શેર બજાર

અમેરિકાની મંદીનો ભય ટળતા સેન્સેક્સ જબ્બર ઉછાળા સાથે બે સપ્તાહની ઊંચી સપાટીએ, નિફ્ટી ૨૪,૫૦૦ની ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકામાં મંદીની આશંકા હળવી થવાથીં ગ્લોબલ ઇક્વિટી માર્કેટની તીવ્ર તેજી વચ્ચે સ્થાનિક બજારમાં આઈટી શેરોની આગેવાનીએ જોરદાર લાવલાવનો માહોલ સર્જાતા સપ્તાહના અંતિમ સત્રમાં શેરબજારમાં જોરદાર સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૧,૩૩૦ પોઈન્ટ ઉછળીને બે સપ્તાહની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારે ૩૯૭ પોઈન્ટ ઉછળીને ૨૪,૫૦૦ની સપાટી ઉપર પહોંચી ગયો છે.

સેન્સેક્સ ૧,૩૩૦.૯૬ પોઈન્ટ અથવા ૧.૬૮ ટકા ઉછળીને ૮૦,૪૩૬.૮૪ પર સેટલ થયો હતો, જે બે મહિનાથી વધુ સમયનો તેનો શ્રેષ્ઠ એક દિવસીય ઉછાળોે દર્શાવે છે. દિવસ દરમિયાન તે ૧,૪૧૨.૩૩ પોઈન્ટ અથવા ૧.૭૮ ટકા વધીને ૮૦,૫૧૮.૨૧ પર પહોંચ્યો હતો.
જ્યારે નિફ્ટી ૩૯૭.૪૦ પોઈન્ટ અથવા ૧.૬૫ ટકા વધીને ૨૪,૫૪૧.૧૫ની બે સપ્તાહની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના ૪૭ જેટલા શેર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા જ્યારે ત્રણ રેડ ઝોનમાં બંધ થયા હતા.

સેન્સેક્સ કંપનીઓમાંથી, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, એચસીએલ ટેક્નોલોજીસ, આઈસીઆઈસીઆઈ બેંક અને ટાટા સ્ટીલ સૌથી વધુ નફાકારક હતા. એકમાત્ર સન ફાર્મા ઘટાડા સાથે બંધ રહી હતી. મેઇનબોર્ડ સેગમેન્ટમાં ઓરિએન્ટ ટેકનોલોજી લિમિટેડ ૨૧મી ઓગસ્ટે રૂ. ૨૧૪.૭૬ કરોડની ઇનિશીયલ પબ્લિક ઑફર સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આ આઇટી સોલ્યુશન પ્રોવાઇડર કંપનીના જાહેર ભરણાં માટે પ્રાઈસ બેન્ડ રૂ. ૧૯૫થી રૂ. ૨૦૬ નક્કી થઈ છે. લોટ સીઝન ૭૨ શેરની છે અને ભરણું ૨૩મી ઓગસ્ટે બંધ થશે.

માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે ઇકોમ એકસપ્રેસ લિમિટેડે રૂ. ૨,૬૦૦ કરોડની ઇનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપની બી ટુ સી ઈ-કોમર્સ લોજીસ્ટીક સોલ્યુશન પ્રોવાઈડર છે અને તે ૨૭,૦૦૦ પિન કોડ સુધીની પહોંચ તથા ૩૪૨૧ ડિલિવરી સેન્ટર ધરાવે છે.

સ્ટેટ બેન્કે દરેક મુદ્દતના ધિરાણદરમાં ૧૦ બેસિસ પોઇન્ટ જેટલા વધારાની જાહેરાત કરી છે. બોરોઅર્સ માટે ઇએમઆઇમાં વધારો કર્યો છે. માઇક્રો ઇરિગેશન સોલ્યુશન્સના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર કેપ્ટન પોલીપ્લાસ્ટ લિમિટેડે વિસ્તરણ યોજના અંતર્ગત સૌર ઇપીસીમાં વૈવિધ્યીકરણ કર્યું છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરના પરિણામમાં એકિકૃત ધોરણે રૂ. ૬૫.૬૭ કરોડની કુલ આવક, રૂ. ૩.૨૦ કરોડનો ચોખ્ખો નફો, રૂ. ૬.૮૨ કરોડનું એબિટા, ૧૦.૩૯ ટકાનું એબિટા માર્જિન અને ૪.૮૮ ટકાનું નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે. ઓલા ઇલેક્ટ્રિકે ઇલેક્ટ્રિક મોટરસાઇકલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યાના અહેવાલો વચ્ચે તેના શેરમાં ૨૦ ટકાની અપર સર્કિટ લાગી હતી.

બ્રોડર માર્કેટમાં, મિડકેપ ઇન્ડેક્સ ૧.૮૦ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૭૦ ટકા ઊછળ્યો હતો. તમામ ઇન્ડેક્સ ઉપલી સપાટીએ બંધ રહ્યા હતા. આઇટી ઇન્ડેક્સ ૨.૭૨ ટકા અને રિયલ્ટી ૨.૪૫ ટકા ઉછળ્યો હતો. ટેક (૨.૨૩ ટકા), ઓટો (૧.૯૦ ટકા), કોમોડિટી (૧.૮૯ ટકા), પાવર (૧.૮૦ ટકા), નાણાકીય સેવાઓ (૧.૭૭ ટકા) અને ગ્રાહક વિવેકાધીન (૧.૭૪ ટકા) પણ ઊંચા બંધ થયા હતા.

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોની આગેવાનીએ નીકળેલી લેવાલી વચ્ચે શુક્રવારે ભારતીય શેરબજારની શરૂઆત સકારાત્મક નોંધ સાથે થઈ હતી. યુએસના પોઝિટિવ આર્થિક ડેટાને કારણે વિશ્ર્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મંદીના ભયને હળવો થયો હોવાથી વૈશ્ર્વિક બજારમાં તેજીનો પવન ફૂંકાયો હતો.

સત્રની શરૂઆતમાં જ સેન્સેક્સના તમામ ૩૦ કંપનીના શેર ઊંચા મથાળે ટ્રેડ કરી રહ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ, એચસીએલ ટેક્નોલોજીસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ફોસીસ અને ઈન્ડસઈન્ડ બેંક સૌથી વધુ વધ્યા હતા.

યુએસ મંદીના ડર અને યેન કેરી ટ્રેડના અનવાઈન્ડિંગને કારણે પાંચમી ઓગસ્ટે નોંધાયેલી જબરદસ્ત વેચવાલી સામે વૈશ્ર્વિક સ્તરે શેરબજારો ઉત્કૃષ્ટ રૂપે પાછા ફર્યા છે. યુ.એસ. ફુગાવો અને બેરોજગારી રાહત પરના તાજેતરના ડેટા અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યા હોવાનો સંકેત આપતા નથી અને આ બાબતને ગ્લોબલ હેજ ફંડોએ વધાવી લીધી છે. બજારના અગ્રણી વિશ્ર્લેષક અનુસાર વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સુધારા માટે જાપાની યેનની સ્થિરતા મહત્વનું પરિબળ બની છે. તે ઉપરાંત, મજબૂત યુએસ રિટેલ વેચાણ અને બેરોગજગારીના દાવાના ઘટાડાને કારણે અમેરિકામાં મંદીના હોવાના ફેડરલ રિઝર્વના ગવર્નરના કથનને સમર્થન મળ્યું છે.
વધુમાં, સીપીઆઇ ઇન્ફ્લેશનના ઘટાડાને કારણે બજારની સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો છે. આની પૃષ્ઠભૂમિ પર ભારતીય આઇટી કંપનીઓના શેરમાં જોરદાર લેવાલી જોવા મળી હતી. સ્થાનિક રીતે, ભારતીય સીપીઆઈ ફુગાવાનો દર રિઝવ૪ બેન્કના અંદાજ કરતાં નીચે ગયો છે, જે આશાવાદનો સંકેત આપે છે. જો કે, ગ્રાહક આધારિત ફુગાવામાં ઘટાડો, આઇઆઇપીના નબળા ડેટા અને નિરસ કોર્પોરેટ પરિણામ જેવા પડકારો સૂચવે છે કે બજારનો સુધારો મર્યાદિત હોઈ શકે છે, જે એફઆઇઆઇ દ્વારા ચોખ્ખી વેચવાલીનો દોર જાળવી રાખે એવી સંભાવના છે.

એશિયન બજારોમાં સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ નોંધપાત્ર રીતે ઉંચા સ્થિર થયા હતા. યુરોપિયન બજારો મોટાભાગે ગ્રાન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે અમેરિકન બજારો તીવ્ર ઉછાળા સાથે બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૨૨ ટકા ઘટીને ૮૦.૦૫ ડોલર પ્રતિ બેરલ થયું છે. સાપ્તાહિક ધોરણે બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ ૭૩૦.૯૩ પોઈન્ટ અથવા ૦.૯૧ ટકા અને એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૧૭૩.૬૫ પોઈન્ટ અથવા ૦.૭૧ ટકા ઊછળ્યો છે.

એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ બુધવારે રૂ. ૨,૫૯૫.૨૭ કરોડની ઇક્વિટી ઑફલોડ કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એે રૂ. ૨,૨૩૬.૨૧ કરોડની ઇક્વિટી લેવાલી નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button