વીક એન્ડ

શ્રીમંત અધિક શ્રીમંત થઈ રહ્યા છે

કેન્દ્રના બજેટમાં ભેદભાવને મિટાવવા માટે કોઈ પગલાં લેવાયા નથી.

‘ધનવાન વધુ અમીર થઈ રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યા છે’ એવાં નિવેદનો છેલ્લાં બે-બે વર્ષથી અલગ અહેવાલોમાં બહાર આવી રહ્યું છે. દેશમાં વધી રહેલી આ વિષમતા અંગે સત્તાધારીઓને સામાન્ય નાગરિકોએ સવાલ ઉઠાવવા જોઈએ.

કવર સ્ટોરી – પ્રથમેશ મહેતા

દેશની જનતાને છેલ્લા કેટલાક વખતથી કહેવામાં આવી રહ્યું હતું કે …સબકા વિકાસ, પરંતુ વાસ્તવમાં દેશમાં શ્રીમંતો વધુ અમીર બન્યા છે અને ગરીબો વધુ ગરીબ બન્યા છે. આ કેમ થઈ રહ્યું છે તેની ચર્ચાએ હવે જોર પકડ્યું છે. જેમ કે, આ પરિવર્તન વૈશ્ર્વિક સ્તરે પણ જોઈ શકાય છે, પરંતુ છેલ્લા દસ વર્ષમાં બંને સ્થળોએ ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ નોંધપાત્ર રીતે વધી રહી છે, વિષમતાની સાથે જ આઝાદ થયેલા ભારતમાં આ ખાઈ વધવા માટે ચોક્કસ નીતિઓ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. સંખ્યાબંધ અહેવાલામાં ‘શ્રીમંતો વધુ અમીર’ બની રહ્યા હોવા પર આંગળી ચીંધી છે. બીજી તરફ સરકાર એ બાબતે ગર્વ અનુભવી રહી છે કે ભારત વિશ્ર્વમાં પાંચમા ક્રમનું અર્થતંત્ર બની ગયું છે અને ટૂંક સમયમાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની શકે છે.

તાજેતરમાં યોજાયેલી લોકસભા અને ચૂંટણી પહેલા તો ૨૦૪૭ સુધીમાં દેશને ‘વિકસિત રાષ્ટ્ર’ બનાવવાની વાતો શરૂ થઈ ગઈ હતી. દેશ પ્રગતિના જે પંથે દોડી રહ્યો છે, તેનો કેટલો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યો છે. આપણે આ તરફ ધ્યાન આપવું જોઈએ કે નહીં?
સરકારને ગમે કે ન ગમે, દેશ-વિદેશના અર્થશાસ્ત્રીઓ હવે ભારતના કરોડોના વિરોધાભાસ, આવક-સંપત્તિનું કેન્દ્રીકરણ, અમીર-ગરીબ વચ્ચે વધતી જતી અસમાનતા તરફ આંગળી ચીંધી રહ્યા છે. આજે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંનો એક અંબાણી પરિવાર તેની વિશાળ સંપત્તિનું વરવું પ્રદર્શન કર્યું હતું. તેમના નાના પુત્રના લગ્ન સમારોહના માધ્યમથી છેલ્લા કેટલાક મહિનામાં આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર અંબાણી જ નહીં, સમગ્ર ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. આ સમયગાળામાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા ૧૦૨ થી વધીને ૧૪૩ થઈ, એ જ સમયગાળા દરમિયાન દેશમાં ગરીબી રેખા નીચેના ગરીબોની સંખ્યામાં ૪ કરોડ ૬૦ લાખનો વધારો થયો હતો.

કેન્દ્રની સરકાર પોતાના કાર્યકાળમાં દેશના લોકોની આવકમાં વધારો થયો હોવાનો દાવો કરે છે, પરંતુ એ હકીકત છુપાવે છે કે આ પરિવર્તન ફક્ત ટોચના ૧૦ ટકા અમીરોમાં જ દેખાય છે. રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ઉત્પાદકતા અને આવકમાં વધારો અમુક રાજ્યોમાં કેન્દ્રિત છે. જો સરકાર ઈચ્છે તો તે પોતાની પસંદગીના રાજ્યો પર કોઈપણ સમસ્યા વિના ભંડોળ અને યોજનાઓનો વરસાદ કરી શકે છે. તાજેતરના બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશના ફાળે જે આવ્યું તેના પરથી આ સ્પષ્ટ થાય છે.

વર્ષોથી દેશની કુલ આવકનો ૫૭ ટકા હિસ્સો ટોચના ૧૦ ટકા લોકો પાસે જાય છે, જ્યારે ૨૨ ટકા આવક એક ટકા અમીરોને જાય છે. અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે નીચલા સ્તરે રહેલી ૫૦ ટકા ગરીબ વસતી માત્ર ૧૫ ટકાની જ ફાળવણી કરાય છે, પરંતુ તે બધા તેમની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહેલા સમાજના દબાયેલા વર્ગ સુધી વિષમતા પર થઈ રહેલી ચર્ચા કેવી રીતે પહોંચશે? શું આ વિષમતા દૂર કરવાની જવાબદારી સરકારની નથી?
દેશ આઝાદ થયો ત્યારે દેશમાં રહેલી અસમાનતા ઘટાડવાના હેતુથી દેશના ત્યારના નેતૃત્વે સમજી વિચારીને કેટલીક નીતિઓ ઘડી હતી, પરંતુ ૧૯૯૦ના દાયકામાં આખી દુનિયામાં મુક્ત અર્થતંત્ર, આર્થિક વેગ અને ઉપભોક્તાવાદનો પવન ફૂંકાયો હતો અને સરકારની નીતિઓ પણ આ તરફ વળેલી છે.

મોટા ભાગના નિષ્ણાતો નિર્દેશ કરે છે કે ૨૦૧૭માં જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારથી, આર્થિક અસમાનતાની આ ખાઈ ઘણી વિસ્તરી છે. મોદી સરકાર દ્વારા લેવામાં આવેલું એક પગલું શ્રીમંતોના લાભ માટે લેવામાં આવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. દેશની સરકારે ‘કોર્પોરેટ ટેક્સ’ ઘટાડ્યો. તેનો હેતુ કંપનીઓને વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાનો હોવાનું કહેવાયું હતું. આ ફેરફારને કારણે પ્રત્યક્ષ કરમાંથી સરકારની આવકમાં ઘટાડો થયો છે અને જીએસટીના રૂપમાં પરોક્ષ કરની આવકમાં વધારો થયો છે.

દેશના દરેક નાગરિકે તેમની આવકને ધ્યાનમાં લીધા વિના જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રકમ ચૂકવવી પડે છે. એટલે કે આનો અર્થ એવો કરી શકાય કે દેશના શ્રીમંતો પણ વસ્તુ અથવા સેવા પર ગરીબો જેટલો જ ટેક્સ ચૂકવે છે. હાલમાં જીએસટીને કારણે કેવી રીતે અસમાનતામાં વધારો થાય છે તે અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે, પરંતુ આવી અન્યાયી કર પ્રણાલીમાં મોટા પ્રભાવશાળી ફેરફારો કરવા માટે કોણ જવાબદાર છે?

એક તરફ આર્થિક અસમાનતાની આ ખાઈ વધી રહી છે ત્યારે તેના પર આયોજન કરીને ગરીબોને મદદનો હાથ આપવાને બદલે વિવિધ પ્રકારના આંકડા છુપાવીને દેશમાં વધતી જતી અસમાનતાની વાસ્તવિકતા છુપાવવા પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે એવો આક્ષેપ વિરોધીઓ કરી રહ્યા છે.

અત્યારે દેશના તમામ લોકોનું ઘરનું બજેટ બગડી ગયું છે. તાજેતરમાં ‘નેશનલ ઈકોનોમિક સ્ટેટિસ્ટિક્સ ૨૦૨૪’નો અહેવાલ બહાર આવ્યો છે, જે દર્શાવે છે કે એક સમયે તેમની બચત માટે જાણીતા ભારતીયોનો બચત દર પણ ઘણો નીચે ગયો છે. ખાસ કરીને કોવિડ પછીથી સામાન્ય ભારતીય પરિવારોનો બચત દર સતત ઘટી રહ્યો છે. જો કે, આ જ સમયગાળા દરમિયાન, ચોક્કસ ઉચ્ચ વર્ગ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ત્રણ ગણું વધ્યું હતું. શેર્સ અને સમકક્ષ રોકાણો પણ બમણા થયા છે, જ્યારે સામાન્ય માણસ દ્વારા બેંકો અથવા અન્ય નાણાકીય કંપનીઓ પાસેથી લોન લેવા લેવાના પ્રમાણમાં આ સમયગાળા દરમિયાન ચાર ગણો વધારો થયો.

દેશમાં વધી રહેલી વિષમતાને ધ્યાનમાં રાખીને જ અમીરો પર વારસા ટેક્સ લાદવો જોઈએ એવા સૂર ઉઠી રહ્યા હતા. અત્યારે બજેટમાં કેપિટલ ગેઈન્સ ટેક્સની વિગતો જોવામાં આવે તો પાછલા બારણેથી ‘ઈનહેરિટન્સ ટેક્સ’ લાગુ કરવાની શરૂઆત થઈ રહી છે? સામાજિક અસમાનતાનો સીધો સંબંધ અપરાધ અને સામાજિક સ્વાસ્થ્ય સાથે છે. તેથી જ વ્યાપક હિતમાં અસમાનતાને રોકવા માટે પગલાં લેવા આવશ્યક છે. આગામી સમયમાં રાજકીય પક્ષોને અન્ય સંવેદનશીલ મુદ્દાઓ પર મતો માગવા આવનારા રાજકારણીઓને આ વધી રહેલી વિષમતા અંગે સવાલો કરવા જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?