએ ભારત પર જેટલો મદાર રાખવો પડે છે, એમાં નોંધપાત્ર ઘટાડો થાય. ઊલટું નજીકમાં જ અમેરિકી નેવી બેઝ હોય તો ભવિષ્યમાં ભારતે ડરી ડરીને જીવવું પડે. યુરોપ-અમેરિકા આ રીતે જ બીજા દેશોની આસપાસ સ્ટ્રેટેજિક-ગણતરીપૂર્વક્ની જાળ ગૂંથવાનું મહત્વ સમજે છે અને એટલે જ અમુક દેશ ઠેઠ પાંચ-સાત સદી પૂર્વેથી સમુદ્રો પર કબજો જમાવવામાં માને છે. ભારતીય ઉપખંડની વાત કરીએ તો દક્ષિણી હિન્દ મહાસાગરમાં સ્થિત ડિએગો ગાર્શિયા ટાપુ એનો જાણીતો દાખલો છે.

યુરોપિયન અને અમેરિકી પ્રજા માત્ર લશ્કરી કબજો કરવામાં જ નથી માનતી, પણ પોતાની સાંસ્કૃતિક છાપ –અસર છોડવામાં પણ આ પ્રજાનો જોટો જડે એમ નથી. આ માટે બીજી અનેક બાબતની સાથે જ સ્થાપત્યો બહુમૂલ્ય ભાગ ભજવે છે.

આજે ભારત સ્વતંત્ર થયાને આટલા દાયકાઓ વીતી ગયા, છતાં બ્રિટિશકાળનાં સ્થાપત્યો આટલા વર્ષે ય આપણે ત્યાં ‘આઇકોન’ બનીને ઊભાં છે. એમની સરખામણીમાં આપણે કોસ્ટ લાઈન્સ -દરિયા કાંઠે કેટલાં સ્થાપત્યો ઊભાં કરી શક્યા છીએ કે જાળવી શક્યા છીએ?

અહીં વાત છે સમુદ્રને લગતા મોન્યુમેન્ટ્સ-સ્થાપત્યોની છે. એમાં મુખ્યત્વે છે દીવાદાંડી. જૂના જમાનામાં દરિયાખેડૂઓને માર્ગદર્શન આપવા માટે, અંગ્રેજીમાં જેને લાઈટ હાઉસ’ કહેવાય એવી ઊંચા ટાવર જેવી રચના દરિયા કિનારે બાધવામાં આવતી. લાઈટ હાઉસની ટોચ પર દૂર સુધી દેખાય એ રીતનો પ્રકાશ રાખવામાં આવતો. આ પ્રકાશ જોઈને સાગરખેડૂઓ
દરિયા કિનારો કેટલો નજીક છે તેનો અંદાજ મેળવતા. દીવાદાંડીનો મુખ્ય ઉપયોગ સાગરખેડુઓને ભયજનક અને ખડકાળ દરિયા કિનારાથી ચેતવવા માટે પણ થતો. ગુજરાતી વિશ્ર્વકોશનું વેબપેજ જે માહિતી આપે છે, એ મુજબ ભારતમાં ઘણી જૂની અને મોટી દીવાદાંડી તરીકે ઉલ્લેખ થઈ શકે તેવી બે દીવાદાંડીઓ છે : એક બંગાળની ખાડીમાં અને બીજી મુંબઈના દરિયા કિનારા પરની. આ બંને ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં બાંધવામાં આવી હતી. જ્યારે સામાન્ય દીવાદાંડીઓની વાત કરીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે ૪૫ દીવાદાંડી છે, પણ ગુજરાત આવતા પ્રવાસીઓની આ દીવાદાંડીઓ સાથેની ‘સેલ્ફી’ સોશિયલ મીડિયા પર બહુ દેખાતી નથી, કારણ કે આપણે આ દીવાદાંડીઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તરફ બહુ ધ્યાન નથી આપ્યું. આ દીવાદાંડીઓ સાથે સંકળાયેલી ઐતિહાસિક કથાઓ કે દંતકથાઓ આપણી પાસે નથી. જો હોય તો એનો જોઈએ એવો ફેલાવો નથી થયો, એ હકીકત સ્વીકારવી રહી. દીવાદાંડીને સંસ્કૃતિ- વારસા સાથે કઈ રીતે જોડી શકાય એના બે ઉદાહરણ જાણવા જેવા છે.

ભારતની સૌથી પ્રખ્યાત દીવાદાંડી એટલે ગોવાના અગોડા ફોર્ટનું લાઈટ હાઉસ. જો કે એની ખ્યાતિ પાછળ બહુ મોટો ફાળો અગોડા ફોર્ટનો છે. ભારતની કોસ્ટ લાઈન્સ પર આવેલા ઐતિહાસિક સ્થાપત્યોનું લિસ્ટ અગોડા ફોર્ટના ઉલ્લેખ વિના અધૂરું છે. અહીં જો એકલી દીવાદાંડી જ બની હોત. તો એ આટલી પ્રસિદ્ધ ન થઇ હોત. કહે છે કે ઇસ ૧૬૧૨માં બનાવાયેલા અગોડા ફોર્ટની અંદર એક મીઠા પાણીનું ઝરણું હતું. દરિયાની આટલી નજીક મીઠું પાણી મળી જાય તો જહાજીઓને જીવનજરૂરી પાણી પુરવઠો સરળતાથી મળી રહે. પાણીના આ કુદરતી સ્રોતને કારણે જ પોર્ટુગીઝોએ આ કિલ્લાને અલીફમફ (‘પોર્ટુગીઝ ભાષામાં પાણીયુક્ત’ સ્થળ) નામ આપેલું. મુખ્યત્વે આ કિલ્લો ડચ અને બ્રિટિશર્સ સહિતના બીજા હુમલાખોરોનો મુકાબલો કરવા માટે બાંધવામાં આવેલો. અહીં દીવાદાંડીનું બાંધકામ તો કિલ્લો બન્યાના આશરે અઢીસો વર્ષ બાદ, ઠેઠ ૧૮૬૪માં થયું. તેમ છતાં આ દીવાદાંડી એશિયાની સૌથી જૂની દીવાદાંડીઓ પૈકીની એક ગણાય છે. આ દીવાદાંડી ભારતને સ્વતંત્રતા મળી એ પછી પણ, ઠેઠ ૧૯૭૬ સુધી કાર્યરત રહી. સફેદ રંગની આ દીવાદાંડીની લોકપ્રિયતા પાછળ અગોડા ફોર્ટની મુલાકાતે આવતા પર્યટકોનો બહુ મોટો ફાળો છે. મોરલ ઇઝ, પોર્ટુગીઝોએ બ્રિટીશર્સ અને ડચ પ્રજાથી પોતાનું થાણું બચાવવા જે કિલ્લો-દીવાદાંડી બનાવેલા, એ આજે ય પોર્ટુગીઝ શાસનના પ્રતીક તરીકે ‘આઇકોન’ બનીને ઊભા છે.

અગોડાથી વિરુદ્ધ, એક દીવાદાંડી એવી છે, જેની સાથે પોર્ટુગીઝ કે બ્રિટિશ ઇતિહાસને બદલે ભારતના પોતીકા ઇતિહાસ પુરુષનું નામ જોડાયેલું છે. આ પુરુષ એટલે કાન્હોજી આંગ્રે. એક સમય હતો જ્યારે અરબી સમુદ્રમાં કાન્હોજીની ‘નેવી’નું એકહથ્થુ રાજ ચાલતું અને આ નૌકાદળથી બ્રિટિશર્સની ય ફેં ફાટતી. સમુદ્રના સિંહ ગણાતા મરાઠા યોદ્ધા કાન્હોજીએ સેંકડો વોરશિપ્સની નેવી ઊભી કરેલી. આ નેવી યુરોપિયન નેવીઝને પણ ભારે પડતી હતી. આમ તો કાન્હોજીની સ્મૃતિ સ્વરૂપે અનેક સ્થાપત્યો છે. પણ મુંબઈ ખાતે આવેલી ૨૩ મીટર ઊંચી દીવાદાંડી – જે ક્યારેક ‘ઓલ્ડ કેનેરી લાઈટ હાઉસ’ તરીકે પ્રખ્યાત હતી એને કાન્હોજી આંગ્રે લાઈટ હાઉસ’ નામ અપાયું છે. ૧૮૫૨માં ખંડેરી ટાપુ ઉપર આ દીવાદાંડીનું બાંધકામ થયું હતું. આ સ્થળને ઐતિહાસિક ધરોહરની સાથે જ ઇકો ફ્રેન્ડલી ટૂરિસ્ટ પ્લેસ તરીકેની ઓળખ આપવાના પ્રયત્નો પણ થયા છે. આ સ્થાપત્ય ભલે બ્રિટિશ કાળમાં બન્યું, પણ અત્યારે એનું ભારતીયકરણ થઇ ચૂક્યું છે.
હવે એ દીવાદાંડી માત્ર સ્થાપત્ય જ નહિ, પણ મરાઠા નેવી અને એના કમાન્ડર કાન્હોજી આંગ્રેના ઇતિહાસનું ‘આઇકોન’ બની ચૂકી છે.

આપણે ગુજરાત તરફ પાછા ફરીએ. અહીં મધ્યયુગ પહેલાના ભારતીય શાસકોએ સાંસ્કૃતિક ધરોહરો, સ્થાપત્યો નથી આપ્યાં એવું કહેવાનો જરાય ઈરાદો નથી. વાત માત્ર કોસ્ટલાઈન્સ – એટલે કે સમુદ્ર કિનારાઓ પૂરતી સીમિત છે. ખાસ કરીને ગુજરાત પાસે લાંબો સમુદ્ર કિનારો હોવા છતાં, ‘પોતીકા’ કહી શકાય એવાં કોઈ સ્થાપત્યો અર્વાચીન કાળમાં વિકસાવી શકાયાં નથી. સૌરાષ્ટ્રમાં સોમનાથ દાદાનું ઐતિહાસિક મંદિર તેમજ દક્ષિણ ગુજરાતના દાંડી મેમોરિઅલને અપવાદ ગણવા પડે. તેમ છતાં હજી ઘણાં સ્થાપત્યો માટે અવકાશ છે . . કેટલા ગુજરાતીઓને ખબર હશે, કે આપણા કચ્છી બંદર જખૌની ૪૬ મીટર ઊંચી દીવાદાંડી દેશની સૌથી ઊંચી દીવાદાંડીઓમાં ગણના પામે છે, જે ૧૯૫૭થી કાર્યરત છે.

આ લાઈટ હાઉસ સાથે અરબી સમુદ્રના કચ્છી ભોમિયા કાનજી માલમનું નામ જોડી શકાય કે નહિ? વાત વિચારવા જેવી ખરી….

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button